26 February, 2025 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્ન-ટેસ્ટ, રિંગ-ટેસ્ટ, વૉટર-ટેસ્ટ
નારીનો સદાબહાર શૃંગાર કહેવાતી સાડીઓ જોઈએ એટલી વરાઇટીમાં માર્કેટમાં મળી જાય છે. ડિઝાઇન, પૅટર્ન અને ફૅબ્રિકમાં વિવિધતા મળે જ છે પણ સિલ્કની સાડી પહેરવાનો અલગ ક્રેઝ છે. સિલ્કની સાડી રિચ લુકની સાથે ટ્રેડિશનલ વાઇબ્સ આપતી હોવાથી લગ્ન જેવા શુભ પ્રસંગે સ્ત્રીઓ સિલ્કની સાડી જ પહેરવાનો આગ્રહ રાખતી હોય છે. ગુજરાતનાં પટોળાં હોય, ઉત્તર પ્રદેશની બનારસી સિલ્ક હોય કે પછી દક્ષિણ ભારતની કાંચીપુરમ સાડી; અલગ-અલગ પ્રકારના સિલ્કમાં ટ્રેડિશનલ રીતે વણાયેલી સાડી પહેરવાની ઇચ્છા દરેક સ્ત્રીને હોય જ છે. જોકે સિલ્કમાં પણ બનાવટી સિલ્ક સાડીનું વેચાણ ઑફલાઇન અને ઑનલાઇન માર્કેટમાં થઈ રહ્યું છે. આવા સમયે તમે છેતરાઈ ન જાઓ અને તમે જે સાડીની ખરીદી કરો છો એ રિયલ સિલ્ક છે કે નથી એ પારખવું બહુ જરૂરી છે.
પ્રાઇસ ફૅક્ટર જોવું
જો તમને એકદમ સસ્તી કિંમતમાં સિલ્કનું કાપડ મળતું હોય તો ચેતવાની જરૂર છે, કારણ કે સિલ્ક ક્યારેય સસ્તું મળતું નથી. સસ્તા સિલ્કને ખરીદવા પાછળ આંધળી દોટ મૂકવા પહેલાં એક વાર વિચાર કરવો જરૂરી છે. જો ઉત્પાદકો પાસેથી જ સિલ્ક ખરીદો છો તો શક્ય છે કે તમને રીઝનેબલ ભાવે મળી જાય. બાકી અફૉર્ડેબલ સિલ્ક મળવું નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ છે. જો મળે તો એની ગુણવત્તા પર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. સિલ્ક સિન્થેટિક ફાઇબર કરતાં દસગણું મોંઘું હોય છે. તેથી દુકાનદાર બાર્ગેનિંગ દરમિયાન ભાવમાં ધરખમ ઘટાડો કરે તો એમાં પૉલિએસ્ટર ફૅબ્રિકની મિલાવટ હોવાની પણ શક્યતા હોઈ શકે છે. ખાસ કરીને ઈ-કૉમર્સ સાઇટમાં સિલ્કની સાડીઓના ડિસ્ક્રિપ્શનમાં સિલ્ક સૅટિન લખ્યું હોય છે. સૅટિન સિલ્ક પણ સારું હોય છે, પણ એ પ્યૉર સિલ્ક જેવી ફીલિંગ નહીં આપે.
હાથ પસવારીને જુઓ
પ્યૉર સિલ્ક બહુ જ લક્ઝુરિયસ વાઇબ્સ આપે છે. એ મોંઘું હોવાની સાથે ટકાઉ પણ હોય છે. એની ખાસિયત જ એની બનાવટ છે. તમે સાડીને પોતાની એક આંગળીથી ટચ કરીને એના પર ફેરવશો તો એ મુલાયમ અને ઠંડું લાગશે. જો આવું ન થાય તો સમજી લેવું કે સિલ્ક પ્યૉર નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી સિલ્કની સાડીને ઑનલાઇન મંગાવવા કરતાં હાથેથી ટચ કરીને જ લેવું, નહીં તો ફ્રૉડ થવાના ચાન્સ વધી જાય છે. ટચ ઍન્ડ ફીલ સિલ્કના ટેસ્ટ માટે બહુ જ મહત્ત્વની છે. નકલી સિલ્ક બહુ સરળતાથી ચોળાઈ પણ જાય છે.
બર્ન-ટેસ્ટ
સાડીના એક્સ્ટ્રા કાપડના થોડા દોરાને બાળીને સિલ્કની પ્યૉરિટીની બર્ન-ટેસ્ટ કરવી. જો સિલ્ક પ્યૉર હશે તો એ ધીરે-ધીરે બળશે અને એ બળવાની ગંધ વાળ બળે એવી હશે. એની રાખ પણ લોટ જેવી બારીક હશે. જો એમાં સિન્થેટિકની મિલાવટ હશે તો બળવાની ગંધ પ્લાસ્ટિક જેવી આવશે. ત્યારે સમજી લેવું કે એ રિયલ સિલ્ક નથી.
વૉટર-ટેસ્ટ
સિલ્ક રિયલ છે કે બનાવટી એ જાણવા પાણીનો ઉપયોગ કરીને પણ ટેસ્ટ કરી શકાય. આ માટે સાડી પર પાણીના છાંટા નાખો. જો પ્યૉર સિલ્ક હશે તો પાણીને ધીરે-ધીરે ઍબ્ઝૉર્બ કરશે અને સિન્થેટિક હશે તો એ કાપડમાંથી સરકી જશે.
રિંગ-ટેસ્ટ
સિલ્ક સાડીની ઓળખ રિંગ-ટેસ્ટથી પણ કરી શકાય છે. હાથમાં પહેરવાની રિંગમાંથી સિલ્કની સાડીને પસાર કરો. જો એ સ્મૂધલી રિંગમાંથી પસાર થાય તો એ પ્યૉર સિલ્ક ગણાય, પણ જો સિન્થેટિક ફાઇબરની મિલાવટ હશે તો એ રિંગમાંથી સરળ રીતે પસાર થઈ નહીં શકે.