અનારકલી સૂટનો મૉડર્ન મેકઓવર તમારી સ્ટાઇલને નવો ટ્‍વિસ્ટ આપશે

18 June, 2025 06:57 AM IST  |  Mumbai | Kajal Rampariya

ઑફિસ અને પાર્ટીમાં પણ સહજતાથી પહેરી શકાય અને સ્ટાઇલની સાથે કમ્ફર્ટ પણ આપે એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે

ગાઉન સ્ટાઇલ અનારકલીનો બ્રાઇડલ લુક, કૅઝ્યુઅલ લુક માટે અંગરખા સ્ટાઇલ અનારકલી અને પ્લાઝો, આ રીતે દુપટ્ટાને ડ્રેપ કરી શકાય

ફૅશનમાં ઇનથિંગ થઈ રહેલો અનારકલી ડ્રેસ હવે પ્રસંગો સુધી સીમિત નથી રહ્યો, ઑફિસ અને પાર્ટીમાં પણ સહજતાથી પહેરી શકાય અને સ્ટાઇલની સાથે કમ્ફર્ટ પણ આપે એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે : આ એથ્નિક આઉટફિટ ટ્રેડિશન અને ટ્રેન્ડનું ફ્યુઝન બની ગયું હોવાથી એ વર્સેટાઇલ બની ગયું છે

એમ્બ્રૉઇડરી કે મોતીવર્કવાળી ઘેરવાળી ગોળ કુરતી, સ્કિનટાઇટ સલવારની સાથે એને મૅચ થતી ઓઢણીને ફૅશનની ભાષામાં અનારકલી સૂટ કહેવાય છે. ૯૦ના દાયકાની યુવતીઓએ આ એથ્નિક આઉટફિટ ફેસ્ટિવલ્સ અને પ્રસંગોમાં બહુ પહેર્યાં હશે. એ સમયે એ સ્ટાઇલિશ લાગતાં હતાં, પણ કમ્ફર્ટ નહોતાં આપતાં. જોકે હવે ફૅશનની દુનિયામાં અનારકલીની વ્યાખ્યા પૂર્ણપણે બદલાઈ ગઈ છે એમ કહેવું ખોટું નથી. ફક્ત તહેવારો અને પ્રસંગોમાં પહેરાતા અનારકલી સૂટનો મૉડર્ન મેક‍ઓવર થયો હોવાથી એને તમે ઑફિસ અને પાર્ટીમાં પણ પહેરીને જશો તો તમારું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બધા કરતાં યુનિક લાગશે એ પાક્કું. તાજેતરમાં આલિયા ભટ્ટ અને જેનેલિયા ડિસોઝા દેશમુખે યુવતીઓને અનારકલી ગોલ્સ આપ્યા હતા. સ્ટાઇલિશ દેખાવાની સાથે નવા રૂપમાં આવેલા અનારકલી ડ્રેસ કમ્ફર્ટ પણ આપે છે એ વધુ મહત્ત્વનું છે. મૉડર્ન અનારકલીમાં કયા પ્રકારે ફેરફાર થયા છે, કેવી સ્ટાઇલના સૂટ માર્કેટમાં મળે છે અને એને સ્ટાઇલ કઈ રીતે કરવા એ વિશે ફૅશન-ડિઝાઇનર યોગિતા ભાનુશાલી પાસેથી જાણીએ તેમના જ શબ્દોમાં…

કમ્ફર્ટ આપતા અનારકલી

પહેલાં અનારકલીમાં ટાઇટ સલવાર આવતી હતી, પણ હવે એનો મેકઓવર થઈને કમ્ફર્ટને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાથી આ ડ્રેસને કમ્ફર્ટેબલ પૅન્ટ અથવા પ્લાઝો સાથે પહેરવામાં આવે છે. કેટલીક ફ્લેર લેંગ્થની અનારકલી ગાઉન જેવી જ દેખાતી હોવાથી એમાં પૅન્ટ પણ હોતું નથી. ગાઉન સ્ટાઇલ વન પીસની જેમ પણ પહેરી શકાય અને સાથે દુપટ્ટો રાખવો હોય તો એ પણ રાખી શકાય. બાકી બીજાં કૅઝ્‍યુઅલ વેઅરમાં પહેરાતો અનારકલી ડ્રેસ દુપટ્ટા વગર એટલે કે કુરતી અને પ્લાઝો અથવા પૅન્ટ સાથે પણ પહેરી શકાય છે. કૉટન અને સેમી-કૉટનના ફૅબ્રિકમાં બનતા પ્રિન્ટેડ અનારકલી તમારા ઑફિસ અથવા કૅઝ્‍‍યુઅલ લુકને વધુ એન્હાન્સ કરશે અને સ્ટાઇલિશ બનાવશે.

ઘેર વધ્યો

આજના અનારકલી સૂટનો ફ્લેર પહેલાં કરતાં ઘણો વધ્યો છે. અત્યારે કૅઝ્‍યુઅલ લુક આપતા અનારકલીના ફ્લેર ૬ મીટરથી ૯ મીટરના હોય છે ત્યારે ટ્રેડિશનલ કે ઇન્ડો-વેસ્ટર્ન લુક આપતા અનારકલી સૂટમાં ૧૫ મીટર સુધીના ફ્લેર આવે છે. ખાસ કરીને હેમહાઇન્સ અને ઓમ્બ્રે ઇફેક્ટ્સ અનારકલી ડ્રેસમાં નવો એલિમેન્ટ ઍડ કરે છે જે તમને આઉટ ઑફ ફૅશન નહીં પણ કન્ટેમ્પરરી ફૅશનમાં હોવાનો અહેસાસ અપાવશે.

અનારકલીના પ્રકાર

અત્યારે અનારકલીની ફૅશનમાં શૉર્ટ અને ગાઉન સ્ટાઇલ અનારકલીનો દબદબો વધુ છે. શૉર્ટ અનારકલી સૂટમાં ઘેરદાર કુરતીની લેંગ્થ ઘૂંટણ જેટલી જ હોય છે અને એની નીચે ધોતી-સ્ટાઇલ પૅન્ટ અથવા પ્લાઝો વધુ ટ્રેન્ડી લુક આપે છે. ટ્રેડિશનલ વેઅરમાં યુવતીઓ આ પ્રકારના અનારકલી સૂટ પહેરવાનું પસંદ કરી રહી છે. શૉર્ટ અનારકલી ડ્રેસ પચીસ વર્ષ સુધીની યુવતીઓ પહેરશે તો તેમને સૂટ પણ થશે કારણ કે એ યંગ વાઇબ આપે છે, પણ એનાથી વધુ ઉંમરની યુવતીએ જો અનારકલી સૂટ પહેરવો હોય તો ગાઉન-સ્ટાઇલ અનારકલી પહેરી શકે છે. એમાંય ખાસ કરીને જો કુરતી સિમ્પલ હોય અને દુપટ્ટા વર્કવાળા હોય તો એ અલગ જ ઉઠાવ આપે છે. જ્યૉર્જેટ ફૅબ્રિકમાં અનારકલી ગાઉનમાં નીચેથી ૧૦ ઇંચ સુધીનું જ ટીકલીવર્ક હોય છે અને સાથે દુપટ્ટો ચેક્સ સ્ટાઇલ કે લખનવી સ્ટાઇલના વર્કથી ભરેલો અને સાથે ફરવાળી બૉર્ડરનો હોય એ સિમ્પલ લુકને હેવી બનાવે છે. કેટલાક દુપટ્ટા સબ્યસાચી સ્ટાઇલના અને બનારસી સ્ટાઇલના આવે છે એ પણ બહુ મસ્ત અને યુનિક લુક આપે છે. અત્યારે પ્રિન્ટેડ ઑર્ગન્ઝા દુપટ્ટાનો પણ ટ્રેન્ડ ચાલે છે એથી ફંક્શનના હિસાબે તમને કેટલું અને કેવું હેવી જોઈએ છે એ રીતે મિક્સમૅચ કરીને પણ દુપટ્ટાને પૅર કરી શકાય. દુપટ્ટો ન લેવો હોય તો ફ્રન્ટ સ્લિટ એટલે કે આગળથી કટ હોય એવા એમ્બ્રૉઇડરી વર્કવાળા અનારકલી સૂટ તમને બૉલીવુડની સ્ટાઇલિશ અને મૉડર્ન હિરોઇન જેવું ફીલ કરાવશે. આ ઉપરાંત અંગરખા સ્ટાઇલના સાઇડમાં ફૂમતું બાંધી શકાય એવા અનારકલી સૂટ તમને ફ્રેશ લુક આપશે.

દુપટ્ટાનો ડ્રામા

અનારકલીના ડ્રેસ સાથે દુપટ્ટાનો ડ્રામા પણ બહુ મહત્ત્વનો છે. હીના ખાને તેનાં લગ્ન બાદ એક રિયલિટી શોમાં ભાગ લેતી વખતે અનારકલીના દુપટ્ટાને સાડી-સ્ટાઇલ ડ્રેપ કર્યું હતું. આ રીતે તમે પણ હટકે અને યુનિક લુક મેળવવા માટે કોઈ ફંક્શનમાં દુપટ્ટાને અલગ સ્ટાઇલથી ડ્રેપ કરી શકો છો. ઘણા લોકો પાછળથી બન્ને હાથમાં દુપટ્ટો અટકાવે છે. અનારકલીના ગાઉન પર લગ્ન જેવા પ્રસંગો માટે હેવી લુક જોઈતો હોય તો બે દુપટ્ટાથી સાડીની જેમ ડ્રેપ કરી શકાય છે. જાણે તમે ચણિયાચોળી પહેર્યાં હોય એવું ઇલ્યુઝન કરાવશે. અનારકલી બ્રાઇડલ ફૅશનમાં પણ ઇનથિંગ બની ગયા છે. મેંદી, સંગીત અને પીઠી જેવા પ્રી-વેડિંગ ફંક્શનમાં હેવી વર્કવાળા અનારકલી સૂટ પહેરશો તો એ ટ્રેન્ડી અને મૉડર્ન વાઇબ આપશે.

સ્લીવ્ઝ સ્ટાઇલ સ્ટેટમેન્ટ

અનારકલી પ્રકારની જેમ એની સ્લીવ્સ પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપે છે. અત્યારે ડ્રામૅટિક બેલ આર્મ્સ અને પફ સ્લીવ્સ બહુ ટ્રેન્ડમાં છે. એ તમારી સ્ટાઇલમાં ડ્રામા ઍડ કરશે, પણ જો તમારે ઑફિસમાં જવાનું હોય તો એને પ્લેન દુપટ્ટા સાથે બૅલૅન્સ કરી શકો છો. સિમ્પલ થ્રી-ફોર લેંગ્થ અને ફુલ લેંગ્થની સ્લીવ્સની બૉર્ડરમાં વર્ક કરેલું હોય અથવા બાંધવા માટે દોરી હશે તો એ વધુ એલિગન્ટ દેખાશે. ઑફિસ માટે શક્ય હોય ત્યાં સુધી સિમ્પલ સ્લીવ્સવાળા જ અનારકલી સૂટ પહેરવાનું પસંદ કરો. અનારકલી સ્લીવ્સવાળા જ સારા લાગે. માર્કેટમાં સ્લીવલેસ અને પટ્ટીવાળા અનારકલી પણ મળે છે, પણ એ લેવાની ભૂલ ન કરશો.

કઈ રીતે સ્ટાઇલ કરશો?

 તમારે ટ્રેડિશનલ લુકમાં એક એલિમેન્ટ ઍડ કરવું હોય તો લાંબી કુરતી પર જ્યૉર્જેટ કે ઑર્ગન્ઝા મટીરિયલનું બ્લેઝર, કૅપ કે લૉન્ગ જૅકેટ પહેરી શકાય છે. ટ્રેડિશનલ લુક પર એ મૉડર્ન ટચ આપે છે.

 અસિમેટ્રિક હેમલાઇન, હાઈ-લો કટ કે અંગરખા સ્ટાઇલના ક્રૉસઓવર પૅનલ ક્લાસિક અનારકલીને યંગ અને વાઇબ્રન્ટ બનાવતા હોવાથી જો તમારે ગેટ-ટુગેધર, ફૅમિલી મીટ-અપ કે ફ્રેન્ડ્સ સાથેની હાઉસ-પાર્ટીમાં જવું હોય તો આ પ્રકારનો અનારકલી પહેરી શકાય; પણ હા, દુપટ્ટો ન લેવો.

 અનારકલીમાં અત્યારે તો કૉન્ટ્રાસ્ટ, મોનોક્રોમૅટિક અને પેસ્ટલ કલર્સનો દબદબો છે. ટ્રેડિશનલ ફૅશનમાં કૉન્ટ્રાસ્ટ અને કૅઝ્‍યુઅલ ફૅશનમાં એકસરખા અથવા મોનોક્રોમૅટિક કલર્સ વધુ સારા લાગશે.

 ફૅબ્રિકની પસંદગી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઑફિસવેઅર માટે કૉટન, સિલ્ક બ્લેન્ડ કે ક્રૅપ જેવાં લાઇટવેઇટ કાપડવાળા અનારકલી સૂટ પસંદ કરવા અને પ્રસંગ માટે ખરીદતા હો તો વેલ્વેટ, મિરર વર્ક, ટીકલી વર્ક કે ઑર્ગન્ઝાવાળા અનારકલી બેસ્ટ ઑપ્શન ગણાશે.

 ઍક્સેસરીઝની વાત કરીએ તો અનારકલી સૂટ પર કમરની ઉપરના ભાગમાં બેલ્ટ પહેરીને અટકાવી શકાય. એ ઉપરાંત ઑફિસ માટે પર્લના સ્ટડ્સ કે ઑક્સિડાઇઝ્‍ડ પેન્ડન્ટ પહેરી શકાય. ટ્રેડિશનલ અનારકલી સાથે સ્ટેટમેન્ટ ચોકર્સ અથવા મોટા અને લાઇટવેઇટ ઝૂમખાં પહેરીને પણ લુકને વધુ બોલ્ડ બનાવી શકાય છે.

 અનારકલી પર કોલ્હાપુરી, બ્લૉક હીલ્સ અથવા મોજડી એ ત્રણ ઑપ્શન્સ પહેરી શકાતા હોવાથી ઑકેઝન પ્રમાણે જે સૂટ થાય એ પહેરી શકો છો.

fashion fashion news life and style columnists gujarati mid-day mumbai alia bhatt bollywood bollywood news hina khan genelia dsouza