02 June, 2025 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅગ-ચાર્મ્સ
ફૅશનની દુનિયામાં લક્ઝરી ફૅશન અને સ્ટ્રીટ-સ્ટાઇલનું ફ્યુઝન ક્યારેક બહુ જ સારું રિઝલ્ટ આપે છે તો ક્યારેક ડિઝૅસ્ટર સાબિત થાય છે. અત્યારે બૅગ-ચાર્મનો ટ્રેન્ડ પાછો આવી ગયો છે. પહેલાં ફક્ત લોકલ બ્રૅન્ડ્સ જ બૅગ-ચાર્મ્સ બનાવતી હતી. જોકે હવે લક્ઝરી હૅન્ડબૅગ્સ અને સાઇડ બૅગ્સ બનાવતી કેટલીક કંપનીઓએ બૅગ્સ સાથે મન મોહી લે એવા લાબુબુ નામના ટૉય-કૅરૅક્ટરનો ઉપયોગ બૅગ-ચાર્મ એટલે કે બૅગ સાથે કીચેઇન તરીકે કર્યા બાદ એનો ગ્લોબલ લેવલ પરનો ટ્રેન્ડ વધ્યો છે. હૉન્ગકૉન્ગના આર્ટિસ્ટ કાસિંગ લન્ગ દ્વારા સર્જાયેલું લાબુબુ નામનું આ કાર્ટૂન જેવું ટૉય-કૅરૅક્ટર ફૅશન અને પૉપ-કલ્ચરના ક્ષેત્રમાં પણ પ્રભાવશાળી બન્યું છે. રિહાના, હેલી બીબર, સિમોન બાઇલ્સ અને અનન્યા પાંડે જેવી સેલિબ્રિટીઝે લાબુબુને પોતાના બૅગ-ચાર્મ તરીકે ફ્લોન્ટ કર્યું હતું અને ત્યારથી જ એની લોકપ્રિયતા વધી રહી છે. લાબુબુ બૅગ-ચાર્મ્સ અને પેન્ડન્ટ્સ ફૅશન-સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. બૅગ સાથે લટકતા નાના કાર્ટૂનમાં એવી તે શું ખાસિયત છે એવો સવાલ તમને ઉદ્ભવતો હશે, કારણ કે આપણે ત્યાં બૅગ સાથે ચેઇનમાં કાર્ટૂન લટકતું જોવું મોટી વાત નથી. સ્ટ્રીટ-શૉપિંગમાં પણ નાનું અને ક્યુટ કાર્ટૂન હોય એવી બૅગ આપણું ધ્યાન ખેંચે છે, પણ જેન્ઝી જનરેશનમાં લાબુબુ કાર્ટૂનનું ઑબ્સેશન અલગ પ્રકારનું છે. મોટી આંખોવાળું શરારતી દેખાતું આ ચીની કાર્ટૂન ટ્રેન્ડિંગ ઍક્સેસરી કઈ રીતે બન્યું એ જાણીએ.
લાબુબુ શું છે?
૨૦૧૫માં ધ મૉન્સ્ટર નામની સ્ટોરીબુક માટે હૉન્ગકૉન્ગના કલાકાર કાસિંગ લન્ગે લાબુબુ નામના પાત્રની રચના કરી હતી. એની ડિઝાઇન નૉર્ડિક લોકકથાથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. આ કાલ્પનિક પાત્રને બનાવવા પાછળના હેતુ વિશે કલાકારે સમજાવ્યું છે કે લાબુબુ એ પર્ફેક્ટ નથી પણ જુદું છે, જીવનમાં અસ્વીકાર હોવા છતાં આશા અને પ્રેમને જાગૃત રાખી શકાય છે. ચપળ આંખો સાથે શરારતી સ્મિત ધરાવતા આ કાર્ટૂનની લોકપ્રિયતા ૨૦૧૯થી વધતી ગઈ.
ગ્લોબલ ટ્રેન્ડ
ગયા વર્ષે સાઉથ કોરિયાના ગર્લ ગ્રુપ બ્લૅક પિન્કની લીસાએ લાબુબુ સાથેની તસવીર શૅર કરી હતી અને ગણતરીની મિનિટોમાં એ એશિયન ટ્રેન્ડ બની ગઈ. ત્યાર પછીથી લાબુબુનો ઉપયોગ બૅગ-ચાર્મ્સ અને પેન્ડન્ટ તરીકે વધવા લાગ્યો. એનો આ ક્રેઝ ધીરે-ધીરે ભારતમાં આવ્યો અને બૅગ-એક્સેસરીમાં એનો ઉપયોગ વધવા લાગ્યો છે. અહીંના લોકો પણ એને પસંદ કરી રહ્યા છે. લાબુબુ વિનાઇલ ફિગર કિચનનાં ૩૦૦ કરતાં વધુ યુનિક વર્ઝનમાં ઉપલબ્ધ છે. એમાં ગ્લિટરી, ક્રૉસઓવર જેવી ડિઝાઇન સામેલ છે. આ સાથે બ્લાઇન્ડ બૉક્સ ફૉર્મેટમાં વેચાતાં ટૉય્ઝમાં પણ એનો ઉપયોગ વધ્યો છે. સ્ટ્રીટવેઅરના શોખીનો માટે બૅગમાં કી-ચેઇનનો ઉમેરો લુકને ટ્રેન્ડી બનાવશે.