10 July, 2025 12:58 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
આજકાલ પ્રદૂષણ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલની અસર ત્વચા પર પડી રહી છે ત્યારે પુરુષોમાં બિઅર્ડમાં ડૅન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા ચિંતાનું કારણ બની રહી છે. જેમ ત્વચા માટે દરરોજનું સ્કિનકૅર રૂટીન સેટ થાય છે એમ બિઅર્ડ કૅર રૂટીન પણ બનાવવામાં આવે તો એ મેઇન્ટેન રહે છે અને ચહેરો વ્યવસ્થિત લાગે છે ત્યારે એની સંભાળ કઈ રીતે રાખવી અને શું કરવું જોઈએ એ વિશે મુલુંડમાં સૅલોં ચલાવતા હેર અને બિઅર્ડ એક્સપર્ટ રોનક ઉર્ફે રૉની ચુડાસમા પાસેથી જાણીએ.
ફર્સ્ટ સ્ટેપ ટ્રિમિંગ
જે પુરુષો દાઢી રાખે છે તેમને નિયમિત ટ્રિમિંગ કરવું કમ્પલ્સરી છે. અઠવાડિયામાં એક વાર ટ્રિમિંગ કરશો તો તમારી બિઅર્ડ મેઇન્ટેન રહેશે. જો આ નહીં કરવામાં આવે તો એ એરિયામાં સરખી સાફસફાઈ થશે નહીં. બિઅર્ડ હશે તો સ્વેટિંગ અને ખંજવાળનો પ્રૉબ્લેમ થશે અને યોગ્ય રીતે સાફસફાઈ નહીં થાય તો ત્યાં ગંદકી જમા થશે. એને લીધે ડૅન્ડ્રફ, હેરફૉલ અને રૅશિસ ઉદ્ભવશે. તેથી તમારા બિઅર્ડ કૅર રૂટીનનું પહેલું સ્ટેપ અઠવાડિયામાં એક વાર ટ્રિમિંગનું તો હોવું જ જોઈએ. આમ કરવાથી સાફસફાઈની સાથે બિઅર્ડને શેપ પણ મળે છે.
રોનક ચુડાસમા બિઅર્ડ એક્સપર્ટ
શૅમ્પૂ
જેમ આપણા વાળને પોષણ મળે એ માટે શૅમ્પૂ વાપરીએ છીએ એ રીતે બિઅર્ડને પણ નરિશમેન્ટની જરૂર હોય છે. અત્યારે માર્કેટમાં બિઅર્ડ કૅરની અઢળક પ્રોડક્ટ્સ આવી છે અને આપણી બિઅર્ડની કૅર માટે એનો ઉપયોગ કરવો જોઈએ. દાઢીમાં લગાવી શકાય એવા માઇલ્ડ શૅમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય. એ દાઢીમાં રહેલી ઇમ્પ્યૉરિટીઝ દૂર કરીને સ્વચ્છ રાખવાનું કામ કરશે.
સિરમ
ઘણા પુરુષો માર્કેટમાં મળતાં બિઅર્ડ ઑઇલ વાપરે છે, પણ એને કારણે ત્વચા ચીકણી થઈ જાય છે અને આખા દિવસ દરમિયાન ઇરિટેશન રહે છે. તેથી એના પર્યાય તરીકે તમે બિઅર્ડ સિરમ લગાવી શકો છો. એક ટીપા જેટલું સિરમ એ બિઅર્ડને મૉઇશ્ચરાઇઝ રાખવાની સાથે આખો દિવસ સેટ પણ રાખશે.
યુઝફુલ ટિપ્સ
દાઢી પર નિયમિત કાંસકો ફેરવવો જોઈએ. આમ કરવાથી વાળ નીચેની તરફ ગ્રો થાય છે અને ઇનગ્રોન હેરની સમસ્યા ઘટે છે.
અઠવાડિયામાં એક વાર બિઅર્ડની નીચેની ત્વચા પર એકદમ લાઇટ સ્ક્રબ કરવું જેથી ડેડ સ્કિન દૂર થઈને નવા વાળ ઊગે.
ડાયટ અને હાઇડ્રેશન પર પણ ધ્યાન આપવું જરૂરી હોવાથી ઓમેગા-થ્રી રિચ ફૂડ્સનો ડાયટમાં સમાવેશ કરો અને પૂરતું પાણી પીવું જોઈએ જે ત્વચા અને વાળના સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે.
રાત્રે સૂતાં પહેલાં બિઅર્ડ સિરમ લગાવશો તો એ ડૅમેજ રિપેર કરવાનું કામ કરશે.