03 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે હેલ્થ અને બ્યુટી પ્રત્યે લોકો એટલા કૉન્શિયસ બની ગયા છે કે ન પૂછો વાત. સ્કિન સંબંધિત નાની સમસ્યા આવશે તો તરત જ ટ્રીટમેન્ટ કરાવવા ભાગશે. એવી જ રીતે ચહેરા પરની રુવાંટીનું પ્રમાણ વધુ હોય એવા લોકો પણ કાયમલક્ષી ઉપચાર શોધતા હોય છે અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સવાળી અથવા હેર રિમૂવલ લેઝર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, પણ ભવિષ્યમાં એની સાઇડ-ઇફેક્ટ્સ થતી હોય છે. જો આવી સાઇડ-ઇફેક્ટ્સથી બચવું હોય તો કેટલાક અસરકારક ઘરગથ્થુ નુસખા અજમાવી શકાય. છેલ્લા કેટલાક સમયથી ચહેરાની રુવાંટીને દૂર કરવા માટે નાગરમોથાના તેલમાં મધ મિક્સ કરીને લગાવવાથી ફરક જોવા મળી રહ્યો હોવાથી આ નુસખો બહુ જ લોકપ્રિય થઈ રહ્યો છે ત્યારે એ વિશે વધુ જાણીએ.
નાગરમોથા તેલ એટલે?
નાગરમોથાને અંગ્રેજીમાં નટગ્રાસ અથવા સાયપરસ રોટન્ડસ કહેવાય છે. આ એક ઔષધિય છોડ છે. એના મૂળમાંથી તેલ કાઢવામાં આવે છે અને આ તેલને નાગરમોથા તેલ કહેવાય છે. આ છોડમાં પ્રાકૃતિક રીતે ત્વચા માટે લાભદાયી અને ચેપ-નિવારક તત્ત્વો હોય છે.
હેલ્થ-બેનિફિટ્સ
ત્વચામાં ઇન્ફેક્શન હોય, ફોલ્લીઓની સમસ્યા હોય, ખંજવાળ કે રૅશિસ જેવી સ્કિન સંબંધિત કોઈ પણ જાતની સમસ્યા હોય એ લોકો નાગરમોથાનું તેલ લગાવે તો ફાયદો થાય છે. આ તેલનો ઉપયોગ મોટા ભાગે સુંદરતાને નિખારવા માટે પણ થાય છે. એ સ્કિનને સૉફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે અને એની સુગંધ મનને શાંત રાખવાનું કામ કરે છે. એટલે ઑફિસથી ઘરે થાકીને આવ્યા હોય એવા લોકો જો નાઇટ સ્કિનકૅર રૂટીનમાં નાગરમોથાનું તેલ લગાવે તો એ નર્વસ સિસ્ટમ અને બૉડીને રિલૅક્સ કરવાનું કામ કરે છે. ત્વચાને પોષણ આપવાની સાથે ચહેરા પરની એક્સ્ટ્રા રુવાંટીને દૂર કરવાનું કામ કરે છે, પણ આ રુવાંટીને દૂર કરવા માટે ખાલી તેલ નહીં પણ એની સાથે મધ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે ઘસવામાં આવે તો એ ત્વચાને ઊંડાણથી પોષણ આપે છે અને રુવાંટીને કાઢે છે. આ ઉપરાંત એમાં રહેલા ગુણ ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે.
ઉપયોગ કેવી રીતે કરવો?
ચહેરા પરના અનવૉન્ટેડ હેરને દૂર કરવા માટે એક ચમચી મધમાં નાગરમોથા તેલનાં ચાર-પાંચ ટીપાં ઉમેરો અને એક મિનિટ સુધી એને સતત મિક્સ કર્યે રાખો. આ મિશ્રણને ચહેરા પર જે ભાગમાં સૌથી વધુ રુવાંટી છે ત્યાં સર્ક્યુલર મોશનમાં હળવા હાથે ૧૫ મિનિટ સુધી ઘસો અને પછી ગુલાબજળની મદદથી એને સાફ કરીને મોં ધોઈ નાખો. આ પ્રક્રિયા સપ્તાહમાં બેથી ત્રણ વખત કરવામાં આવે તો બે સપ્તાહમાં અસરકારક પરિણામ જોવા મળશે. નાગરમોથાના તેલને સ્નાન પહેલાં બૉડી પર લગાવીને મસાજ કરવામાં આવે તો એ સ્કિન ડીટૉક્સિફિકેશનનું કામ કરશે. નાગરમોથા તેલ કુદરતી હોય છે, પણ દરેક વ્યક્તિની ત્વચા અલગ હોવાથી એને પહેલી વાર વાપરતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરવી જરૂરી છે. અત્યારે બજારમાં ઑર્ગેનિક અને નૅચરલ ઑઇલના નામે ઘણી બનાવટી પ્રોડક્ટ્સ વેચાતી હોય છે તેથી હંમેશાં પ્યૉર, પ્રમાણિત અને ભરોસાપાત્ર બ્રૅન્ડ્સની પ્રોડક્ટ્સ ખરીદવાનું પસંદ કરો.