મૉન્સૂનમાં ફૅશનેબલ દેખાવા કયા કલર્સ પહેરશો?

03 July, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઋતુ બદલાય એટલે વૉર્ડરોબ પણ અપડેટ થાય એ સ્વાભાવિક છે ત્યારે આ ચોમાસામાં ફૅશનનો ટ્રેન્ડ શું કહે છે અને કેવા કલર્સનાં કપડાંની પસંદગી કરવી જોઈએ એ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ફૅશનનો અર્થ માત્ર કપડાં પહેરવાનો નથી. એ આપણા વ્યક્તિત્વ અને મૂડને પણ રિપ્રેઝન્ટ કરે છે. ચોમાસામાં વરસાદને લીધે કુદરત ખીલી ઊઠે છે એ રીતે ફૅશનમાં પણ ફ્રેશનેસ દેખાય એ માટે અવારનવાર અખતરાઓ થતા હોય છે. ભીનાશ અને તાજગી આપતી આ ઋતુમાં કપડાં અને કલર્સની પસંદગી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે કમ્ફર્ટ અને ફૅશન બન્ને મેળવી શકાય એ માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે મુલુંડમાં રહેતાં અને ફૅશન-ડિઝાઇનિંગ ક્ષેત્રે ૨૩ વર્ષનો અનુભવ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર ધારુલ રાજગોર પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ...

કેવા કલર્સ પહેરવા?

‘રેઇન ઇઝ જસ્ટ અ ડ્રૉપ, ફૅશન ઇઝ ધ હોલ વાઇબ!’ એવું કહેવાય છે, પણ એ સાચું પણ છે. ચોમાસાની ઋતુમાં વૉર્ડરોબને અપડેટ કરવાનું મસ્ટ છે. જેમ કુદરત ખીલે છે એમ ખીલેલી ફૅશન પણ દેખાવી જરૂરી છે. તેથી તમે કયા કલર્સ પહેરો છે એ વધુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. વરસાદની ઋતુમાં લાઇટ અને પેસ્ટલ કલર્સને અવૉઇડ જ કરવા. જો એ ભીના થાય તો ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને કલર લાઇટ હોવાથી કીચડના છાંટા પણ દેખાય છે. તેથી નેવી બ્લુ, વાઇન, પર્પલ અને ડાર્ક ગ્રે જેવા ડાર્ક કલર્સ, ઑરેન્જ, રેડ અને પિન્ક જેવા વાઇબ્રન્ટ શેડ્સના કલર્સ અને નેચર-ઇન્સ્પાયર્ડ હોય એવા ગ્રીન, યલો અને બ્રાઉન જેવા ટોનવાળા કલર્સની પસંદગી કરવી. ફ્રેશ અને લાઇવલી દેખાવાની ઇચ્છા હોય તો મસ્ટર્ડ યલો અને લેમન ગ્રીન જેવા પૉપ કલર્સને પણ અપનાવી શકાય. ચોમાસામાં ગ્રીન અને બ્રાઉન નેચરના કલર્સ છે તો આ બન્ને કલર્સના કોઈ પણ શેડ તમારા પર સારા જ લાગશે. કલર્સની સાથે ડિઝાઇનની વાત કરું તો ફ્લોરલ ડિઝાઇનવાળાં કપડાં ચોમાસા માટે આઇડિયલ માનવામાં આવે છે, પણ ટ્રૉપિકલ અને ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ્સવાળાં કપડાં વરસાદી વાતાવરણમાં તાજગીભર્યો લુક આપે છે.

કેવાં કપડાં બેસ્ટ?

ચોમાસાની સીઝનમાં ભેજ વધારે હોય છે તેથી એવાં ફૅબ્રિક પસંદ કરવાં જોઈએ જે ત્વચાને ચોંટે નહીં અને ઝડપથી સુકાઈ જાય. ટાઇટ જીન્સ અને ફુલ લેન્ગ્થનાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જો એ ભીનાં થશે તો આખો દિવસ ઇરિટેશન થયે રાખશે. એના બદલે મિડ લેન્ગ્થ ડ્રેસિસ એટલે કે બહુ લાંબા પણ નહીં અને બહુ ટૂંકા પણ નહીં એવા વન-પીસ ચોમાસા માટે આઇડિયલ વેઅર છે. વરસાદમાં તમે ઘરની બહાર નીકળશો તો મિડ લેન્ગ્થ ડ્રેસિસ ભીના નહીં થાય. આવા વન-પીસનો ટ્રેન્ડ બહુ વધી રહ્યો છે. ૧૮ વર્ષથી ૪૦ વર્ષની મહિલાઓ કમ્ફર્ટ ક્લોથમાં વન-પીસ પહેરવાનું પસંદ કરી રહી છે. એ ઑફિસમાં પણ ચાલે અને કૅઝ્યુઅલ વેઅરમાં પણ ચાલે. આ ઉપરાંત કેપ્રી અને કો-ઑર્ડ સેટ્સ પહેરો તો પણ ચાલે. જે યુવતી કે મહિલાને સ્કર્ટ પહેરવાં ગમતાં હોય તેમણે નાયલૉન કે રેયૉનનાં ફૅબ્રિકવાળાં સ્કર્ટ અને ટૉપ પહેરવાં જોઈએ. એ થોડું ફૅશનેબલ પણ લાગશે અને ભીના થશે તો ઝડપથી સુકાઈ પણ જશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

નૉર્મલી ઍક્સેસેસરીઝમાં નેકલેસ અને ઇઅર-રિંગ્સમાં ચેન્જિસ કરીને સ્ટાઇલ કરી શકાય એવું જરૂરી નથી, તમે તમારા મૉન્સૂનવાળા આઉટફિટ સાથે તમારા સ્પેક્સ ચેન્જ કરીને કલરફુલ સ્પેક્સની ફ્રેમ્સ પસંદ કરી શકો છો. આ ચેન્જ તમારા લુકમાં નવો શેડ ઍડ કરશે.

ફુટવેઅરમાં પણ તમે નૉર્મલ સૅન્ડલ્સ કરતાં પૉપઅપ કલર્સનાં ફ્રૉક અને ફ્લોટર્સની પસંદગી કરશો તો તે તમારા લુકને વધુ યુનિક બનાવશે.

કોઈ પણ ઍક્સેસરીઝ પહેરવા કરતાં ચોમાસામાં જેટલાં સિમ્પલ રહેશો એટલું તમે કમ્ફર્ટ ફીલ કરશો. ઍક્સેસરીઝમાં તમારી બૅગ બહુ મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરશે. જેવા કલર્સનાં તમારાં શૂઝ હશે એવા જ કલર્સની તમારી ઑફિસ-બૅગ કે વૉટરપ્રૂફ સ્લિંગ-બૅગ હશે તો વધુ સારું લાગશે. મોટા ભાગે અર્ધી ટોન્સમાં અને ખાસ કરીને મિલિટરી ગ્રીન્સ હોય એવા ટોન અથવા બ્રાઉન કલરની બૅગ વધુ સારી લાગશે.

પૉપ કલર્સની નેઇલ-પૉલિશ તમારી મૉન્સૂન ફૅશનમાં નવો એલિમેન્ટ ઍડ કરશે.

આઉટફિટ કોઈ પણ હોય, વાળને છુટ્ટા રાખવાને બદલે પોનીટેલ કે બ્લન્ટ બન બનાવશો તો એ ફૅશનેબલ લુક તો આપશે જ અને સાથે કમ્ફર્ટ પણ ફીલ કરાવશે.

fashion fashion news monsoon news mumbai monsoon life and style columnists gujarati mid day mumbai Weather Update mumbai weather