20 June, 2025 06:58 AM IST | Mumbai | Kajal Rampariya
અભિનેત્રી ભાગ્યશ્રી
સાડી એકમાત્ર એવો ભારતીય પોષાક છે જે ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ નથી જતો. એમાં ફૅબ્રિક અને ડિઝાઇનના અગણિત અખતરાઓ થયે રાખે છે. તાજેતરમાં અભિનેત્રી ભાગ્યશ્રીએ પહેરેલી પીળા કલરની ઑર્ગેન્ઝા સાડી યંગ ગર્લ્સને આકર્ષિત કરી રહી છે. ભાગ્યશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ સાડીના લુકવાળો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં ફોટોશૂટને અધવચ્ચે રોકાવીને તેના પતિ હિમાલય દાસાનીએ તેને પ્રપોઝ કર્યું હતું. આ ફોટો ઇન્ટરનેટ પર બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. એમાં ભાગ્યશ્રીની સાડી ચર્ચાનો વિષય બની છે ત્યારે તેણે શરૂ કરેલા આ ફ્લોરલ હૅન્ડ-પ્રિન્ટેડ સાડીના ટ્રેન્ડની છણાવટ કરીએ અને માર્કેટમાં હૅન્ડ-પ્રિન્ટમાં કેવા પ્રકારની ડિઝાઇન વધુ પૉપ્યુલર છે એ વિશે મુલુંડમાં રહેતી અનુભવી ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ભાનુશાલી પાસેથી તેના જ શબ્દોમાં જાણીએ...
ફ્લોરલ પૅચવાળી સાડી યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
ફ્યુઝન લુક થયો ડીકોડ
ઑર્ગેન્ઝા ફૅબ્રિક આધુનિક અને સાદગીભર્યા દેખાવનું ફ્યુઝન છે. ભાગ્યશ્રીએ પહેરેલી યલો સાડીની આપણે વાત કરીએ તો તેણે ઑર્ગેન્ઝા ફૅબ્રિકમાં ફ્લોરલ હૅન્ડ-પ્રિન્ટની ડિઝાઇનવાળી સાડી પહેરી હતી. ડ્યુઅલ ટોન એટલે કે સાડીનો કલર લાઇટ હોય અને પ્રિન્ટ થોડી બોલ્ડ દેખાય જેથી 3D ઇફેક્ટ આપે અને એ આપણા લુકને પણ વધુ નિખારે. ભાગ્યશ્રીએ પણ એવી જ સાડી પહેરી હતી. તેણે બ્લાઉઝને કૉન્ટ્રાસ્ટ ન રાખતાં પીળા કલરનું સિમ્પલ દોરીવાળું બ્લાઉઝ પહેરવાનું પસંદ કર્યું જેથી સાડીનું ડીટેલિંગ હાઇલાઇટ થાય. આ ઉપરાંત મેકઅપ પણ તેણે મિનિમલ જ કર્યો હતો, પણ હેરસ્ટાઇલમાં ગજરાને ઍડ કર્યો હોવાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ અભિનેત્રી જેવો સિમ્પલ, ક્લાસિક અને ટાઇમલેસ લુક તમે કોઈ હલ્દી અને મેંદી જેવાં નાનાં ફંક્શન્સ ઉપરાંત હાઉસ-પાર્ટી અને ગેટ-ટુગેધરમાં પહેરશો તો બહુ જ અલગ, યુનિક અને યંગ લાગશો.
લૅવન્ડર સાડીમાં હૅન્ડ-પેઇન્ટેડ પલ્લુ.
કેવી ડિઝાઇન્સ છે ટ્રેન્ડમાં?
સદીઓ જૂની આપણી હૅન્ડ-પ્રિન્ટિંગની પરંપરાને હવે આજની પેઢી ફરી એક વાર પસંદ કરી રહી છે. કૉટન, સિલ્ક, ચંદેરી, લિનન, ટસર સિલ્ક, રેયૉન અને મલમલના કાપડમાં બ્લૉક પ્રિન્ટ, કલમકારી, નૅચરલ ડાઇ અને સ્ક્રીન-પ્રિન્ટિંગ તો થતું જ હોય છે; પણ ઑર્ગેન્ઝાના ફૅબ્રિકમાં હૅન્ડ- પ્રિન્ટિંગની વાત જ જુદી છે, કારણ કે આ ફૅબ્રિક પર કરેલું હૅન્ડ-પ્રિન્ટિંગ 3D ઇફેક્ટ આપે છે, જે એ કાપડને વધુ નાજુક અને સુંદર બનાવે છે. ઑર્ગેન્ઝા ફૅબ્રિકમાં ટ્રેન્ડિંગ ડિઝાઇનની વાત કરીએ તો સાડીમાં ગુલાબ, કમળ અને જૅસ્મિનનાં ફૂલોને વૉટર કલર સ્ટાઇલમાં પેઇન્ટ કરેલી ડિઝાઇન વર્સટાઇલ અને સ્ટાઇલિશ લુક આપે છે. ઑર્ગેન્ઝામાં ખાસ કરીને નેચર-ઇન્સ્પાયર્ડ એટલે કે પાન, વેલ, પંખી, પતંગિયાં અને જાતજાતનો નાનાં અને મોટાં ફૂલોની ડિઝાઇન બહુ જ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ, વારલી, મધુબની અને કલમકારી જેવી લોકકલા દર્શાવતી હૅન્ડ- પેઇન્ટિંગની ડિઝાઇન્સ પણ ઑર્ગેન્ઝા ફૅબ્રિક પર થાય છે.
આઇવરી કલરમાં મલ્ટિકલર ફૂલની ડિઝાઇન વધુ હાઇલાઇટ થાય છે.
ગોલ્ડન બૉર્ડરવાળી સાડી ટ્રેડિશનલ વાઇબ આપે છે.
બેસ્ટ કૉમ્બિનેશન્સ
ઑર્ગેન્ઝા એવું ફૅબ્રિક છે જે કોઈ પણ વયની સ્ત્રી પહેરી શકે છે અને એ પહેર્યા બાદ યંગ ફીલ થાય છે. આજની જેન-ઝી જનરેશનની સાથે ૪૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પણ ઑર્ગેન્ઝા સાડીને વધુ પસંદ કરી રહી છે, કારણ કે એ સ્ટાઇલની સાથે કમ્ફર્ટ અને વર્સેટૅલિટી પણ આપે છે. સાડીનો કલર પેસ્ટલ હોય અને એના પર કૉન્ટ્રાસ્ટ કે બોલ્ડ કલર્સની ડિઝાઇન્સ વધુ સારો ઉઠાવ આપે છે. જો બેઝ કલર બોલ્ડ અને ડાર્ક હોય તો એના પર ગોલ્ડ અથવા કૉપરની ડિઝાઇન તમારા લુકને વધુ એન્હૅન્સ કરે છે. આઇવરી એક એવો કલર છે જેમાં મલ્ટિકલર ફ્લોરલ ડિઝાઇન તમારા લુકને એવરગ્રીન અને ટાઇમલેસ બનાવવાની સાથે કન્ટેમ્પરરી ફીલ પણ આપે છે. મેટલિક હૅન્ડ-પેઇન્ટિંગનો ઉપયોગ બૉર્ડરના ડિઝાઇનિંગ અને હાઇલાઇટ્સ માટે વધુ થાય છે. જોકે ટ્રેન્ડી અને ઑર્ગેન્ઝા સાડીની પસંદગી કરતી વખતે અમુક ચીજોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. લાઇટવેઇટ ઑર્ગેન્ઝા સાડીમાં એમાંની ડિઝાઇન્સ વધુ શાર્પ દેખાશે. એવું લાગશે જાણે સાડી પર એ ડિઝાઇન ચિપકાવી છે. સાડીને ડિફાઇન કરે એવું બૉર્ડર-પેઇન્ટિંગ પણ આજકાલ ટ્રેન્ડમાં છે. તેથી બૉર્ડર-પેઇન્ટિંગવાળી હૅન્ડ-પ્રિન્ટિંગ ડિઝાઇન હોય એવી ઑર્ગેન્ઝા સાડી વાઇબ્રન્ટ ફીલિંગ આપશે. જો સાડી હૅન્ડ-પેઇન્ટેડ હોય તો બ્લાઉઝ સિમ્પલ અને સાડીનો કલર છે એવું જ રાખવું, નહીં તો સાડીને બદલે બ્લાઉઝ હાઇલાઇટ થશે અને સાડીનો શો જતો રહેશે. આ ઉપરાંત જ્વેલરી પણ મિનિમલ જ રાખવી જેથી સાડીનો લુક દેખાય.
ફ્લોરલ બૉર્ડરવાળી સાડી.
ક્યાં કેવી સાડી પહેરવી?
બર્થ-ડે પાર્ટી અને ઍનિવર્સરી જેવી પર્સનલ ઇવેન્ટ્સ માટે પેસ્ટલ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ ઑર્ગેન્ઝા સાડી સાથે મિનિમલ મેકઅપ અને મિનિમલ સ્ટોન જ્વેલરી પહેરવી. આવી સાડીને મેંદી અને હલ્દી જેવાં પ્રી-વેડિંગ ફંક્શન્સમાં પણ પહેરી શકાય.
આર્ટ્સ અને કલ્ચરલ ઇવેન્ટ્સમાં હાજરી આપવાની હોય તો મધુબની, વારલી અને કલમકારી થીમવાળી ઑર્ગેન્ઝા સાડી પહેરી શકાય. એની સાથે ટ્રેડિશનલ ઝુમકા અને હેરસ્ટાઇલમાં મેસી અથવા નૉર્મલ બન સૂટ કરશે.
ઑફિસ પાર્ટી, ક્લાયન્ટ મીટિંગ કે સેમિનાર્સ અટેન્ડ કરવા હોય તો જ્યોમેટ્રિક કે ઍબ્સ્ટ્રૅક્ટ હૅન્ડ-પ્રિન્ટેડ ડિઝાઇનવાળી સાડી પર્ફેક્ટ રહેશે. એની સાથે ક્લાસિક હૅન્ડ વૉચ, ન્યુટ્રલ મેકઅપ તમારા લુકને વધુ પ્રોફેશનલ અને સટલ બનાવશે.
દિવાળી, રક્ષાબંધન કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગો માટે ગોલ્ડન કલરની હૅન્ડ-હાઇલાઇટેડ થિક ફૅબ્રિકની ઑર્ગેન્ઝા સાડી તમારા લુકને વાઇબ્રન્ટ બનાવશે. એમાં મિનિમલ મેકઅપની સાથે એથ્નિક ક્લચ તમારા ટ્રેડિશનલ લુકને વધુ એન્હૅન્સ કરશે અને સુંદરતાને નિખારશે.
કલર્સની વાત કરીએ તો દિવસનાં ફંક્શન્સ માટે પેસ્ટલ કલર્સના બેઝવાળી અને સાંજના ડાર્ક કલરના બેઝ પર મોર અને મધુબની આર્ટનું પેઇન્ટિંગ હોય અથવા ગોલ્ડનું ડીટેલિંગ હોય એવી સાડી સારી લાગશે. એકદમ સાદા અને પ્રોફેશનલ સમારંભમાં જવું હોય તો ઑફવાઇટ, આઇવરી અને ગ્રે કલરની મિનિમલ જ્યોમેટ્રિક સાડી તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવશે.