મંગળસૂત્ર-બ્રેસલેટ થયાં આઉટડેટેડ, હવે જમાનો છે મંગળસૂત્ર-રિંગ્સનો

22 April, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉર્પોરેટ કલ્ચરમાં સૉફિસ્ટિકેટેડ દેખાતી અને મિનિમલિસ્ટિક ફૅશનને ફૉલો કરતી મૅરિડ વુમન હવે મંગળસૂત્ર-રિંગ્સ પહેરવાનું પસંદ કરી રહી છે. આ બદલાતા જ્વેલરી ટ્રેન્ડ પાછળનાં કારણો જાણીએ...

મંગળસૂત્ર-બ્રેસલેટ થયાં આઉટડેટેડ, હવે જમાનો છે મંગળસૂત્ર-રિંગ્સનો

ગળામાં મંગળસૂત્ર જોયું છે અને કાંડા પર બ્રેસલેટ તરીકે પણ એને સ્વીકાર્યું છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાળાં મોતીની એ પવિત્રતા તમારી આંગળીઓની શોભા બની શકે? અત્યારે ફૅશન-વર્લ્ડમાં મંગળસૂત્ર ફિંગર-રિંગ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામની રીલ્સથી લઈને હાઈ-પ્રોફાઇલ કૉર્પોરેટ મીટિંગ્સ સુધી આ નાનકડી વીંટી પરિણીત યુવતીઓ માટે નવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ છે. પરંપરાને મૉડર્ન ડબ્બામાં પૅક કરીને રજૂ કરતો આ ટ્રેન્ડ કેમ દરેક સ્ત્રીના વિશલિસ્ટમાં ટૉપ પર છે એ જાણીએ.

શા માટે થઈ રહી છે લોકપ્રિય?
અત્યારે લેસ ઇઝ મોરનો કન્સેપ્ટ ચાલી રહ્યો હોવાથી યુવતીઓ એવાં જ ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે જે હેવી ન હોય અને રોજબરોજની ભાગદોડમાં નડતરરૂપ ન બને. મંગળસૂત્ર-રિંગ આ જરૂરિયાતને સચોટ રીતે પૂરી કરે છે. સોના પર જડેલાં કાળાં મોતી અને ડાયમન્ડ કે પેન્ડન્ટ જેવી ડિઝાઇન આ રિંગને આકર્ષક બનાવે છે. એ પરંપરાગત મૂલ્યોને પણ સાચવે છે અને સાથે મૉડર્ન લુક પણ આપે છે. ઑફિસ જતી મહિલાઓ માટે ગળામાં મોટું મંગળસૂત્ર પહેરવું ઘણી વાર વેસ્ટર્ન ફૉર્મલ્સ કે સૂટ સાથે મૅચ નથી થતું. મંગળસૂત્ર-બ્રેસલેટ એક વિકલ્પ હતો, પરંતુ ટાઇપિંગ કરતી વખતે કે લૅપટૉપ પર કામ કરતી વખતે એ કાંડા પર વારંવાર અફળાય છે. એને બદલે મંગળસૂત્ર-રિંગ આંગળીમાં એકદમ સ્લીક અને સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. પ્રોફેશનલ મીટિંગ્સમાં એ સૌમ્ય લાગે છે અને તમારી પર્સનાલિટીમાં એક અલગ જ ચાર્મ ઉમેરે છે.

વર્સેટાઇલ ઍક્સેસરી
આ વીંટીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માત્ર સાડી કે ડ્રેસ સાથે જ નહીં; જીન્સ-કુર્તી, કૉર્પોરેટ શર્ટ્સ અને ઈવન પાર્ટીવેઅર ગાઉન સાથે પણ શૂટ થાય છે. લગ્ન પછી તરત જ કામ પર પાછી ફરતી નવી પરણેલી યુવતીઓ માટે આ એક ગો ટુ ઍક્સેસરી બની ગઈ છે. મિનિમલિસ્ટિક હોવા છતાં એની હાજરી આંગળીઓમાં તરત જ વર્તાય છે. અત્યારે સિંગલ લાઇન બ્લૅક બીડ્સથી લઈને ઇન્ફિનિટી ડિઝાઇન અને સૉલિટેર ડાયમન્ડ સુધીની અનેક વરાઇટી ઉપલબ્ધ છે. કેટલીક મહિલાઓ પોતાની એન્ગેજમેન્ટ-રિંગની સાથે જ મંગળસૂત્ર-રિંગ પહેરવાનું પસંદ કરે છે જે હાથને એક યુનિક અને રિચ લુક આપે છે.

fashion news fashion life and style lifestyle news news