13 August, 2025 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અયોગ્ય ખાનપાન, સ્ટ્રેસ, પ્રદૂષણ, અપૂરતી ઊંઘ વગેરે કારણોસર આજકાલ લોકોમાં વાળ ખરવાની, વાળ પાતળા થવાની, ટાલ પડવાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. એની સામે આજકાલ ઍડ્વાન્સ હેર ટ્રીટમેન્ટના ઑપ્શન્સ પણ ઘણા ઉપલબ્ધ છે. આવી જ એક ટ્રીટમેન્ટ એટલે સ્કૅલ્પ માઇક્રો પિગમેન્ટેશન (SMP) કે જેને હેર ટૅટૂના નામથી પણ ઓળખવામાં આવે છે.
ટ્રીટમેન્ટમાં શું હોય?
SMP ટ્રીટમેન્ટમાં સ્કૅલ્પ પર એક માઇક્રોનીડલ મશીનથી પિગમેન્ટ એટલે કે કલર ઇન્જેક્ટ કરવામાં આવે છે. પિગમેન્ટ એ રીતે લગાવવામાં આવે છે કે એ નાના-નાના હેર ફૉલિકલ્સ જેવા ડૉટ્સ લાગે. એનાથી એમ લાગે જાણે વાળ જથ્થાદાર થઈ ગયા છે. હેર ટૅટૂ માટે વાળ અને સ્કિનટોન સાથે મૅચ થાય એવા પિગમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં માથા પર કોઈ કટ મારવાની કે ટાંકા લેવાની જરૂર પડતી નથી. એવી જ રીતે એમાં કોઈ લાંબી હીલિંગ પ્રોસેસ પણ લાગતી નથી.
કોણ કરાવી શકે?
જેમના વાળ ખૂબ પાતળા હોય અને સ્કૅલ્પ દેખાતું હોય તો એવા લોકો આ ટ્રીટમેન્ટ કરાવી શકે. એનાથી ટાળવાળો ભાગ કવર થઈ જાય. એવા લોકો જે માથામાં પડેલી ટાલને કારણે કૉન્ફિડન્ટ ફીલ નથી કરતા કે જેમને આકર્ષક દેખાવું છે એ લોકો આવાં હેર ટૅટૂ કરાવીને પોતાની ટાલ છુપાવી શકે છે. ઘણા લોકો હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી SMP ટ્રીટમેન્ટ કરાવે છે. હેર-ટ્રાન્સપ્લાન્ટમાં વાળ તો ઊગી જાય છે, પણ ગૅપ દેખાતો હોય છે. એટલે એ ગૅપને કવર કરવા માટે હેર ટૅટૂનો સહારો લોકો લેતા હોય છે.
ધ્યાનમાં રાખવા જેવું
અહીં એ પણ ધ્યાન રાખવા જેવું છે કે આ એક ટેમ્પરરી સોલ્યુશન છે. ત્રણ-પાંચ વર્ષ પછી હેર ટૅટૂનો કલર ઝાંખો થવા લાગે છે. એટલે ફરી થોડાં-થોડાં વર્ષે એને રીફિલ કરાવવું પડે. એ સિવાય જેમને પહેલેથી જ માથા પર સારીએવી હેર ડેન્સિટી હોય અને ફક્ત થોડી જ સ્કૅલ્પ વિઝિબિલિટી હોય તો ત્યાં આ ટ્રીટમેન્ટ કામની છે. પૂરો ટાળવાળો એરિયા હોય ત્યાં પણ SMP ટ્રીટમેન્ટ થઈ શકે. જોકે એ તમને ટ્રિમ્ડ હેરનો જ લુક આપી શકે એટલે એમાં તમે લાંબા વાળ ન રાખી શકો.