11 February, 2025 02:57 PM IST | Mumbai | Heta Bhushan
ઑલ ટાઇમ હિટ કૉમ્બિનેશન રેડ ઍન્ડ બ્લૅક, બોલ્ડ પાર્ટી લુક
વૅલેન્ટાઇન્સ વીક શરૂ થઈ ગયું છે અને ધીમે-ધીમે એનો માહોલ છવાઈ રહ્યો છે. વૅલેન્ટાઇન્સ ડેની ખાસ મુલાકાત કે પાર્ટી માટે શું કરવું એની મીઠી મૂંઝવણ શરૂ થઈ ગઈ હશે. લાલ રંગ પ્રેમનો રંગ છે એટલે જ લાલ ગુલાબ પ્રેમનું પ્રતીક કહેવાય છે. વૅલેન્ટાઇન્સ ડે તમે જે રીતે પણ ઊજવવાના હો પણ આઉટફિટમાં રેડ કલર તો મસ્ટ હશે જ. જોકે ડાર્ક રેડ આઉટફિટ જોડે કયા રંગના કૉમ્બિનેશન સરસ લાગશે અને જોડે કઈ ઍક્સેસરીઝ શોભશે એ જાણવા જાણી લો પર્ફેક્ટ ફૅશન ફન્ડા.
લાલ રંગ એક બ્રાઇટ રંગ છે અને ફૅશનમાં એકદમ સરસ લાગે છે. આઉટફિટમાં રેડ રંગ પહેરવો એક ચૅલેન્જ સમાન છે કારણ કે લાલ રંગનો આઉટફિટ કે લાલ રંગની કોઈ ઍક્સેસરી પણ એકદમ આઇકૅચિંગ હોય છે એટલે જો રેડ રંગ સાથેની ફૅશનમાં જો જરાક પણ ભૂલ થઈ જાય તો લુક સ્પૉઇલ થઈ જવાનો ડર રહે છે. ખોટું કૉમ્બિનેશન કે લાલ રંગનો વધારે પડતો ઉપયોગ ન થાય એ રીતે પર્ફેક્ટ ફૅશન કૉમ્બિનેશન જાણીએ.
ઑલ રેડ લુક
લાલ રંગને હંમેશાં બોલ્ડ, બ્યુટી અને પાવર સાથે જોડવામાં આવે છે. ઑલ રેડ લુકમાં હાઈ એન્ડ સિલ્ક, ક્રેપ, જ્યૉર્જેટ, શિફોન, વેલ્વેટ જેવાં મટીરિયલમાંથી બનેલાં ફુલ લેન્ગ્થ મેક્સી ગાઉન, મિડી કે શૉર્ટ વન-પીસ એકદમ આકર્ષક લાગે છે. એની જોડે ન્યુડ મેકઅપ લુક રાખવો. બોલ્ડ લુક માટે જો તમે કરતા હો તો રેડ લિપસ્ટિક કરી શકો છો. જ્વેલરીમાં મિનિમલ ડાયમન્ડ કે પર્લ કે નાની ગોલ્ડ જ્વેલરી સારી લાગે છે, સિલ્વર જ્વેલરી સારી લગતી નથી એ યાદ રાખવું જરૂરી છે. ઑલ રેડ આઉટફિટ સાથે ઍક્સેરીઝ ક્યારેય રેડ ન વાપરવી. સિમ્પલ બ્લૅક, વાઇટ કે બેજ શૂઝ અને બૅગ સાથે લુકને બૅલૅન્સ કરે છે.
વાઇટ ઍન્ડ રેડનું સેફ કૉમ્બિનેશન.
ક્લાસિક કૉમ્બિનેશન્સ
લાલ રંગ જોડે અમુક રંગો એટલા સરસ શોભે છે જે લુકને એકદમ બૅલૅન્સ બનાવે છે. લાલ રંગના આઉટફિટને બીજા રંગ સાથે પ્રૉપરલી કૉમ્બિનેશન કરી પહેરવામાં આવે તો આઉટફિટ વધુ ખીલે છે. લાલ સાથે બધા જ રંગો જામે એવું જરૂરી નથી પણ અમુક કૉમ્બિનેશન બહુ ક્લાસિક લુક આપે છે.
રેડ ઍન્ડ વાઇટ ઇઝ બેસ્ટ
લાલ રંગ જોડે કયો રંગ જામે? એમાં સૌથી પહેલો રંગ છે સફેદ. રેડ ઍન્ડ વાઇટ એકદમ ક્લાસિક કૉમ્બિનેશન છે. જાણે સ્વર્ગમાં જોડી બની હોય એવું રેડ ઍન્ડ વાઇટ કૉમ્બિનેશન જામે છે. વાઇટ ડેનિમ સાથે રેડ શર્ટ, રેડ જમ્પર સાથે વાઇટ જૅકેટ, લાલ સ્કર્ટ સાથે સફેદ નેટનું ટૉપ બહુ ક્લાસી લાગે છે. રેડ ટૉપ વાઇટ સ્કર્ટ કે પૅન્ટ કે શૉર્ટ્સ બધાં સાથે સારું લાગે છે. રેડ ઍન્ડ વાઇટ લુકમાં પર્લ જ્વેલરી અને રેડ કે વાઇટ શૂઝ સરસ લાગે છે.
રેડ ઍન્ડ બ્લૅક, મેડ ફૉર ઇચ અધર
રેડ અને બ્લૅક કૉમ્બિનેશન પણ ઑલ્વેઝ હિટ છે અને બ્લૅક પૅન્ટ સાથે રેડ શર્ટ કે ટી-શર્ટ, રેડ ઍન્ડ રેડ લુક સાથે બ્લૅક બ્લેઝર, રેડ વન-પીસ સાથે બ્લૅક લેધર જૅકેટ, રેડ સ્કર્ટ સાથે બ્લૅક ટૉપ બહુ સરસ સ્ટાઇલિશ લુક આપે છે. આ લુકમાં બૅગ, શૂઝ, સૅન્ડલ, ગૉગલ્સ, બેલ્ટ જેવી ઍક્સેસરીઝ રેડ અથવા બ્લૅક બન્ને શોભે છે. કલર બૅલૅન્સ પ્રમાણે ઍક્સેસરીઝનો રંગ પસંદ કરવો, પણ ઍક્સેસરીઝ એક જ કલરની રાખવી.
વૅલેન્ટાઇન્સ ડેના કૅઝ્યુઅલ લુકમાં આવા એક્સપરિમેન્ટ્સ થઈ શકે.
રેડ ઍન્ડ ગ્રે, કૂલ ટુગેધર
લાલ રંગ સાથે ગ્રે રંગનું કૉમ્બિનેશન બ્યુટિફુલ અને ન્યુટ્રલ લાગે છે. ઑફિસવેઅરમાં પણ લુકને બૅલૅન્સ કરે છે. રેડ પૅન્ટ કે રેડ સ્કર્ટ સાથે ગ્રે ટી-શર્ટ કે રેડ પૅન્ટ સાથે ગ્રે બ્લેઝર સરસ કૅઝ્યુઅલ લુક આપે છે. જોડે ગ્રે શૂઝ કે સૅન્ડલ સરસ લાગે છે. ગ્રે કૉમ્બિનેશન મરૂન રેડ અથવા ડાર્ક રેડ સાથે વધારે જામે છે. સિમ્પલ ગ્રે આઉટફિટ સાથે રેડ બેલ્ટ, રેડ શૂઝ અને રેડ બૅગ પણ સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.
રેડ સાથે બેજ, બેસ્ટ ઑપ્શન
રેડ સાથે બેજ કે કૅમલ કે ક્રીમ કલરનું કૉમ્બિનેશન પણ બેસ્ટ એલિગન્ટ લુક આપે છે. રેડ પૅન્ટ સાથે બેજ શર્ટ કે ટી-શર્ટ કે પછી ક્રીમ પૅન્ટ સાથે રેડ શર્ટ, ફુલ ટમેટો રેડ આઉટફિટ સાથે બેજ જૅકેટ રિચ લાગે છે. આ કૉમ્બિનેશનમાં જોડે બધી ઍક્સેસરીઝ બેલ્ટ, બૅગ અને શૂઝ બેજ શોભે છે. બૉટમવેઅર એટલે કે પૅન્ટ કે સ્કર્ટ રેડ હોય તો રેડ શૂઝ ટ્રાય કરી શકો છો.
રેડ સાથે હટકે કૉમ્બિનેશન
લાલ રંગ સાથે સિમ્પલ અને ક્લાસિક કૉમ્બિનેશનના સ્થાને અવનવું કૉમ્બિનેશન કરવું હોય તો લાલ રંગ સાથે હૉટ પિન્કથી લઈને લાઇટ પિન્ક સુધી બધા શેડ સરસ લાગે છે અને રેડ પિન્કનું કૉમ્બિનેશન એક સ્વીટ રોમૅન્ટિક કૉમ્બિનેશન સાબિત થઈને ડિફરન્ટ લુક આપે છે. રેડ અને પિન્ક સાથે ઍક્સેસરીઝમાં બ્લૅક સિવાય બીજો કોઈ રંગ સારો લાગતો નથી અથવા રેડ કે પિન્ક બેલ્ટ કે શૂઝ-સૅન્ડલ મૅચ થાય છે.
રેડના કોઈ પણ શેડ સાથે ડાર્ક બ્લુ પણ બહુ સરસ કૉમ્બિનેશન છે. બ્લુ મિડી પર રેડ જૅકેટ કે બ્લુ પૅન્ટ અને રેડ ટી-શર્ટ પર રેડ સ્કર્ટ અને બ્લુ ટૉપ બહુ ક્યુટ લુક આપે છે. બ્લુ અને રેડ કૉમ્બિનેશન સાથે વાઇટ ઍક્સેસરીઝ સારી લાગે. બ્લુ રંગ આઉટફિટમાં વધારે હોય તો રેડ ઍક્સેસરીઝ પણ શોભે છે.
રેડ સાથે ગ્રીન અને ઑરેન્જ પણ હટકે કૉમ્બિનેશન છે. બે જુદા-જુદા રેડ કલર્સનું કૉમ્બિનેશન પણ સારું લાગે છે.
રેડ સાથે પ્રિન્ટ કૉમ્બિનેશન સરસ લાગે છે. રેડ ટી-શર્ટ સાથે અથવા બ્લૅક ટી-શર્ટ સાથે રેડ ઍન્ડ બ્લૅક પ્રિન્ટેડ ખાસ કરીને ચેક્સવાળા મટીરિયલનું પૅન્ટ કે સ્કર્ટ બહુ ક્યુટ લુક આપે છે. રેડ પૅન્ટ કે વન-પીસ સાથે ઍનિમલ પ્રિન્ટનું જૅકેટ કે ઍનિમલ પ્રિન્ટના પૅન્ટ સાથે રેડ શર્ટ સારું લાગે છે.
ટ્રિપલ ટ્રીટ
લાલ રંગ સાથે બે મેળ ખાતા રંગોનું કૉમ્બિનેશન ટ્રિપલ ટ્રીટ સાબિત થાય છે. રેડ, બ્લૅક અને વાઇટ. બ્લૅક પૅન્ટ, વાઇટ ટી-શર્ટ અને રેડ જૅકેટ કે બ્લેઝર સરસ લાગે છે. વાઇટ ડેનિમ સાથે યલો શર્ટ અને રેડ બ્લેઝર સરસ લાગે છે. બ્લુ જીન્સ સાથે વાઇટ ટી-શર્ટ અને રેડ બ્લેઝર પણ સરસ કૉમ્બિનેશન છે. આ કૉમ્બિનેશનમાં ન્યુટ્રલ રંગ જે હોય એવી ઍક્સેસરી શોભે છે.
રેડ ઍક્સેસરીઝ
રેડ આઉટફિટ ન પહેરવો હોય તો તમારા ફૅશન લુકમાં રેડ રંગ ઍક્સેસરીથી ઍડ કરી શકાય છે. રેડ આઉટફિટ સાથે ઍક્સેસરીઝમાં રેડ રંગની ઍક્સેસરી બહુ સમજીને યુઝ કરવી જરૂરી છે. સામાન્ય રીતે રેડ સાથે આઉટફિટ બૅલૅન્સ કરવા બેજ અને બ્લૅક રંગનાં બેગ, બેલ્ટ, શૂઝ સારાં લાગે છે. બ્લૅક ઍન્ડ વાઇટ સ્ટ્રાઇપ્સવાળી કે બ્લુ ઍન્ડ વાઇટ સ્ટ્રાઇપ્સવાળી બૅગ પણ મૅચ થાય છે. ફુલ રેડ લુકમાં બ્લૅક કે વાઇટ ઍક્સેસરી શોભે છે એમ ફુલ વાઇટ લુકમાં રેડ બેલ્ટ અને રેડ પર્સ અને શૂઝ ક્લાસિક લાગે છે. બ્લૅક વન-પીસ સાથે રેડ બેલ્ટ અને રેડ શૂઝ પણ શોભે છે.