08 July, 2025 12:22 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ધોતીને આજકાલ ટી-શર્ટ, શર્ટ, બ્લેઝર સાથે પહેરીને કૂલ દેખાવાની ફૅશન યંગસ્ટર્સમાં છે. એ તમને દેસીની સાથે મૉડર્ન લુક તો આપે જ છે અને સાથે પહેરવામાં પણ ખૂબ કમ્ફર્ટેબલ છે. ભીડથી અલગ દેખાવા માટે પણ ધોતીનો અલગ-અલગ આઉટફિટ સાથે ખૂબ જ હટકે રીતે ઉપયોગ થઈ રહ્યો છે
આજના યુવાનો તેમની પરંપરા અને સંસ્કૃતિથી જોડાયેલા રહેવા ઇચ્છે છે. તેમના માટે તેમના કલ્ચરની સાથે ફૅશનેબલ દેખાવું પણ જરૂરી છે. એટલે તેઓ ધોતીને મૉડર્ન ટ્વિસ્ટ સાથે પહેરવાનું પસંદ કરે છે. એટલે કે ધોતી સાથે તેઓ બ્લેઝર, ટી-શર્ટ, શર્ટ, સ્નીકર્સ પહેરી રહ્યા છે. ટ્રેડિશનલ-મૉડર્નનો આ ફ્યુઝન લુક તેમને કૂલ અને યુનિક લુક આપે છે. એમાં પણ કોવિડ પછીથી લૂઝ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં ધોતી એકદમ બંધ બેસે છે. એમાં પણ બૉલીવુડ સેલિબ્રિટીઝ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ધોતીવાળા સ્ટાઇલિશ લુકમાં અવારનવાર દેખાતા હોય છે. એટલે આ બધી જ વસ્તુ આજકાલના યંગસ્ટર્સને ધોતી તરફ આકર્ષી રહી છે. તેમને એ ખબર પડવા લાગી છે કે ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ બની શકે છે. ધોતીની પરંપરાથી લઈને બદલાયેલા ધોતીના સ્વરૂપ અને આજકાલ કઈ રીતે મૉડર્ન રીતથી એનો ઉપયોગ થઈ રહ્યો છે એના વિશે ફૅશન-ડિઝાઇનર, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજીના વિઝિટિંગ ફૅકલ્ટી મનીષ પટેલ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
ધોતી વિશે જાણવા જેવું
ધોતી ભારતીયોની જ દેન છે. બીજી કોઈ સંસ્કૃતિમાં ધોતીનો કોઈ ઉલ્લેખ નથી. સાડાપાંચ મીટરની આસપાસનું સળંગ કપડું કમરના નીચેના ભાગમાં બે પગ વચ્ચેથી લપેટીને ડ્રેપિંગ સ્ટાઇલથી પહેરવામાં આવે એને ધોતી કહેવાય. સંસ્કૃતમાં ધોત્રમ અથવા તો ધોતર કહેવામાં આવે છે અને એના પરથી ધોતી નામ પડ્યું. વૈદિકકાળ એટલે કે આજથી સાડાત્રણ-ચાર હજાર વર્ષ પહેલાં પણ ધોતીનો ઉપયોગ થતો હતો. નજીકના ભૂતકાળમાં જોઈએ તો મહાત્મા ગાંધીજીએ ખાદીની ટૂંકી ધોતી પહેરવાનો ટ્રેન્ડ ચાલુ કર્યો હતો. ગરીબો સાથેની એકતા દેખાડવા અને સ્વદેશી કપડાને બઢાવો આપવા માટે તેમણે ખાદીની ધોતી પહેરવાનું શરૂ કર્યું જે સાદગી, આત્મનિર્ભરતા અને દેશભક્તિનું પ્રતીક બની ગઈ હતી. દેશના અલગ-અલગ ભાગમાં અલગ-અલગ રીતે ધોતી પહેરવામાં આવે છે. ધોતી ચાર મુખ્ય રીતે પહેરવામાં આવે છે. એક ધોતી સ્ટાઇલ એવી હોય જેમાં એક પાટલી આગળના ભાગમાં અને એક પાટલી પાછળના ભાગમાં હોય છે. ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહારમાં સામાન્ય રીતે આ પ્રકારની ધોતી સ્ટાઇલ જોવા મળે. એક સ્ટાઇલ એવી છે જેમાં બન્ને પાટલી આગળના ભાગે આવે. બિહાર, ઝારખંડ બાજુ આ રીતની ધોતી પહેરવાની સ્ટાઇલ જોવા મળશે. બંગાળ, આસામમાં આ પ્રકારની ધોતી પહેરવામાં આવે. એક સ્ટાઇલ એવી છે જેમાં બન્ને પાટલી પાછળના ભાગમાં આવે. મહારાષ્ટ્ર, ગોવાના કોંકણમાં માછીમારો આ સ્ટાઇલથી ધોતી પહેરે. એક સ્ટાઇલ એવી છે જેમાં પાટલી આગળ હોય, કપડું પગની વચ્ચેથી પાછળ લઈ જઈને ખોસવામાં આવે છે. આને સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ સ્ટાઇલ કહેવાય. વર્તમાનની વાત કરીએ તો રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, રાજ કુમાર રાવ, અલ્લુ અર્જુન, વિજય દેવરાકોન્ડા જેવી અનેક સેલિબ્રિટીઝ ફૅશન-શો અને ઇવેન્ટ્સમાં બ્લેઝર, શર્ટ કે ટી-શર્ટ સાથે ધોતીમાં જોવા મળતી હોય છે.
સ્ટાઇલ કઈ રીતે કરશો?
બ્લેઝર સાથે સિલ્ક, કૉટન, લિનનની વાઇટ, બેજ, ક્રીમ કલરની ધોતી સારી લાગે. તમે જે બ્લેઝર ચૂઝ કરો એ વધારે લૂઝ કે વધારે ટાઇટ ન હોય એવું વેલ-ફિટ હોય તો સારું લાગે. કલર-કૉમ્બિનેશનમાં પણ જો તમે બ્લૅક કે નેવી બ્લુ બ્લેઝર પર સફેદ કે ક્રીમ ધોતી પહેરો તો સારી લાગે. સાથે જ બ્રોચ, લેપલ પિન, સ્ટેટમેન્ટ વૉચ, ટાઇ જેવી ઍક્સેસરીઝ તેમ જ મોજડી કે કોલ્હાપુરી સ્ટાઇલનાં ચંપલ પહેરો તો લુકમાં સરસ ઉઠાવ આવે. એવી જ રીતે જો તમે શર્ટ સાથે ધોતી પહેરો તો બોલ્ડ લુક મળે. ઑલિવ ગ્રીન શર્ટ સાથે બેજ કલરની ધોતી, નેવી બ્લુ સાથે ઑફવાઇટ ધોતી કે પછી પ્રિન્ટેડ અને બોલ્ડ કલરના શર્ટ સાથે વાઇટ ધોતીનું કૉમ્બિનેશન સારું લાગે. ટ્રાય કરવાનું કે શર્ટ પ્રિન્ટેડ હોય તો ધોતી પ્લેન અને ધોતી પ્લેન હોય તો શર્ટ પ્રિન્ટેડ હોય. બન્ને પ્રિન્ટેડ કે પ્લેન હોય તો કદાચ એટલો સારો લુક ન પણ આવે. આની સાથે ઍક્સેસરીઝમાં તમે બીડની માળા, બ્રેસલેટ અને કૅન્વસ શૂઝ પહેરો તો સારાં લાગે. ટી-શર્ટ નીચે ધોતી પહેરવાનું પણ આજકાલ ખૂબ ટ્રેન્ડી છે. ટી-શર્ટમાં પણ સ્લિમ ફિટ ટી-શર્ટ કે પછી સ્ટ્રીટ-સ્ટાઇલ વાઇબ માટે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ, બોલ્ડ પ્રિન્ટ અને હટકે સ્લોગનવાળાં પ્રિન્ટેડ ટી-શર્ટ સાથે ધોતી પહેરવાનો ટ્રેન્ડ છે. ટી-શર્ટને તમે ઇચ્છો તો આગળથી ટક કરી શકો કે હાફ ટક કરીને પહેરી શકો. ટી-શર્ટની ઉપર તમે ડેનિમ જૅકેટ કે પછી સ્કાર્ફ પહેરીને લેયરિંગ કરો તો પણ સારું લાગે. એની સાથે તમે ઍક્સેસરીઝમાં કડું, સિમ્પલ પેન્ડન્ટ ચેઇન, કોલ્હાપુરી ચંપલ કે કૅન્વસ શૂઝ પહેરી શકો. તમારું સ્ટાઇલિંગ તમે કયા ઓકેઝનમાં જઈ રહ્યા છો અને તમને કેવી વાઇબ્સ જોઈએ છે એના પર ડિપેન્ડ કરે છે.