30 August, 2025 06:58 AM IST | Mumbai | Kajal Rampariya
નીતા અંબાણી, અનન્યા પાંડે
ફૅશનમાં આઉટફિટ્સની સાથે જ્વેલરીમાં પણ અવનવું કરવાના પ્રયોગો થતા હોય છે. હવે વિસરાઈ ગયેલી ફૅશન મૉડર્ન અંદાજમાં કમબૅક કરી રહી છે ત્યારે બૉલીવુડની અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં પહેરેલી ઓવરસાઇઝ્ડ સ્ટોનની જ્વેલરીએ ધ્યાન આકર્ષિત કર્યું છે. પિન્ક કલરના લેહંગામાં ગ્રીન એમરલ્ડ કલરની કૉન્ટ્રાસ્ટ જ્વેલરી તેના સ્ટાઇલ-સ્ટેટમેન્ટમાં ચાર ચાંદ લગાવી રહી છે. તેણે ટિપિકલ જ્વેલરી કરતાં મોટા સ્ટોનના પેન્ડન્ટવાળો સ્ટેટમેન્ટ નેકલેસ ફ્લૉન્ટ કર્યો હતો. એવું નથી કે આવા મોટા સ્ટોનવાળી જ્વેલરીનો ટ્રેન્ડ અનન્યાએ શરૂ કર્યો છે, અગાઉ નીતા અંબાણીએ પણ ન્યુટ્રલ કલરની સાડીમાં એમરલ્ડ ગ્રીન કલરના મોટા સ્ટોનના પેન્ડન્ટવાળો નેકલેસ પહેર્યો હતો. આ પ્રકારની જ્વેલરીના ટ્રેન્ડ વિશે અને એને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એ વિશે વિલે પાર્લેમાં રહેતા અને પોતાની જ્વેલરી બ્રૅન્ડ ધરાવતાં જ્વેલરી ક્યુરેટર મિન્નત કાણકિયા પાસેથી જાણીએ તેમના પોતાના જ શબ્દોમાં...
રજવાડી ફૅશન બૅક ઇન ટ્રેન્ડ
એવું નથી કે મોટા સ્ટોનવાળી જ્વેલરી હમણાંથી જ ફૅશનમાં ઇન-થિંગ થઈ છે, આવી જ્વેલરી પહેલાં રાજા-મહારાજાના સમયમાં પહેરાતી હતી પણ હવે એ પાછી ફૅશનમાં આવી છે, પણ નવાં રંગરૂપ સાથે. અનન્યા અને નીતા અંબાણીએ જે પ્રકારની જ્વેલરી પહેરી છે એને ઓવરસાઇઝ્ડ સ્ટોન જ્વેલરી કહેવાય. આ પ્રકારની જ્વેલરી તમારા સ્ટાઇલ-સ્ટેટમેન્ટને એન્હૅન્સ કરે છે એટલે એને સ્ટેટમેન્ટ જ્વેલરી પણ કહી શકાય. અનન્યા પાંડે અને નીતા અંબાણીની ઉંમરમાં ફરક છે તેમ છતાં આવી જ્વેલરી બન્નેને શોભી રહી છે એટલે મોટા સ્ટોનવાળી જ્વેલરીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ પણ ઉંમરની સ્ત્રી આ જ્વેલરીને પોતાના હિસાબે સ્ટાઇલ કરી શકે છે. આજકાલ બ્રાઇડ્સ પણ એકસાથે ત્રણ-ચાર લેયર્સના નેકલેસ પહેરવા કરતાં એક જ ઓવરસાઇઝ્ડ પેન્ડન્ટવાળો નેકલેસ પહેરવાનું પસંદ કરી રહી છે. એક નેકલેસથી લુક પણ સારો આવે છે અને મિનિમલિસ્ટ પણ લાગે છે.
કલર-કૉમ્બિનેશન
જ્યારે તમે ઓવરસાઇઝ્ડ સ્ટોનવાળી જ્વેલરી પહેરવાનું નક્કી કરો છો ત્યારે તમારે કલર- કૉમ્બિનેશનને ધ્યાનમાં રાખવું જરૂરી છે. જે કલરના આઉટિફટ છે એ જ કલરના સ્ટોનવાળી જ્વેલરી પહેરશો તો તમારો લુક ડલ થઈ જશે, આઉટિફટ પણ હાઇલાઇટ નહીં થાય અને જ્વેલરી પણ નહીં દેખાય. તેથી હંમેશાં આવી જ્વેલરી કૉન્ટ્રાસ્ટ કલર-કૉમ્બિનેશનમાં પહેરવી. અનન્યાએ જેમ પિન્ક કલરના લેહંગા સાથે ગ્રીન કલરની જ્વેલરી પહેરી છે એ રીતે લાઇટ અને ન્યુટ્રલ કલર્સ સાથે આ જ્વેલરીને સ્ટાઇલ કરશો તો એ તમારા લુકને વધુ નિખારવાનું કામ કરશે. માર્કેટમાં અત્યારે ગ્રીન એમરલ્ડ સ્ટોનની જ્વેલરી વધુ ટ્રેન્ડમાં છે, કારણ કે આ એક એવો કલર છે જે બધા જ આઉટફિટ સાથે સૂટ થઈ જાય છે. જોકે સફાયર અને રૂબી સ્ટોન પણ અત્યારે ઇન-થિંગ છે. રૂબી સ્ટોનની જ્વેલરીને કોઈ પણ પેસ્ટલ ટોનના આઉટફિટ સાથે પહેરી શકાય અને સફાયર સ્ટોનને બ્લુના લાઇટ શેડ્સના આઉટફિટ સાથે પેર કરી શકાય.
ધ્યાનમાં રાખવા જેવું
મોટા સ્ટોનવાળી જ્વેલરી પહેરવી હોય તો કોઈ એક જ જ્વેલરી પહેરવી. ધારો કે તમે મોટા સ્ટોનના પેન્ડન્ટવાળો નેકલેસ પહેરી રહ્યા છો તો એની સાથે ઇઅર-રિંગ્સ અને હાથની રિંગ નાના સ્ટોનની હોવી જોઈએ તો એ નેકલેસ હાઇલાઇટ થશે. એ રીતે પ્રસંગના હિસાબથી તમે ખાલી ઇઅર-રિંગ્સ કે ખાલી રિંગ પણ સ્ટાઇલ કરી શકો છો.
આવી જ્વેલરીને ફૉર્મલ કે કૅઝ્યુઅલ વેઅરમાં પહેરી ન શકાય. ઓવરસાઇઝ્ડ સ્ટોનની જ્વેલરી પ્યૉરલી એથ્નિક વેઅર માટે જ બનેલી છે.
તહેવારો કે પ્રસંગમાં પહેરતી વખતે સાડી કે લેહંગામાં નેકલેસ પહેરી શકાય પણ ઇન્ડો-વેસ્ટર્નના ફ્યુઝન આઉટફિટ સાથે ઓવરસાઇઝ્ડ સ્ટોનવાળા માંગટીકા, નેકલેસ કે રિંગ આ ત્રણમાંથી એક જ્વેલરી ફ્લૉન્ટ કરી શકાય. ટૂંકમાં કહું તો એક જ જ્વેલરી પર ફોકસ કરવું જેથી તમારાં આઉટફિટ, મેકઅપ અને જ્વેલરી પર્ફેક્ટ લાગે.