14 January, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હવે ઍક્સેસરીઝમાં નહીં, આઉટફિટ્સમાં દેખાશે પર્લ પાવર
અત્યાર સુધી જે મોતીનો ઉપયોગ માત્ર જ્વેલરી તરીકે થતો હતો એને હવે બૉલીવુડની અભિનેત્રીઓએ આખા આઉટિફટમાં એમ્બેલિશ કરીને પહેરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ મોતીજડિત લુક અત્યારે વેડિંગ સીઝનમાં યુવતીઓની પસંદ બની રહ્યો છે. જાહનવી કપૂરે સફેદ મોતીથી ગૂંથાયેલી મર્મેડ સ્ટાઇલ ચોલી પહેરી હતી એમાં બ્લાઉઝની નીચેની તરફ લટકતાં મોતી એની ખાસિયત હતી. આ ડ્રૉપ પર્લ્સ એને બોલ્ડ અને ડ્રીમી લુક આપતાં હતાં. અભિનેત્રી સારા અલી ખાને પણ પર્લ વર્કવાળી ચોલી પહેરી હતી અને એમાં પણ પર્લ વર્ક હાઇલાઇટ થતું હતું. મોતીની સાથે એના લેહંગામાં ઝીણું જરદોસી કામ પણ છે જે એક પરંપરાગત રૉયલ નવાબી લુક આપે છે. આવા આઉટફિટ દર્શાવે છે કે પર્લ પણ હીરા જેવી ચમક આપી શકે છે.
લુક કૅરી કેવી રીતે કરશો?
જો તમે પણ કોઈ લગ્નપ્રસંગે કે ફંક્શનમાં આવા મોતી જડેલા આઉટફિટ પહેરવાનું વિચારતા હો તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જ્યારે ચોલીમાં મોતી વર્ક હોય તો ગળામાં ભારે જ્વેલરી પહેરવાનું ટાળવું જોઈએ. જાહનવી અને સારાએ પણ એ જ કર્યું છે. તમને જ્વેલરી પહેરવાનો શોખ હોય તો કાનમાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ પહેરી શકો છો. નહીં પહેરો તો પણ તમારો લુક સૉફિસ્ટિકેટેડ દેખાશે.
મોતીનો ઉઠાવ ત્યારે જ આવે છે જ્યારે આખું આઉટફિટ એક જ કલર ફૅમિલીનું હોય. વાઇટ, ઑફવાઇટ, આઇવરી અથવા ન્યુડ શેડ્સ પર્લ વર્ક સાથે બેસ્ટ લાગે છે.
પર્લ આઉટફિટ પર ડ્યુઇ મેકઅપ વધુ સૂટ થાય છે. ડાર્ક લિપસ્ટિક લગાવવાનું ટાળવું જેથી ફોકસ તમારા આઉટફિટ પર રહે. હેરસ્ટાઇલમાં સ્લિક બન બેસ્ટ લાગે છે. વાળ બાંધેલા હશે તો ચોલીની ડિઝાઇન અને મોતીનું વર્ક વધુ સ્પષ્ટ દેખાશે.
પર્લ એમ્બેલિશ્ડ ચોલી પોતે વજનમાં ભારે હોઈ શકે છે, તેથી લેહંગા કે સાડી સૅટિન, ઑર્ગન્ઝા કે શિફોન જેવાં હળવાં મટીરિયલનાં રાખવાં જેથી બૅલૅન્સ જળવાઈ રહે.
જો તમારા હિસાબથી આઉટફિટ કસ્ટમાઇઝ કરાવો તો ગળાની ડિઝાઇન હંમેશાં સ્વીટહાર્ટ અથવા પ્લન્જિંગ વી રાખવી જેથી મોતીનો ઉઠાવ સારો આવે.
જો આખું આઉટફિટ મોતીનું ન રાખવું હોય તો માત્ર બ્લાઉઝની સ્લીવ્ઝ અથવા નેકલાઇન પર હેવી મોતીનું કામ કરાવીને પણ ટ્રેન્ડી લુક મેળવી શકાય.
કેવાં આઉટફિટ્સમાં પર્લ વર્ક સારું લાગે?
ચોલી સિવાય મોતીને અલગ-અલગ આઉટફિટમાં સુંદર રીતે સ્ટાઇલ કરી શકાય. પ્લેન કે ઑર્ગન્ઝા સાડી પર નાનાં સફેદ મોતીનું વર્ક ટ્રેન્ડમાં છે. ખાસ કરીને સાડીની બૉર્ડર પર મોતીની લેસ અથવા પાલવમાં મોતીનાં ઝુમકા લુકને ક્લાસી બનાવે છે.
વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે મોતી જડેલાં શ્રગ કે જૅકેટ્સ બેસ્ટ ઑપ્શન છે. પ્લેન ગાઉન કે ક્રૉપ ટૉપ પર પર્લ વર્કવાળું ટ્રાન્સપેરન્ટ જૅકેટ સારું લાગશે અને આવો લુક મૉડર્ન અને પ્રીમિયમ લાગે છે.
જો તમારે સાડી કે લેહંગા સાથે દુપટ્ટો ન લેવો હોય તો તમે પર્લ કૅપ ટ્રાય કરી શકો. મોતીથી બનેલું હોય એટલે એ તમારા સાદા આઉટફિટને પણ હેવી લુક આપે છે.
કૉકટેલ પાર્ટી માટે બૉડીકોન ડ્રેસ કે ગાઉનમાં નેકલાઇન અથવા સ્લીવ્ઝ પર મોતીનું એમ્બ્રૉઇડરી કામ બહુ સુંદર લાગે છે. ખાસ કરીને બ્લૅક કે રેડ ડ્રેસ પર વાસટ મોતીનો ઉઠાવ રિચ લુક આપે છે.
કૅઝ્યુઅલ ફૅશનમાં પણ પર્લ વર્કનો ઉપયોગ વધી રહ્યો છે. પર્લ એમ્બેલિશ્ડ ક્રૉપ ટૉપને ડેનિમ જૅકેટ અથવા જીન્સ સાથે પૅક કરીને એક ફ્યુઝન લુક ક્રીએટ કરી શકાય છે.