12 July, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ બિઝી લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણને લીધે ત્વચાને ક્લીન ઍન્ડ ક્લિયર રાખવી મુશ્કેલ બની રહી છે અને તેથી જ ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ઘરની બહાર નીકળતી વખતે જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો પ્રદૂષણ અને ધૂળ-માટીની ગંદકી ચહેરા પર જમા થાય છે, જે નાક અને દાઢી અને ગાલ પર બ્લૅકહેડ્સના રૂપે દેખાય છે. બ્લૅકહેડ્સ ત્વચાનાં છિદ્રોમાં ડેડ સ્કિન સેલ્સ અને ઑઇલ જમા થવાને લીધે પણ થાય છે. એને દૂર કરવા માટે માર્કેટમાં અઢળક કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ મળે છે, પણ કેટલાક દેશી નુસખાઓ અપનાવીને નૅચરલી સ્કિનમાંથી ડેડ સ્કિન અને બ્લૅકહેડ્સ નીકળી જાય છે અને ડીપ ક્લીન થાય છે.
દેશી નુસખા
એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર અને થોડું ગુલાબનું પાણી નાખીને મિક્સ કરીને આખા ચહેરા પર લગાવવું અને ૧૫ મિનિટ પછી ધોઈ નાખવું. આ દેશી નુસખો બ્લૅકહેડ્સની સાથે વાઇટહેડ્સ અને ચહેરામાં રહેલી બીજી અશુધિઓને દૂર કરીને ત્વચાને સૉફ્ટ અને ગ્લોઇંગ બનાવશે.
ત્વચાને ડીપ ક્લીન કરવી હોય તો સૌથી પહેલાં પાંચથી સાત મિનિટ સુધી ગરમ પાણીનો બાફ લેવો અને પછી મુલતાની માટીને રોઝ વૉટર અથવા ઍલોવેરા જેલને મિક્સ કરીને લગાવવું. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી તમારી ત્વચા માટે એ ગેમચેન્જર સાબિત થશે.
દેશી નુસખાઓને બનાવવાનો અને અપ્લાય કરવાનો કંટાળો આવતો હોય તો ટમેટાની સ્લાઇસ કરીને નાક અને દાઢીમાં ૧૦ મિનિટ સુધી ઘસવાથી બ્લૅકહેડ્સ દૂર થશે. ટમેટાનો ગુણધર્મ થોડો ઍસિડિક હોવાથી એ ત્વચામાં પ્રોડ્યુસ થતા એક્સ્ટ્રા ઑઇલને રોકે છે અને બંધ થયેલાં છિદ્રોને ઓપન કરે છે જેથી સ્કિન ફ્રેશ ફીલ કરે છે.
સ્કિનના ડેડ સ્કિન સેલ્સને કાઢવામાં લીંબુ અને મધનો માસ્ક પણ મદદ કરે છે. લીંબુ ત્વચાને નિખારે છે અને મધના ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણ છિદ્રોની સફાઈ કરે છે.
કાચા દૂધ અને હળદરને મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે સ્ક્રબ કરવાથી પણ બ્લૅકહેડ્સની સમસ્યા દૂર થાય છે. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો પખવાડિયામાં રિઝલ્ટ દેખાશે. તેથી એક વાર નુસખાને અજમાવીને મૂકી ન દેવું.
બ્લૅકહેડ્સથી બચવાના ઉપાયો
જો તમારી ત્વચા ઑઇલી હોય તો ઑઇલ-ફ્રી મૉઇશ્ચરાઇઝર લગાવવું.
ચહેરા પર મેકઅપ અપ્લાય કરતી વખતે છિદ્રોમાં એ ન જાય એ માટે પ્રાઇમર લગાવવું બહુ જરૂરી છે. એ મેકઅપ અને ત્વચા વચ્ચે દીવાલનું કામ કરશે અને મેકઅપને લીધે ત્વચાને નુકસાન પણ નહીં થાય.
દરરોજ સવારે અને રાત્રે સૂતાં પહેલાં ફેસ વૉશ કરવો જેથી ચહેરાની ગંદકી નીકળી જાય.