04 September, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિલ્ક સાડીનું કૉટન કવર
ભારતીય પરંપરાગત પરિધાનમાં સિલ્કની સાડીનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નાજુક કુદરતી તંતુ એટલે કે ફાઇબરથી બનેલા સિલ્કના કાપડની સાડી વારતહેવારે અથવા પ્રસંગે પહેરવામાં આવે છે. જો એની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો એના પર ભેજ, ધૂળ કે પરસેવાને લીધે ફૂગ લાગી શકે છે. ફંગલ ઇન્ફેક્શન થયા બાદ સાડી પર કાળા કે લીલા ડાઘ પડી જાય છે અને સમયાંતરે ફૅબ્રિક સંપૂર્ણ રીતે બગડી જાય છે. તેથી સિલ્કની સાડીને સાચવવા માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે.
આ રીતે સાચવશો તો નહીં ખરાબ થાય તમારી સિલ્કની સાડી
બનારસી કે ટિશ્યુ સિલ્કની સાડીને હંમેશાં મલમલના કપડામાં લપેટીને રાખવી જોઈએ. એનાથી ફૅબ્રિક ખરાબ થશે નહીં અને એની ચમક પણ એવી જ રહેશે. ઘણા લોકો એને પ્લાસ્ટિક બૅગમાં રાખે છે, જેને લીધે એમાં ભેજ લાગી જાય છે અને ફૂગ જમા થાય છે.
સિલ્કની સાડીને વૉર્ડરોબમાં બાકી કપડાં ભેગી રાખવા કરતાં એને કૉટન બૅગ્સમાં રાખીને ડ્રાય સ્પેસ પર સ્ટોર કરવી જોઈએ જ્યાં ભેજ કે સૂર્યપ્રકાશ ન પડે. સનલાઇટને લીધે સિલ્કનું કાપડ ફીકું પડવા લાગે છે.
સિલ્કની સાડીને સ્ટોરેજ બૉક્સમાં રાખીને એમાં લીમડાનાં પાન, લવિંગ કે સિલિકૉન જેલનું પૅકેટ રાખી શકાય. ભૂલથી પણ એમાં નૅપ્થેલિન બૉલ્સ રાખવા નહીં, એ સાડીની ચમકની સાથે દોરાને ખરાબ કરી દેશે.
સાડીને હૅન્ગરમાં લટકાવવાની ભૂલ ન કરવી, એનાથી જરીનું હેવી વર્ક અને ફૅબ્રિક કમજોર પડે છે અને સાડી જલદી ફાટી શકે છે.
જો સાડીમાં વધુ વર્ક ન હોય તો ઘરે ધોઈ શકાય છે. માઇલ્ડ શૅમ્પૂ અથવા સિલ્ક ફૅબ્રિક માટે બનેલું ખાસ લિક્વિડ ડિટર્જન્ટ પાણીમાં મિક્સ કરીને થોડા સમય માટે રાખી દો અને હળવા હાથે ધોઈને સૂકવી દો.
સિલ્કની સાડીને ધોવા કરતાં હંમેશાં ડ્રાયક્લીન કરાવવું સેફ અને બેસ્ટ ઑપ્શન છે. એને લો હીટ પર આયર્ન કરવું જોઈએ.
સાડી પહેરીને તરત જ ફોલ્ડ કરીને રાખવાથી પરસેવો કે વાતાવરણની ભીનાશ રહી જાય છે. સાડી પહેરીને બેથી ત્રણ કલાક છાંયડાવાળી જગ્યામાં હવામાં લટકાવી દો જેથી પરસેવો અને ભેજ સુકાઈ જાય.
જો લાંબા સમય સુધી સાડીનો ઉપયોગ ન થતો હોય તો દર ૩-૪ મહિને એને અલમારીમાંથી કાઢીને થોડી વાર માટે હવામાં મૂકી દેવાથી એમાં રહેલો ભેજ બહાર નીકળી જાય છે અને ફૂગ લાગવાની શક્યતા ઘટે છે. સાથે-સાથે સાડીને અલગ-અલગ રીતે ફોલ્ડ કરતા રહેવું જોઈએ, જેથી કડક ક્રીઝ નહીં પડે અને ફૅબ્રિક પણ ખરાબ નહીં થાય.