બૉડીશેપ કે ઉંમર કોઈ પણ હોય, કેપ્રીના કન્ટેમ્પરરી ટ્રેન્ડને બધા જ ફૉલો કરી શકશે

24 June, 2025 07:02 AM IST  |  Mumbai | Kajal Rampariya

આ ફૅશન ફરી આવી છે ત્યારે અલગ-અલગ સ્ટાઇલની કેપ્રી ગમે એ રીતે સ્ટાઇલ કરીને બધી જ સીઝનમાં પહેરી શકાશે

જાહ્‍‍નવી કપૂર

સમય પ્રમાણે બદલાતા ફૅશન-ટ્રેન્ડમાં પહેલાંના ક્લાસિક ટ્રેન્ડ ફરીથી પાછા નવા અંદાજમાં પૉપ્યુલર થઈ રહ્યા છે. એક સમયના સરળ અને સામાન્ય ગણાતાં કેપ્રી-પૅન્ટ્સને જાહ્‍‍નવી કપૂરે એક નવો અને રિફાઇન્ડ રૂપ આપી કેપ્રીની વ્યાખ્યાને બદલી નાખી છે. તેના કેપ્રી-પૅન્ટના લુકને ડીકોડ કરીએ તો તેણે સફેદ કલરની હાઈ વેસ્ટ સ્ટાઇલિશ કેપ્રી સાથે વાઇટ ટૉપ પહેરીને કોઈ પણ પ્રકારની હેવી ઍક્સેસરીઝ વગર મિનિમલિસ્ટ લુક અપનાવ્યો હતો જે ક્લાસિકની સાથે લક્ઝરી અને ફ્રેશ વાઇબ આપતો હતો. કેપ્રી-પૅન્ટ્સના કમબૅક વિશે માટુંગામાં રહેતાં અને ફૅશન-ડિઝાઇનિંગ ક્ષેત્રે ૧૧ વર્ષનો અનુભવ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર ખુશબૂ ગોગરી પાસેથી જાણીએ…

ફૅબ્રિક બન્યું ગેમ-ચેન્જર

પહેલાં તો ફક્ત સ્લિમ-ફિટ યુવતીઓ જ કેપ્રી-પૅન્ટ્સ પહેરી શકતી હતી, પણ હવે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં કેપ્રી-પૅન્ટ્સમાં ઘણાં મૉડિફિકેશન્સ થયાં છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેરફાર ફૅબ્રિકનો જ થયો છે. અત્યારે મોટા ભાગનાં કેપ્રી-પૅન્ટ્સ સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાંથી બની રહ્યાં હોવાથી કોઈ પણ બૉડીશેપની યુવતી કે મહિલા કૉન્ફિડન્સ સાથે પહેરી શકે છે. એટલું જ નહીં, એ ગમે ત્યારે અને ગમે એ સીઝનમાં પહેરી શકાય છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે કપડાં ભીનાં અને ગંદાં ન થાય એ માટે યુવતીઓ ટ્રાવેલિંગમાં અને ઑફિસ જવા માટે પણ કેપ્રી-પૅન્ટ્સ પહેરવાનું પસંદ કરી રહી છે. આ પ્રકારનું કાપડ સ્ટાઇલની સાથે કમ્ફર્ટ પણ આપે છે. તમે પણ તમારા વૉર્ડરોબમાં આવાં કેપ્રી-પૅન્ટ્સ ઉમેરીને જાહ્‍‍નવીની જેમ ટ્રેન્ડસેટર બની શકો છો, કારણ કે તેણે પણ જે હાઈ વેસ્ટ સિગારેટ કેપ્રી પહેરી છે એ સ્ટ્રેચેબલ ફૅબ્રિકની જ છે. સિગારેટ કેપ્રી-પૅન્ટ્સ બૉડીફિટેડ હોય અને નીચેથી કટ હોય એવાં આવે.

હાઈ વેસ્ટ અને ફ્લેર કેપ્રી ટ્રેન્ડમાં

માર્કેટમાં અત્યારે હાઈ વેસ્ટ કેપ્રી-પૅન્ટ્સ ઉપરાંત ફ્લેર કેપ્રી એટલે એથ્નિક ટચ આપે એવા પલાઝો જેવી લૂઝ હેમલાઇનવાળી કેપ્રી બહુ ટ્રેન્ડમાં છે. ટ્રાવેલિંગ અને યોગ માટે પણ લાયક્રા ફૅબ્રિકમાં કેપ્રી ટ્રેન્ડમાં છે ત્યારે ક્યારેય ઑફ સીઝન કે આઉટ ઑફ ટ્રેન્ડ ન જાય એવી ડેનિમના કાપડની કેપ્રી લોકો વધુ પસંદ કરે છે. કલર શેડ્સની વાત કરું તો અત્યારે પેસ્ટલ કલર્સનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે. ડેનિમના કાપડમાં પણ ઑલિવ ગ્રીન અને લૅવન્ડર કલરનાં પૅન્ટ્સ પહેરવાનું યુવતીઓ પસંદ કરી રહી છે.

સ્ટાઇલિંગ ટિપ્સ

 ચોમાસા અને ઉનાળાની સીઝનમાં કેપ્રી-પૅન્ટ્સ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. કૅઝ્યુઅલ આઉટિંગ, બ્રંચ, મૉલ માટે અથવા હવામાન-અનુકૂળ મુસાફરી દરમ્યાન ખૂબ યોગ્ય છે.

 ઑફિશ્યલ ઇવેન્ટ્સ માટે સ્ટ્રક્ચર્ડ ટૉપ કે બ્લેઝર સાથે પણ એ ફિટ થાય છે.

 કાપડ અથવા પ્રિન્ટેડ કેપ્રી-પૅન્ટ્સ સાથે કુર્તી પહેરીને ટ્રેડિશનલ અને વેસ્ટર્નનો ફ્યુઝન લુક અપનાવી શકાય છે.

 કૉલેજ અથવા શૉપિંગ જવાનું હોય તો ક્રૉપ ટૉપ કે સ્લિમ ટી-શર્ટ સાથે ડેનિમ કેપ્રી પહેરી શકાય. જો ફૅમિલી-ડિનર કે ગેટટુગેધર હોય તો ક્રૉપ ટૉપ પર જૅકેટ પહેરશો તો ડીસન્ટ લુક આવશે.

 મોનોક્રોમ લુક જોઈતો હોય તો સફેદ કેપ્રી સાથે વાઇટ બ્લાઉઝ, પ્લૅટફૉર્મ હીલ્સ અને મિનિમલ મેકઅપ લક્ઝરી ફીલિંગ અપાવશે.

 ઍક્સેસરીઝની વાત કરીએ તો જેટલી ઓછી ઍક્સેસરી પહેરશો એટલું જ સાદો અને એલિગન્ટ લુક મળે.

 યંગ યુવતીઓ માટે હાઈ વેસ્ટ કેપ્રી-પૅન્ટ્સ ક્રૉપ ટૉપ્સ સાથે સ્ટાઇલિશ લાગશે. પ્રોફેશનલ મહિલાઓ માટે એને શર્ટ કે બ્લેઝર સાથે પૅર કરીને પ્રોફેશનલ આઉટફિટ બનાવી શકાય. ટ્રાવેલર્સ માટે સ્પોર્ટી કૉટન કેપ્રી-પૅન્ટ્સ આરામદાયક અને સ્નીકર્સ સાથે સરળ લાગે છે ત્યારે ફૅશનના શોખીનો માટે ફ્લેર કે સાઇડ-સ્લિટ વેરિઅન્ટ્સ તમારા લુકને યુનિક બનાવશે. પ્લસ સાઇઝ હોય એવી યુવતીઓને ફ્લેર કેપ્રી અથવા પહોળી હેમવાળાં પૅન્ટ્સ સારાં લાગશે. એ તેમના લુકને બૅલૅન્સ કરશે.

janhvi kapoor fashion news fashion life and style bollywood bollywood news columnists gujarati mid-day mumbai