11 March, 2025 06:54 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
કોઈ પ્રસંગ નજીક આવે અથવા ક્યાંય ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય ત્યારે જ વગર આમંત્રણે ચહેરા પર પિમ્પલ્સ આવે અને ત્યારે ઇરિટેશન થવાનું સ્વાભાવિક છે. તરત જ એને ઇન્સ્ટન્ટ્લી દૂર કરવા માટેના રસ્તા શોધવા લાગીએ છીએ. ટેક્નૉલૉજી ઍડ્વાન્સ થઈ ગઈ હોવાથી નિતનવાં સ્કિનકૅર ટૂલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. તાજેતરમાં LED ઍક્ને પૅચ નામના ડિવાઇસનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે. આ ટ્રેન્ડી ટૂલની ખાસિયત એ છે કે એ ખીલની સમસ્યામાંથી ઇન્સ્ટન્ટ છુટકારો અપાવે છે. LED લાઇટથી પિમ્પલની સમસ્યા પળવારમાં દૂર તો થાય છે પણ આ ડિવાઇસ સ્કિન-ફ્રેન્ડ્લી છે? LED ઍક્ને પૅચનો વપરાશ કેટલી હદે યોગ્ય છે એ વિશે વિચાર કરવો પણ જરૂરી છે.
કેવી રીતે કામ કરે?
સ્કિનકૅર ઇન્ડસ્ટ્રીમાં વાઇરલ થઈ રહેલા ડિવાઇસ વિશે માહિતી આપતાં મુલુંડમાં રહેતાં અનુભવી ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મંજૂષા કુરુવા કહે છે, ‘LED ઍક્ને પૅચ બેથી ત્રણઇંઈંચ જેટલું નાનું અમસ્તું ડિવાઇસ હોય છે. એમાં લાલ અને વાદળી LED લાઇટ્સ હોય છે જે પિમ્પલ મૂળથી દૂર કરવામાં મદદ કરે છે. આ ટૂલ ફક્ત માઇલ્ડ પિમ્પલ્સ હોય એને દૂર કરવામાં જ કામ આવે છે. અમે ૧૫થી ૨૦ વર્ષથી IPL (ઇન્ટેન્સ પલ્સ્ડ લાઇટ) લેઝર અને LED માસ્ક વાપરીએ છીએ. એમાંથી નીકળતી લાલ અને બ્લુ લાઇટથી લેઝર થેરપી આપીએ. LED ઍક્ને પૅચ થોડું અલગ છે. એમાંથી પણ લાલ અને બ્લુ એમ બે લાઇટ્સ નીકળે છે. બ્લુ લાઇટ પિમ્પલની સાથે સ્કિનમાં જમા થયેલા બૅડ બૅક્ટેરિયાનો નાશ કરીને એનો કાઉન્ટ ઓછો કરવામાં મદદરૂપ થાય છે અને એ ઊંડે સુધી પહોંચે એ પહેલાં જ સ્કિનને બ્રેકઆઉટ થતાં અટકાવે છે. લાલ લાઇટ એ પિમ્પલની રેડનેસને ઓછી કરીને એમાં થતા દુખાવા અને બળતરાને ઘટાડે છે અને ખીલ પછી થતા ડાઘ અને બ્લૅકહેડ્સને થતા પણ અટકાવે છે. માર્કેટમાં અલગ-અલગ કંપનીના LED ઍક્ને પૅચ મળે છે. કોઈમાં ફક્ત બ્લુ લાઇટ મળશે તો કોઈમાં ફક્ત રેડ અથવા કોઈમાં બન્ને લાઇટનો કૉમ્બો મળશે. આ પ્રોડક્ટ બનાવવાનાં અને વાપરવાનાં ધોરણો પણ સેટ થયાં ન હોવાથી એને વાપરવી કેટલી હિતાવહ છે એ કહેવું મુશ્કેલ છે.
ઈઝી ટુ યુઝ
LED ઍક્ને પૅચને યુઝ કેવી રીતે કરવું એ વિશે વાત કરતાં બે દાયકા કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ડૉ. મંજૂષા સમજાવે છે, ‘માર્કેટમાં અલગ-અલગ પ્રકારના LED ઍક્ને પૅચ મળે છે અને એને વાપરવું પણ એકદમ સહેલું છે. એના પાવરને ઑન કરીને ચહેરા પર જ્યાં પિમ્પલ હોય ત્યાં રાખવું જોઈએ, પછી આપમેળે એ બેથી ત્રણ મિનિટનો ટાઇમ લેશે અને એ જગ્યાએ ચોંટી જશે. એમાંથી પિમ્પલને લાસટની થેરપી મળશે અને ટાઇમ પૂરો થયા બાદ એ ઑટોમૅટિક સ્કિન પરથી હટી જશે. અમુક કંપનીનું ડિવાઇસ ચીપકતું નથી એને પકડી રાખવું પડે છે. ત્યાર બાદ સ્કિન પર મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવી લેવી. એનો ઉપયોગ આંખોથી દૂર રાખીને કરવો જોઈએ. ગાલ, કપાળ કે મન્કી માઉથ એરિયાનાં પિમ્પલ હોય તો ત્યાં આ ડિવાઇસનો ઉપયોગ થઈ શકે. જોકે આ ડિવાઇસ સ્ટાન્ડર્ડાઇઝ નથી તેથી એને વાપરવાની સલાહ ડર્મેટોલૉજિસ્ટ આપતા નથી, કારણ કે આ પ્રોડક્ટ એટલી અસરકારક નથી. જો કોઈને વધુ પિમ્પલ્સ અને એના ડાઘ હોય તો એ લોકો પોતાની જાતે ઘરે આ ડિવાઇસનો ઉપયોગ ન કરી શકે. તેમને ડૉક્ટરને બતાવવું જ પડે. એ તમારી સ્કિન કન્ડિશનને જોઈને ટ્રીટમેન્ટ આપી શકે.’
આટલું ધ્યાન રાખજો
મુલુંડ અને ભાંડુપ એમ બે ક્લિનિકનું સંચાલન કરતાં ડૉ. મંજૂષા આ ડિવાઇસ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘ડર્મેટોલૉજિસ્ટના ક્લિનિકમાં ટ્રીટમેન્ટ કરાવવી તેમને મોંઘી પડે છે અને ટાઇમ પણ જતો હોવાથી આ ટૂલથી ઘરેબેઠાં ખીલની સમસ્યાથી છુટકારો મેળવવો સહેલું છે એ વાત તો સાચી છે, પણ સ્કિનકૅર ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલું આ ટૂલ પોતાની જાતે વાપરવું કેટલું હિતાવહ છે એની કોઈને ખબર નથી. અધૂરું અથવા અપૂરતું જ્ઞાન વ્યક્તિને નુકસાન કરાવે એ પાક્કું છે. તેથી કોઈ પણ પ્રોડક્ટ લો છો એ પહેલાં એના વિશેની જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે. અત્યારે કોઈને ડૉક્ટર પાસે સલાહ લેવા નથી જવું. પૈસા બચાવવાના ચક્કરમાં તેઓ ચાઇનીઝ કંપનીની પ્રોડક્ટ્સ વાપરે છે અને પછી હેરાન થાય છે. આમ તો એમાં હાનિકારક યુવી કિરણો નથી હોતાં પણ જો સેન્સિટિવ સ્કિન પર એ યુઝ થાય તો બળતરા અને ઇરિટેશન થઈ શકે છે. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓએ આ ટ્રેન્ડી ટૂલથી અંતર જાળવવું જોઈએ. મારી સલાહ એટલી જ છે કે જરૂર પડ્યે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ઘરે આવા અખતરા કરવા રિસ્કી સાબિત થઈ શકે છે. ટ્રાયલ બેઝ પર જો LED ઍક્ને પૅચનો ઉપયોગ કરવો હોય તો વાંધો નથી. એને યુઝ કરી શકો છો, પણ એનો નિયમિત વપરાશ કરવો ન જોઈએ. લાઇટ પિમ્પલ્સ હોય તો એના માટે આ ટૂલ ચાલશે. જોકે માર્કેટમાં બીજા ઘણા સેફ ઑપ્શન્સ પણ છે. સિલિસેલિક ઍસિડના પિમ્પલ પૅચ પણ બહુ સારા આવે છે. એ સ્કિનમાંથી ઑઇલ અને ગંદકીને શોષીને ક્લિયર કરે છે, જેને લીધે પિમ્પલ બેસી જાય છે. આવી પ્રોડક્ટ સ્કિનને નુકસાન નથી પહોંચાડતી.’