17 July, 2025 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેલ-ગ્રૂમ્ડ દેખાવા મોટે પુરુષો અઠવાડિયામાં એક કે બે વાર શેવિંગ કરતા હોય છે. ઘણા લોકો સૅલોંમાં જઈને કરાવે અને કેટલાક ઘરે જ કરી લેતા હોય છે તેમ છતાં શેવિંગ કર્યા બાદ તેમના ચહેરા પર નાના પસવાળા દાણા જેવી ફોલ્લીઓ થતી હોય છે. આ પિમ્પલ્સ ચહેરાની સુંદરતાને બગાડવાની સાથે ઘણી વાર દુખતા પણ હોય છે. એને લીધે ઇરિટેશન થતાં કેટલાક લોકો ફોડી નાખે છે અને પછી ત્વચાસંબંધિત સમસ્યાઓ થતી હોય છે. શેવિંગ બાદ ચહેરા પર થતી આ સમસ્યાને સ્કિન-એક્સપર્ટ રેઝર-બમ્પ્સ કહે છે. આ બહુ જ કૉમન સમસ્યા છે. ઘણી વાર શેવિંગ બાદ અથવા રિવર્સ શેવિંગ કરવાથી ફેશ્યલ હેર ત્વચાની અંદર તરફ વળી જાય છે પછી એ ત્વચામાં ફસાઈ જવાથી અંદર તરફ ઊગે છે. એને ઇનગ્રોન હેર કહેવાય છે. એને લીધે ક્યારેક દુખાવો થાય છે અને લાલ કલરનાં પસવાળાં પિમ્પલ્સ થાય છે. જેની બિઅર્ડ કર્લી હોય એ પુરુષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
શું છે સૉલ્યુશન?
શેવિંગ બાદ રેઝર-બમ્પ્સ ન થાય અને ક્લીન સ્કિન દેખાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.
શેવિંગ પહેલાં નવશેકા પાણીથી ફેસ વૉશ કરી નાખો જેથી ત્વચાનાં પોર્સ ઓપન થશે અને દાઢીના વાળ પણ નરમ બનશે. પછી ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે સ્ક્રબ કરી શકો છો.
શેવિંગ માટે રેઝરને બદલે ટ્રિમરનો ઉપયોગ વધુ હિતાવહ રહેશે અને ઇનગ્રોન હેરની સમસ્યા નહીં થાય. રેઝરના વપરાશથી ઈજા પહોંચી શકે છે.
શેવિંગ દરમિયાન શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવાને બદલે જેન્ટલ ક્લેન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ અને શેવિંગ બાદ સૉફ્ટ બ્રિસલ્સવાળા બ્રશથી દાઢીમાં હળવા હાથે કૉમ્બ કરવું જોઈએ જેથી કંઈ કચરો રહી ગયો હોય એ નીકળી જશે અને સ્કિન ક્લીન થશે.
શેવિંગ બાદ ઍન્ટિસેપ્ટિક લોશન લગાવવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ ઓછું થાય છે અને સ્કિન પ્રોટેક્ટેડ રહે છે.
જો રેઝર-બમ્પ્સ આવી ગયા હોય તો ચહેરા પર બરફનો શેક કરવો. જો આ સમસ્યા દૂર ન થાય તો નિષ્ણાતની સલાહ લેવી.
હોમ ટિપ્સ
સાબુના વધેલા ટુકડાને આ રીતે રીયુઝ કરો
સાબુના વધેલા ટુકડાને ફેંકી દેવા કરતાં એનું હૅન્ડવૉશ બનાવીને યુઝ કરી શકાય. એક મિક્સરમાં એક ગ્લાસ ગરમ પાણી, સાબુના વધેલા ટુકડા અને એક ઢાંકણ ડેટોલ નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવો. એને બરાબર બ્લેન્ડ કરીને એક બૉટલમાં સ્ટોર કરીને એનો હૅન્ડવૉશ તરીકે ઉપયોગ કરી શકાય. સુગંધ ઉમેરવા માટે તમારી પસંદગીનું એસેન્શિયલ ઑઇલ ઉમેરી શકાય.
પરસેવાને લીધે શૂઝમાંથી આવતી દૂર્ગંધને દૂર કરવા માટે વધેલા સાબુના ટુકડાને એક કપડામાં વીંટીને આખી રાત રાખો.
વરસાદની મોસમમાં કપડામાંથી આવતી અજીબ દુર્ગંધને દૂર કરવા માટે અલમારીમાં કપડાંની વચ્ચે સુગંધિત સાબુની ટુકડી સુતરાઉ કાપડમાં લપેટીને મૂકો.
સાબુના ટુકડાને છીણીને એને કપડા ધોવાના પાઉડર સાથે મિક્સ કરીને ડિટર્જન્ટ તરીકે યુઝ કરી શકો છો.
સાબુના ટુકડાઓને જમા કરીને થોડી વાર પાણીમાં રહેવા દો. એ નરમ પડ્યા બાદ હાથથી સાબુના મોલ્ડમાં દબાવીને નવા સાબુ તરીકે ઉપયોગમાં લઈ શકાય.
ગરમ પાણીમાં સાબુના ટુકડાને નાખીને એમાં થોડી વાર સોનાચાંદીનાં ઘરેણાં રાખ્યા બાદ બ્રશથી સફાઈ કરશો તો બધો મેલ નીકળી જશે અને ઘરેણાં પહેલાં જેવાં ચમકશે.