કોરિયન સ્કિનકૅરનો પૉપ્યુલર ૩ સેકન્ડ રૂલ શું છે?

05 February, 2025 09:02 AM IST  |  Mumbai | Heta Bhushan

મોં ધોયા પછી ત્રણ જ સેકન્ડમાં એને કોરું કર્યા વિના જ મૉઇશ્ચરાઇઝર લગાવી દેવાનો થમ્બ રૂલ આપતી આ કોરિયન પદ્ધતિ કેટલા અને કેવા ફાયદા કરાવી શકે એ બ્યુટિશ્યન પાસેથી જાણીએ

ચહેરો ધોયા પછી સુકાય એ પહેલાં જ એટલે કે ૩ સેકન્ડમાં જ મૉઇશ્ચરાઇઝર લગાવી લો.

કે–બ્યુટીની હમણાં બધે જ બોલબાલા છે. કોરિયન ગ્લાસ સ્કિન બધાને જ જોઈએ છે. સ્કિનકૅર રૂટીન માટે એક રૂલ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે એ છે, થ્રી સેકન્ડ રૂલ. બધા જ જાણે છે કે ફેસની સ્કિનને સૉફ્ટ રાખવા એના પર મૉઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે મોઢું ધોયા પછી કેટલી વારમાં મૉઇશ્ચરાઇઝર લગાડવું જોઈએ? જવાબ છે ત્રણ સેકન્ડની અંદર. અત્યારે કોરિયન સ્કિનકૅરના ફૅન્સ અને ફૉલોઅર્સ વધી રહ્યા છે. થ્રી સેકન્ડ રૂલ એકદમ સરળ અને અસરકારક છે. મોઢું ધોયા બાદ તરત જ થોડી સેકન્ડ કોઈ સ્કિનકૅર પ્રોડક્ટ ફેસ પર લગાવવી જરૂરી છે. તમે જે ફેસ સ્કિનકૅર રૂટીન ફૉલો કરતા હો એ પ્રમાણે સિરમ કે ટોનર કે મૉઇશ્ચરાઇઝર લગાડવું.

છેલ્લાં ૨૦ વર્ષથી બ્યુટી અને બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત બોરીવલીનાં અર્ચના કાંબળે કહે છે, ‘કોરિયન સ્કિન બ્યુટિફુલ હોય છે અને અત્યારે કોરિયન બ્યુટી ટ્રીટમેન્ટ, પ્રોડક્ટ્સ અને રૂલ્સ બધા હોંશે-હોંશે ફૉલો કરી રહ્યા છે. આ પણ એક એવો જ રૂલ છે જે ચોક્કસ ફાયદાકારક છે. સ્કિન હાઇડ્રેટેડ રાખવી જરૂરી છે, કારણ કે હાઇડ્રેટેડ સ્કિન યંગ અને બ્યુટિફુલ લાગે છે. મોઢું ધોઈ લો એટલે બધો કચરો નીકળી જાય, સ્કિન પોર્સ થોડા ખૂલે અને સાફ અને ભીની સ્કિન પર કોઈ પણ પ્રોડક્ટ લગાડો તો એ વધુ સારી રીતે ઍબ્સૉર્બ થાય અને ફાયદો મળે.આ કોરિયન રૂલ આપણે અત્યારે જાણ્યો છે પણ આપણી દાદી-નાનીના આપેલા  નુસખાઓમાં અને આયુર્વેદમાં આપેલા સુંદરતાના ઉપાયોમાં જણાવવામાં જ આવે છે કે પહેલાં ગુલાબ જળ મોઢા પર છાંટો અને પછી કોઈ પણ ઑઇલ કે ક્રીમ લગાવો. એમાં પણ આ જ નિયમ કામ કરે છે. હમણાં થોડા વખત પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચને એક ઇન્ટરવ્યુમાં ૫૦ વર્ષે પણ તેની સ્કિન આટલી સુંદર કઈ રીતે લાગે છે એ પ્રશ્નના જવાબમાં હાઇડ્રેશનની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે મોઢું ધોયા પછી એને ભીનું જ રહેવા દે છે જેથી સ્કિનને હાઇડ્રેશન મળે અને અંદરથી હાઇડ્રેશન મળે એ માટે વધુ પાણી પણ પીએ છે. સ્કિનને નિયમિત રીતે પ્રૉપરલી ક્લીન, હાઇડ્રેટેડ અને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવાથી એ સુંદર રહે છે.  

સ્કિપ ટૉવેલ ડ્રાઇંગ

આ કોરિયન રૂલ પ્રમાણે મોઢું ધોયા બાદ એને નૅપ્કિન કે ટૉવેલથી લૂછવાની જરૂર નથી; તરત જ ભીની સ્કિન પર સિરમ, ટોનર કે મૉઇશ્ચરાઇઝર લગાડો. એનાથી તમારી સ્કિનને સૌથી વધારે ફાયદો થશે. સ્કિનકૅર પ્રોડક્ટમાં રહેલાં પોષક તત્ત્વો સ્કિનમાં અંદર સુધી જઈ શકશે. સામાન્ય રીતે સ્કિન આપણા શરીરની અંદરના કોષોનું બહારના વાતાવરણથી રક્ષણ કરવાનું કામ કરે છે એટલે એ કોઈ પણ તત્ત્વને સ્કિનની અંદર જતાં રોકે છે, પરંતુ જ્યારે સ્કિન ભીની હોય છે ત્યારે મૉઇશ્ચરાઇઝર કે સિરમમાં રહેલાં પોષક તત્ત્વો સારી રીતે શોષાઈ શકશે.

સ્કિન ચમકદાર બનશે

પાણીથી મોઢું ધોયા બાદ, વિરોધાભાસી લાગે પણ સ્કિન પરનું પાણી સ્કિનનાં પોષક તત્ત્વોને પોતાની સાથે લઈને બાષ્પીભવન થઈ જાય છે એટલે સ્કિન ડીહાઇડ્રેટેડ થઈ જાય છે અને એને  વધુ પોષણની જરૂર પડે છે અને એ ન મળે તો સ્કિન ડલ થઈ જાય છે. એટલે જેટલું જલદી મૉઇશ્ચરાઇઝર લગાડવામાં આવે એ સ્કિનને ચમકદાર બનાવવા માટે જરૂરી છે.

સ્કિન યુવાન બને છે

સ્કિન જ્યારે સૂકી હોય ત્યારે આમ પણ આછી રેખાઓ અને કરચલીઓ વધારે દેખાય છે અને ડ્રાય સ્કિન પર થ્રી-સેકન્ડ રૂલ ફૉલો કરવાથી સ્કિન ડ્રાય નથી થતી.

beauty tips skin care fashion news fashion life and style gujarati mid-day columnists heta bhushan mumbai