30 June, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પ્રદૂષણ અને ખરાબ લાઇફસ્ટાઇલને લીધે ત્વચા પર પણ એની નકારાત્મક અસર દેખાતી હોવાથી સ્કિનકૅર રૂટીન પર લોકો વધુ ફોકસ કરી રહ્યા છે. ઓવર-કૉન્શિયસ થઈને માર્કેટમાં જે પ્રોડક્ટ્સ સારી લાગે એનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે, પણ ઘણા ઓછા લોકોને એ માહિતી હોય છે કે અલગ-અલગ પ્રકૃતિ ધરાવતી બ્યુટી-પ્રોડક્ટ્સને જો એકસાથે યુઝ કરવામાં આવે તો એ ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ધારો કે એકબીજાથી વિરોધી ગુણધર્મોવાળી બે ક્રીમ એકસાથે લગાવવામાં આવે તો ફાયદાને બદલે સ્કિનબર્ન કે ઍલર્જી જેવી સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. સ્કિનકૅર રૂટીનમાં થતી આ ભૂલો તમને ઍલર્જી, ચહેરા પર નાની ફોલ્લીઓ, ડાઘ કે રૅશિસ થવાનું કારણ બની શકે છે. તેથી અલગ-અલગ ગુણો ધરાવતી કેવા પ્રકારની સ્કિનકૅર પ્રોડક્ટ્સને એકસાથે યુઝ ન કરવી જોઈએ એની જાણકારી રાખવી બહુ જ જરૂરી છે.
વિટામિન A અને વિટામિન C
ત્વચા માટે વિટામિન A અને વિટામિન C બન્ને બહુ જરૂરી છે. વિટામિન A ત્વચાને બ્રાઇટ બનાવવામાં મદદ કરે છે. બ્યુટી-પ્રોડક્ટ્સમાં સૌથી વધુ વપરાતું રેટિનોલ આ જ વિટામિનનું એક સ્વરૂપ છે. વિટામિન C ત્વચામાં રહેલા કૉલેજન નામના પ્રોટીનને બૂસ્ટ કરવામાં હેલ્પ કરે છે. જો આ બન્ને વિટામિનવાળી પ્રોડક્ટ્સ એકસાથે યુઝ કરવામાં આવે તો ત્વચા સંબંધિત ઍલર્જી થઈ શકે છે. તેથી વિટામિન C હોય એવી પ્રોડક્ટ્સને દિવસના સમયે અને વિટામિન Aવાળી પ્રોડક્ટ્સને રાતના સમયે અપ્લાય કરવી હિતાવહ રહેશે.
રેટિનોલ અને BHA
ચહેરા પરની કરચલીઓને દૂર કરવામાં અને સ્કિનના ટેક્સ્ચરને સુધારવામાં મદદરૂપ રેટિનોલ પાવરફુલ ઍન્ટિ-એજિંગ તત્ત્વ ગણાય છે. ઍન્ટિ-એજિંગ સીરમ અને નાઇટ ક્રીમમાં એનો ઉપયોગ વધુ થાય છે. સ્કિનકૅરમાં BHA એટલે કે બીટા હાઇડ્રોક્સી ઍસિડ સૌથી સામાન્ય ગણાય છે. એને સાલિસિલિક ઍસિડ પણ કહેવાય છે, જે ખાસ કરીને તેલયુક્ત ત્વચા અને પિમ્પલ્સ માટે અસરકારક ગણાય છે. એ એક્સ-ફોલિએશનનું કામ કરે છે અને ચહેરા પરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે. માર્કેટમાં એ ટોનર અને ઍક્ને-ક્લેન્ઝરના ફૉર્મમાં જોવા મળે છે. એ કેમિકલ-બેઝ્ડ હોવાથી રેટિનોલયુક્ત બ્યુટી-પ્રોડક્ટ્સ સાથે યુઝ કરવામાં આવે તો બળતરા, હાઇપરપિગ્મેન્ટેશન અને ઍક્ને જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી અલગ-અલગ ગુણોવાળી પ્રોડક્ટ્સને એકસાથે યુઝ કરવાનું ટાળવું જોઈએ.
વિટામિન C અને AHA
વિટામિન C અને AHA એટલે કે આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડનું કૉમ્બિનેશન પણ ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ તો AHA એક પ્રકારનું પ્રાકૃતિક ઍસિડ છે જે ખાસ કરીને ફળ, દહીં, શેરડી અને દૂધમાંથી મળે છે અને સૌંદર્ય-પ્રસાધનો બનાવવામાં એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ ડેડ સ્કિન-સેલ્સને દૂર કરવાની સાથે સ્કિનટોનને સુધારે છે અને ત્વચા પર ફ્રેશનેસ લાવવાનું કામ કરીને એજિંગ પ્રોસેસને પણ સ્લો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એને જો વિટામિન Cયુક્ત બ્યુટી-પ્રોડક્ટ્સ સાથે લેવામાં આવે તો એની નકારાત્મક અસર થશે.