વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા

25 January, 2023 09:30 AM IST  |  Mumbai | Rachana Joshi

કલરફુલ કપડાંનો ઢગલો છે અભિનેત્રી જાનકી બોડીવાલાના વૉર્ડરૉબમાં

જાનકી બોડીવાલા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

‘છેલ્લો દિવસ’ ફૅમ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા (Janki Bodiwala) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : હું મોડર્ન સ્ટાઇલનું સ્લાઇડિંગ ડૉરવાળું વૉર્ડરૉબ વાપરું છું. મારા રુમમાં મારા બે વૉર્ડરૉબ છે છતાંય ક્યારેક મને ઓછા પડે છે (હસે છે).

 

આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબમાં કલરફૂલ અને બ્રાઇટ કલરના કપડાં હોય એ વૉર્ડરૉબ જ મારું હોય.

 

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : મહિનામાં એક વાર તો સમય કાઢી જ લઉં છું.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : સાચું કહું તો મોટેભાગે મારી મમ્મી જ મારું વૉર્ડરૉબ ગોઠવે. નહીં તો હું અને મમ્મી સાથે મળીને જ વૉર્ડરૉબ ગોઠવીએ. મેં પહેલા કહ્યું એમ લગભગ મહિનામાં એક વાર તો ગોઠવું. જ્યારે સતત શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત હોઉં ત્યારે મમ્મી ગોઠવી દે.

અથવા તો મારે કોઈ ચોક્કસ વસ્તુ પહેરવી હોય તે વૉર્ડરૉબમાં શોધતી હોઉં ત્યારે જે બીજી વસ્તુઓ હાથમાં આવે એ તેની જગ્યાએ મુકી દઉં, આમ મોટાભાગનું વૉર્ડરૉબ ગોઠવાય જ જાય.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ ઇમોશનલી કેટલી સ્ટ્રૉન્ગ છે : વિરાફ પટેલ

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : હું કલર મુજબ કપડાં ગોઠવું. જેમ કે, બ્લેક જીન્સ સાથે. એની બાજુમાં બ્લેક ટૉપને ટી-શર્ટ હોય. પછી એકબાજુ બ્લૂ કલરના બધા કપડાં હોય, વગેરે વગેરે.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : મેં હમણાં જેમ કહ્યું એમ હું કલર મુજ કપડાં ગોઠવું છું. પણ તમને સલાહ આપીશ કે એમ ન ગોઠવવા જોઈએ. કારણકે એમાં કન્ફ્યુઝ થઈ જવાય છે. તમારે બ્લેક કપડાં પહેરવા હોય તો તમને આંખ સામે એટલાં બધા બ્લેક કપડાં દેખાય કે મુંઝવણમાં પડી જાઓ. એટલે સેક્શન મુજબ જીન્સ એકબાજુ, હાફ-સ્લિવ્સ ટી-શર્ટ એકબાજુ, ક્રૉપ ટૉપ એક બાજુ એ રીતે ગોઠવીએ તો વધુ સારું પડે.

 

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : મેં મારું વૉર્ડરૉબ હું ૧૮-૧૯ વર્ષની થઈ ત્યારે બનાવ્યું છે એમ કહું તો પણ ચાલે. કારણકે, નાનપણથી તો હું મારી કઝિન મોટી બહેનોના કપડાં જ પહેરતી. દરેક ભાતીય કુટુંબમાં હોય એમ, મોટી બહેનના જુના કપડાં એ નાની બહેનના નવા કપડાં. બસ એ જ પ્રથા અમારા ઘરમાં પણ ચાલતી. એટલે નાનપણમાં મારું વૉર્ડરૉબ જેવું કંઈ હતું જ નહીં.

અને જો વૉર્ડરૉબ સ્પેસની વાત કરું તો એ મેં આજ સુધી ક્યારેય કોઈની સાથે શૅર નથી કરી. એટલે મને ખ્યાલ નથી કે એ મને ગમશે કે નહીં.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના ક્યારેય નહીં. કપડાં જો ગણવા બેસીશને તો કેટલો સમય જશે એ ખ્યાલ જ નથી. બાકી ચપ્પલ, શૂઝમાં એટલું બહોળું કલેક્શન નથી. બધા કલરમાં અને લગભગ દરેક પ્રકારમાંથી એકાદ જોડી શૂઝ-ચપ્પલ લઈ લીધા છે. જે ઘણા વર્ષોથી ચાલે છે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : મેં એક ફિલ્મના પ્રિમિયર માટે ડિઝાઇનર રીતુ કુમારનો ડ્રેસ ખરીદ્યો હતો. જે બહુ મોંધો હતો અને એ ડ્રેસ મેં હજી સુધી ખાલી એક જ વાર પહેર્યો છે. સૌથી સસ્તાં આઉટફિટની વાત કરું તો એકવાર ઓનલાઈનમાં મને બહુ જ સારી બ્રાન્ડનું વનપીસ ૭૦ ટકા ઑફમાં અને એ પણ મારી પર્ફેક્ટ સાઇઝમાં મળ્યું હતું, આનાથી સારી ડીલ મને ક્યારેય નથી મળી. મારા માટે સસ્તી શોપિંગ મોટેભાગે ઓનલાઈન જ હોય છે. કારણકે સ્ટ્રિટ શોપિંગમાં મને ગતાગમ જ ઓછી પડે કે શું લઉં ને શું નહીં.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : આ તો અત્યારે ઠંડી છે એટલે હું જીન્સ અને ઑવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરું છું. બાકી લગભગ ૭૦ ટકા સમયે હું વનપીસ જ પહેરતી હોઉં છું. એટલે એને મારું ફૅવરિટ કોર્નર કહી શકાય.

 

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : રિપ્ડ જીન્સ, વ્હાઇટ પેન્ટ, કમ્ફર્ટેબલ વન પીસ, જૅકેટ અથવા તો વિન્ટર કૉટ, લૂઝ અને ઑવરસાઇઝ્ડ ટી-શર્ટ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : મેક્સિમમ સમયે કમ્ફર્ટને જ મહત્વ આપું. પણ ક્યારેય એવું થતું હોય છે કે, કમ્ફર્ટ કરતાં સ્ટાઇલને વધારે પ્રાધાન્ય આપવું પડે. જેમ કે કોઈ પાર્ટી કે ફંક્શન હોય તો ત્યારે સ્ટાઇલને મહત્વ આપું. પણ સાથે એ ધ્યાન રાખું કે, સ્ટાઇલમાં હું કમ્ફર્ટેબલ થઈ જાઉં.

 

આ પણ વાંચો – હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : ના, એવા કોઈ ખાસ ટ્રેન્ડ્સ ફૉલૉ નથી કરતી. ને મારી સ્ટાઇલની વાત કરું તો એ છે કલરફૂલ. કલરફૂલ કપડાંનાં વાઇબ્સ જ અલગ હોય છે. એકદમ કૂલ અને રિફ્રેશિંગ. મારી આસપાસના લોકોને એમ થાય કે શું જાનકી આ કેવા અતરંગી કપડાં પહેરે છે. પણ પછી ધીમે-ધીમે તેમને પણ આદત પડી જાય છે કલરફુલ જાનકીની.

બાકી અત્યારે આ ઠંડા-ઠંડા કૂલ વાતાવરણમાં જીન્સ, ઑવરસાઇઝ્ડ ટી-શર્ટ અને બૉયફ્રેન્ડ ટી-શર્ટ જ મારી સ્ટાઇલ છે.

 

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : Wardrobe Malfunctions તો નહીં. પણ એકવાર હું એક ડિનર પ્લેસ પર ગઈ હતી એ પણ વન પીસ પહેરીને. પણ એ વનપીસ બહુ શોર્ટ હતું એટલે ઉઠતા-બેસતા બહું ધ્યાન રાખવું પડતું. બસ, તે જ દિવસથી કમ્ફર્ટ મારી પ્રાયોરિટી છે.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે પોતાની સ્ટાઇલ ક્રિએટ કરવી, નહીં કે ટ્રેન્ડ્સ ફૉલૉ કરવા. પ્રસંગ પ્રમાણે કપડાં પહેરો એ પણ ફેશનનો જ ભાગ છે.

 

life and style fashion news fashion dhollywood news gujarati film wednesday wardrobe rachana joshi