12 May, 2025 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર અને બ્યુટીકૅર પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફ વધુ હોય છે એ જાણીને વધુ ખુશી થાય છે. આપણને લાગે છે કે આ પ્રોડક્ટ્સ વધુ ચાલશે અને વારંવાર એને ખરીદવાના પૈસા પણ બચશે. જોકે શેલ્ફ-લાઇફ વધારવાનો ખેલ ચમત્કાર નહીં પણ કેમિકલની કમાલ છે. એવું જ પૅરાબેન નામનું કેમિકલ છે જેનો પ્રિઝર્વેટિવ તરીકે વ્યાપકપણે ઉપયોગ બ્યુટીકૅર પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. એ યિસ્ટ અને બૅક્ટેરિયાથી બચાવે છે અને લાંબા સમય સુધી પ્રોડક્ટને ખરાબ થવા દેતું નથી. સામાન્યપણે પૅરાબેન ફળ અને ફૂલોમાં કુદરતી રીતે મળી આવે છે, પણ આપણે દરરોજ જે પૅરાબેનના સંપર્કમાં આવીએ છીએ એ પૅરાબેનને ઇન્ડસ્ટ્રીમાં બનાવવામાં આવે છે અને એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આ બે ચીજોમાં હોય છે પૅરાબેનમાં
સ્કિનકૅર, હેરકૅર, કૉસ્મેટિક્સ અને શેવિંગ પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફને વધારવા માટે પૅરાબેનને મિક્સ કરવામાં આવે છે. મેડિકલ પ્રોડક્ટ્સ જેમ કે ત્વચાની સમસ્યાઓ માટે વપરાતી ક્રીમ અને ટ્યુબમાં પણ પૅરાબેનની હાજરી હોય છે. આ ઉપરાંત પ્રોસેસ્ડ ફૂડમાં સૂક્ષ્મ જીવોને વધતા રોકવા માટે પૅરાબેનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કૅન્ડી, ફ્રોઝન ફૂડ, ડબ્બામાં મળતા પૅક્ડ ફૂડ અને ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
પૅરાબેનથી થતાં સંભવિત નુકસાન
સ્કિન-ઍલર્જી : પૅરાબેનનો લાંબો ઉપયોગ સ્કિન સંબંધિત સમસ્યાને નોતરું આપે છે. એના ઉપયોગથી ચામડીમાં લાલાશ, ખંજવાળ અને ઍલર્જી જેવી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને જેમની સેન્સિટિવ સ્કિન હોય એ લોકોમાં સ્કિન-રૅશિઝ અથવા ફોલ્લીઓ થાય છે અને એની સમયસર સારવાર ન થાય તો એ વકરે છે.
હૉર્મોનલ અસંતુલન : પૅરાબેન શરીરમાં પ્રવેશ કરે ત્યારે હૉર્મોન્સની સિસ્ટમને પ્રભાવિત કરીને એનું સંતુલન બગાડવાનું કામ કરે છે. પૅરાબેનને લીધે મહિલાઓના એસ્ટ્રોજન હૉર્મોન પર અસર થાય છે અને રીપ્રોડક્ટિવ હૉર્મોન્સના સંતુલનમાં ગરબડ ઊભી કરી શકે એમ હોવાથી પ્રેગ્નન્ટ થવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
કૅન્સરની બીમારીનું જોખમ : એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ ટિશ્યુમાં પૅરાબેન જોવા મળે છે એટલે એના વધુ વપરાશથી કૅન્સર જેવી બીમારીનું જોખમ વધી શકે છે.
કૅન્સરનું જોખમ : કેટલાક અભ્યાસોએ સ્તન કૅન્સરના કોષોમાં પૅરાબેનની હાજરી દર્શાવી છે, જેનાથી કૅન્સરનું જોખમ વધી શકે છે.
પૅરાબેનમુક્ત વિકલ્પો
અત્યારે લોકોમાં પૅરાબેનને લીધે સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે લોકોમાં જાગરૂકતા આવી ગઈ હોવાથી માર્કેટમાં પૅરાબેન-ફ્રી પ્રોડક્ટ્સ વાપરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને કંપનીઓ પણ પૅરાબેન-ફ્રી પ્રોડક્ટ્સ બનાવી રહી છે. જો તમારે પણ પૅરાબેન-ફ્રી પ્રોડક્ટ્સ લેવી હોય તો પ્રોડક્ટ્સ પર આપેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરી લેવાં. પૅરાબેનના વિકલ્પ તરીકે અત્યારે ફેનોક્સિએથેનોલ, એથિલહેક્સિલગ્લિસરિન અને કેપ્રિલિલ ગ્લાયકોલનો ઉપયોગ સેફ માનવામાં આવ્યો છે. આ પદાર્થો સ્કિન-ફ્રેન્ડ્લી છે અને એ હેલ્થને કોઈ નુકસાન પહોંચાડતા નથી. આ ઉપરાંત કૃત્રિમ સુગંધ અને રંગો વગરનાં ઉત્પાદનોનો ઉપયોગ કરવો. આવી પ્રોડક્ટ્સમાં પૅરાબેનની હાજરી નહીંવત્ હોવાથી એ વાપરવી સેફ છે.