12 July, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળ ખરવાનું એક વાર શરૂ થાય પછી એ જવાનું નામ નથી લેતું. આ બહુ કૉમન સમસ્યા છે જે દર બીજી વ્યક્તિને હોય જ છે. ઘણી વાર મોંઘીદાટ ટ્રીટમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ વાપર્યા બાદ પણ એ રિઝલ્ટ નથી મળતું જે એક સિમ્પલ હોમ-રેમેડીથી મળી જાય છે. ચોખાનું પાણી વાળને જડમૂળથી પોષણ આપવાનું કામ કરે છે અને વાળને મજબૂત બનાવીને ખરતા અટકાવે છે. છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર હેરફૉલને રોકવા માટે રાઇસ વૉટરનો વાઇરલ થયેલો નુસખો સદીઓ જૂનો છે. ભારતમાં વાળને મજબૂત બનાવવા માટે પહેલાં ચોખાનું પાણી વપરાતું હતું ત્યારે ચાઇના અને જપાનમાં પણ સ્કૅલ્પને પોષણ મળે એ માટે અને વાળના ટેક્સ્ચરને સિલ્કી અને સ્મૂધ બનાવવા માટે ચોખાના પાણીથી વાળ ધોતા હતા.
શા માટે જરૂરી?
ચોખાને પલાળીને નીકળેલું પાણી અથવા એને ઉકાળ્યા બાદ બચેલું પાણી આ બન્ને પ્રકારે ચોખાનું પાણી વાળમાં લગાવવાથી પોષણ આપશે. ચોખાને આખી રાત પલાળ્યા બાદ સવારે એ પાણી પોષણનું પાવરહાઉસ બની જાય છે. એમાં વાળને આવશ્યક પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને અમીનો ઍસિડ મળી રહ્યાં છે જે વાળ અને ફોલિકલ્સને પોષણ આપવામાં મદદ કરે છે. અમીનો ઍસિડ અને પ્રોટીનનું પ્રમાણ વાળને મજબૂત બનાવવાની સાથે વૉલ્યુમ વધારવા તથા ટેક્સ્ચરને ઇમ્પ્રૂવ કરવાનું કામ પણ કરે છે. ચોખાના પાણીમાંથી ઇનોસિટોલ નામનું કાર્બોહાઇડ્રેટ પણ મળે છે જે ડૅમેજ થયેલા વાળને રિપેર કરે છે. આ સરળ નુસખાના વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત હોવા છતાં એની લોકપ્રિયતા અનેકગણી વધી છે. ઘણી હેરકૅર બ્રૅન્ડ્સ રાઇસ વૉટર આધારિત હેરમાસ્ક, કન્ડિશનર અને શૅમ્પૂ જેવી પ્રોડક્ટ્સ બનાવીને વેચી રહી છે.
ઉપયોગ કેવી રીતે કરવો?
વાળ માટે અમૃત સમાન ગણાતા ચોખાનું પાણી બનાવવા અને વાળમાં અપ્લાય કરવા માટે એક ચોક્કસ રીત છે. એક કપ ચોખાને સારી રીતે બે વાર પાણી લઈને ધોઈ લો જેથી એમાંની ગંદકી દૂર થઈ જાય. પછી એમાં બેથી ત્રણ કપ પાણી ઉમેરીને ચોખાને ઉકાળો અથવા પલાળી રાખો. જો ઉકાળવા હોય તો સવારે હેરવૉશ કરવાના બે કલાક પહેલાં આ પ્રક્રિયા કરવી અને પલાળવા હોય તો રાત્રે પલાળી દેવા. સવાર થશે ત્યાં પાણી સફેદ કલરનું થયેલું દેખાશે. ચોખાને પલાળવા અથવા ઉકાળવાની પ્રક્રિયા દરમિયાન ચોખામાંથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પાણીમાં છૂટાં પડે છે અને વાળમાં જ્યારે લગાવો ત્યારે એને પૂરતું પોષણ આપે છે. આ પાણીને હેરવૉશ કરવાના એક કલાક પહેલાં લગાવવું. સ્કૅલ્પમાં સ્પ્રેની મદદથી અથવા રૂથી લગાવીને હળવા હાથે માલિશ કરવી. આમ કરવાથી જે એરિયામાં પાણી ન પહોંચ્યું હોય ત્યાં પહોંચશે અને રક્ત-પરિભ્રમણ સુધરશે. એક કલાક સુધી એને રહેવા દઈને પછી હેરવૉશ કરી લો. એવું જરૂરી નથી કે શૅમ્પૂ કર્યા પહેલાં જ રાઇસ વૉટરને લગાવવું જોઈએ. વાળ ધોયા બાદ પણ એને લગાવી શકાય. આ નુસખાનો ઉપયોગ અઠવાડિયામાં કેટલી વાર કરવો જોઈએ એવો કોઈ નિયમ નથી, પણ અઠવાડિયામાં બે વાર એનો ઉપયોગ અસરકારક માનવામાં આવે છે.