16 June, 2025 01:09 PM IST | Mumbai | Kajal Rampariya
મિલોની શાહ
ભારતીય મહિલાઓ માટે સોનાનાં ઘરેણાં ફક્ત આભૂષણ નહીં પણ વડીલો તરફથી મળેલી વારસાગત લાગણી હોય છે. કોઈ સોનાનો હાર જૂનો થઈ જાય અને એને આપીને બીજો હાર લેવાની વાત થાય ત્યાં જ તે બોલી ઊઠે કે ‘આ હાર તો મારાં મમ્મીએ આપેલો છે. એની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. હું તેમના આશીર્વાદ સમજીને મારી સાથે જ રાખીશ.’
જોકે સોનાનાં ઘરેણાંની ડિઝાઇન ટ્રેન્ડના હિસાબે બદલાયા કરતી હોય છે તેથી દાદી-નાની અને મમ્મી તરફથી મળેલાં ઘરેણાં કન્ટેમ્પરરી ફૅશન સાથે મેળ ખાતાં ન હોવાથી એ કબાટ અથવા લૉકરમાં જ પડ્યાં રહે છે, પણ જો આ ઘરેણાંને ઓગાળીને નવા બનાવવા કરતાં જૂનાં ઘરેણાંને મેકઓવર કરીને ટ્રેન્ડી અને મૉડર્ન લુક મળે તો? દક્ષિણ મુંબઈમાં રહેતી ૩૦ વર્ષની જ્વેલરી ડિઝાઇનર મિલોની શાહ જૂનાં ઘરેણાંને ઓગાળ્યા વિના એનું અપસાઇક્લિંગ કરીને ક્રીએટિવ રીતે કન્ટેમ્પરરી લુક આપે છે. તેના આ યુનિક સ્ટાર્ટઅપની જર્ની કઈ રીતે શરૂ થઈ એ વિશે મિલોની પાસેથી જાણીએ.
ઇઅરરિંગ અને ચેઇન્સમાંથી કસ્ટમાઇઝ્ડ નામવાળા પેન્ડન્ટનો હાર બનાવ્યો.
એક ઇઅરરિંગમાંથી ત્રણ ઝુમકા બનાવ્યા.
જર્નીની શરૂઆત
મિલોની આમ તો BCom ગ્રૅજ્યુએટ છે, પણ તેને જ્વેલરી ડિઝાઇનિંગનું કામ બહુ જ ગમતું હોવાથી તેણે ડિગ્રીની સાથે જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. ગોલ્ડ અપસાઇક્લિંગનો આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં મિલોની કહે છે, ‘પહેલેથી જ મને જ્વેલરીના મેકિંગ અને ડિઝાઇનિંગ વિશે જાણવાની ઘેલછા રહેતી હતી તેથી મેં HR કૉલેજથી BCom ભણતાં-ભણતાં એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂશનમાંથી જ્વેલરી ડિઝાઇનિંગ અને મૅન્યુફૅક્ચરિંગનો કોર્સ કર્યો હતો. મારી ફૅમિલીમાંથી કોઈ પણ આ ફીલ્ડમાં નહોતું પણ મને રસ હતો એટલે હું એમાં ઊંડી ઊતરી. ડિગ્રી મેળવ્યા બાદ હું ઇટલીમાં એક અઠવાડિયા માટે ઍડ્વાન્સ લર્નિંગ માટે પણ ગઈ હતી. આ દરમિયાન મેં ઇન્ટર્નશિપ કરીને થિયરીની સાથે પ્રૅક્ટિકલ નૉલેજ પણ મેળવ્યું. મેં બહુ જ ઓછા સમય માટે જૉબ કરી હતી. મને હંમેશાં એવું હતું કે મારું પોતાનું કંઈક સ્ટાર્ટ કરવું છે અને મને મારાં આન્ટીએ જ તક આપી. આ વાત ૮ વર્ષ પહેલાંની છે. એક વખત તેઓ પોતાનાં જૂનાં અને ટ્રેડિશનલ સોનાનાં ઘરેણાં મારા ઘરે લાવ્યાં અને મને કહ્યું કે આને આજની તારીખમાં પહેરી શકાય એવાં થઈ શકશે? મારું આ પહેલું અસાઇનમેન્ટ હતું એટલે થોડીક નર્વસ હતી. સોનાનાં ઘરેણાંમાં પર્લ્સ, પોલ્કી અને ડાયમન્ડ વર્કથી મેં મૉડર્ન મેકઓવર કર્યો. જ્યારે તેમણે મેકઓવર કરેલાં ઘરેણાંને જોયાં તો પ્રભાવિત થઈ ગયાં. એ સમયે મને એવું લાગ્યું કે હું જ્વેલરી ડિઝાઇનિંગને બદલે ગોલ્ડ અપસાઇક્લિંગના બિઝનેસમાં આગળ વધી શકીશ. મેં ઘરેથી જ કામની શરૂઆત કરી અને એ જ સમયે કિવ્લો જ્વેલ્સ નામની બ્રૅન્ડ બનાવી દીધી. ગોલ્ડ અપસાઇક્લિંગનો બિઝનેસ એ સમયે બહુ જ ઓછા લોકો કરતા હતા. આજની તારીખમાં પણ આવું કરનારા લોકો ઓછા છે પણ મને લોકોનાં જૂનાં ઘરેણાંને નવો ટચ આપવાનું ગમતું, કારણ કે દરેક ઑર્ડર મારી ક્રીએટિવિટીને પડકારે છે. અત્યારે મને સેંકડો ઑર્ડર્સ આવે છે અને હું હવે મારા જ્વેલરી સ્ટુડિયોથી બધું કામ પ્રોફેશનલી મૅનેજ કરું છું. મારાં લગ્ન થયા બાદ બિઝનેસને વધુ એક્સપાન્ડ કરી રહી છું, કારણ કે મારા પતિ કેવિન શાહ મૅન્યુફૅક્ચરિંગ સંભાળે છે. અમે બન્ને સાથે મળીને મારા સ્ટાર્ટઅપને આગળ વધારી રહ્યા છીએ.’
બંગડી અને પેન્ડન્ટને હારમાં કન્વર્ટ કર્યાં.
જૂના દાગીનામાંથી શું બની શકે?
વાતના દોરને આગળ વધારતાં મિલોની તેની જર્ની વિશે કહે છે, ‘મને મારા ફૅમિલી-મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ તરફથી એટલા ઑર્ડર્સ મળ્યા કે ન પૂછો વાત. સોનાનાં ઘરેણાંને નવી રીતે રીડિઝાઇન કરવાથી એ સ્ટાઇલિશ અને મૉડર્ન બની જાય છે. લોકો મને આવીને પૂછતા કે સોનાના દાગીનામાંથી શું બની શકે? ત્યારે જવાબમાં હું કહેતી કે શું ન બની શકે? તમે ધારો એ બની શકે અને તમે ઇચ્છો એ બનાવીને આપી શકું. ઘરેણાંઓ સાથે મહિલાઓનું ઇમોશનલ અટૅચમેન્ટ હોય છે અને જો એને તોડાવીને નવું બનાવવામાં આવે તો મેટલ લૉસ થાય છે અને મેકિંગ ચાર્જ પણ વધે છે. ઉપરથી વડીલોએ આપેલા હાર સાથે ઇમોશન્સ જોડાયેલાં હોવાથી દુ:ખ થાય છે એ અલગ, પણ ગોલ્ડ અપસાઇક્લિંગમાં આવું કંઈ થતું નથી. સરળ ભાષામાં સમજાવું તો અપસાઇક્લિંગ એવી પ્રક્રિયા છે જેમાં જૂની વસ્તુઓને તોડ્યા વગર નવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ રીતે બનાવવામાં આવે છે. નેકલેસમાંથી બ્રેસલેટ, ચોકર કે પેન્ડન્ટ બનાવી શકાય, જૂના મંગળસૂત્ર કે હારમાંથી મૉડર્ન ચેઇન બનાવી શકાય. મોટા ઝુમકામાંથી સ્ટડ્સ બનાવી શકાય. સોનાના કડામાંથી સ્ટાઇલિશ બંગડી કે કફ બની શકે. એમાં પોલ્કી, કુંદન અને ડાયમન્ડ વર્ક કરીને નવી સ્ટાઇલમાં ઉપયોગમાં લઈ શકાય. મને એક ઑર્ડર આવે એટલે કેવું ભારે વર્ક જોઈએ છે એ મુજબ નક્કી થાય કે એને કેટલા દિવસ લાગશે. સામાન્યપણે એક ઑર્ડરને પૂરો કરતાં સરેરાશ વીસથી ૨૫ દિવસ નીકળી જતા હોય છે. જો નાનાં ઘરેણાંમાંથી મોટો ઑર્નામેન્ટ બનાવવાનો હોય તો દોઢ મહિના જેટલો સમય લાગી શકે છે. ટૂંકમાં કહું તો ગોલ્ડ અપસાઇક્લિંગ બહુ જ સચોટ અને પરવડે એવો વિકલ્પ છે.’
બાજુબંધ અને બુટ્ટીમાંથી ચોકર બનાવ્યું
ચોકરમાંથી મોટો હાર બનાવ્યો.
ક્લાયન્ટ્સની યુનિક ડિમાન્ડ્સ
૮ વર્ષની કારકિર્દી દરમિયાન કેવાં ઘરેણાં પર કઈ રીતે મેકઓવર કર્યો એ કિસ્સાઓને જણાવતાં મિલોની કહે છે, ‘આમ તો ચાંદી અને અન્ય મેટલ્સનાં ઘરેણાંઓનું અપસાઇક્લિંગ થાય છે, પણ હું ફક્ત સોનાનાં ઘરેણાંઓને જ રીડિઝાઇન કરું છું. એક ગ્રાહકે તેમના ચાર પેઢી જૂના બાજુબંધમાંથી પેન્ડન્ટ બનાવ્યું અને એમાં ચાર પેઢીની સાસુઓનાં નામ પણ લખાવ્યાં. આ રીતે ઘરેણાંઓને પોતાનો પર્સનલ ટચ પણ આપી શકાય છે. એક ગ્રાહકે મને એક પેન્ડન્ટ અને કડું આપ્યાં. મેં એનો હાર બનાવ્યો. મોતી અને કુંદનના વર્કથી એનો કરેલો મેકઓવર કોઈ પણ
સાડી-લુકમાં મૅચ થઈ જાય એવું હતું. મને હજી એક યુનિક ઑર્ડર યાદ છે. ક્લાયન્ટ મારી પાસે ત્રણ લેયરવાળા ઇઅરરિંગ્સ લઈને આવ્યા હતા. મેં એ ત્રણેયને અલગ કરીને ત્રણ નાનાં અને અલગ-અલગ ડિઝાઇનવાળાં ઝુમકા બનાવી દીધા.’