વાળને નૅચરલ રેડ ટિન્ટ આપવી છે? તો આ રીતે બીટનો જૂસ વાપરી જુઓ

04 March, 2025 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સપરિમેન્ટ કરવા માટે વાળમાં કલર કરાવવો છે, પણ કેમિકલવાળા કલરથી વાળ ડૅમેજ થઈ શકે એવો ડર હોય તો તમે બીટનો ઉપયોગ કરીને એમાંથી નૅચરલ હેરડાઇ બનાવી તમારા વાળને ટેમ્પરરી બેઝિસ પર બર્ગન્ડી કલર આપી શકો છો

બીટમાંથી આપણે ઘરે જ હેરકલર બનાવીને વાળને કલર કરી શકી

આજકાલ બધાને પોતાના વાળ સાથે એક્સપરિમેન્ટ કરવા ગમે છે. એમાં પણ લોકોને એક વાર તો એમ થાય કે વાળને કલર કરાવીએ. એમાં આપણે કેવા દેખાઈએ છીએ એ જોઈએ. જોકે હેર સૅલોંમાં જઈએ તો ત્યાં વાળ કલર કરવા માટે તેઓ કેમિકલવાળા હેરડાઇ અને હાર્શ બ્લીચિંગ એજન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. એની ખરાબ અસર આપણા વાળ અને સ્કૅલ્પ પર થતી હોય છે. વાળ કલર કરાવ્યાના થોડા જ સમયમાં કલર પણ ઝાંખો પડવા લાગે અને વાળ પણ એકદમ રૂક્ષ થઈ જાય છે. એટલે તમે જો ફક્ત એક્સપરિમેન્ટ કરવા માટે થઈને તમારા વાળને કલર કરવા ઇચ્છતા હો તો એ માટે તમે ઘરે જ બીટનો ઉપયોગ કરીને નૅચરલી હેરને કલર કરી શકો છે. બીટ તમારા વાળને બર્ગન્ડી જેવો કલર આપે છે.

બીટ વાળને કલર આપવાનું તો કામ કરે જ છે, પણ સાથે-સાથે તમારી વાળ સંબંધિત અનેક સમસ્યાના ઉપાયો પણ એ‍ની પાસે છે. વાળ ખરવાનાં અનેક કારણો હોય છે અને એનું એક કારણ શરીરમાં કેટલાંક પોષક તત્ત્વોની અછત. બીટમાં રહેલા ફોલિક ઍસિડ અને આયર્ન સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે, પરિણામે હેર ફોલિકલ્સને પૂરતાં ન્યુટ્રિઅન્ટ્સ મળતાં રહે છે અને વાળનો ગ્રોથ સારો થાય છે. એવી જ રીતે વાળમાંથી ડ્રૅન્ડફ દૂર કરવા માટે પણ બીટ મદદરૂપ બની શકે, કારણ કે એમાં એન્ઝાઇમ્સ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટીઝ હોય છે, જે સ્કૅલ્પમાં આવતી ખંજવાળ અને ડૅન્ડ્રફને દૂર કરે છે. બીટમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ અને C, E જેવાં વિટામિન્સ હોય છે જે મેલૅનિનના પ્રોડક્શનમાં મદદરૂપ બને છે. જેટલું અધિક મેલૅનિન હોય વાળ એટલા કાળા હોય છે. એટલે સફેદ વાળની સમસ્યામાંથી પણ બીટ છુટકારો આપી શકે છે. બીટરૂટને તમે જૂસ અને સૅલડના રૂપે તમારી ડાયટમાં પણ સમાવેશ કરી શકો અને એમાંથી હેરમાસ્ક બનાવીને વાળમાં ડાયરેક્ટ લગાવી શકો.

બીટમાંથી આપણે કઈ રીતે ઘરે જ હેરકલર બનાવીને વાળને કલર કરી શકીએ એ વિશે વાત કરીએ. સૌથી પહેલાં બીટની પાતળી-પાતળી સ્લાઇસ કાપી લો. એ પછી બીટની સ્લાઇસને ઍલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને ૩૦ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર બેક કરો. આ બેક કરેલી બીટની સ્લાઇસને પીસીને જૂસ બનાવી નાખો. જૂસને ગાળીને પલ્પ અલગ કરી નાખો. હવે જે બીટનું પાણી બચ્યું છે એમાં ત્રણ ટેબલસ્પૂન નારિયેળનું તેલ નાખો. તમારો નૅચરલ હેરકલર બનીને તૈયાર છે. આ કલરને તમે વાળમાં લગાવીને એક કલાક માટે રાખી મૂકો. તમને વધારે ડાર્ક કલર જોઈતો હોય તો બે કલાક માટે કલર લગાવીને રાખી મૂકો. એ પછી પાણીથી વાળને ધોઈ નાખો એટલે બીટનો કલર તમારા વાળ પર ઊતરી જશે. તમને આખા વાળમાં કલર ન કરવો હોય અને ફક્ત હાઇલાઇટ્સ જ જોઈતી હોય તો વાળના અમુક સેક્શનને લઈને એમાં કલર લગાવી શકો. આ હેરકલર ટેમ્પરરી હોય છે. જો તમારું સ્કૅલ્પ વધુપડતું સેન્સિટિવ હોય કે તમને સ્કૅલ્પ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ બાદ જ આ ઘરગથ્થુ નુસખો અપનાવવો જોઈએ.

fashion news fashion life and style beauty tips mumbai gujarati mid-day columnists