તમારા મેકઅપ પાઉચમાં આ જરૂરી વસ્તુ ઍડ કરવાનું નહીં ભૂલતા

09 August, 2025 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેકઅપ પાઉચમાં કૉમ્પૅક્ટ પાઉડર, કન્સીલર, કાજલ, આઇલાઇનર, લિપસ્ટિક જેવો સામાન હોય છે પણ તમારે એમાં હજી એક વસ્તુ ઉમેરવાનું ન ભૂલવું જોઈએ; એ છે SPF સેટિંગ સ્પ્રે

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવા માટે દર ૨-૩ કલાકમાં સનસ્ક્રીન લોશન લગાવવું પડતું હોય છે. જોકે ચહેરા પર મેકઅપ કરેલો હોય ત્યારે સનસ્ક્રીન લગાવવાનું શક્ય બનતું નથી, કારણ કે એનાથી મેકઅપ બગડી શકે છે. એટલે એના ઉપાય તરીકે માર્કેટમાં SPF સેટિંગ સ્પ્રે ઉપલબ્ધ થયેલાં છે. SPFનો મતલબ થાય છે સન પ્રોટેક્શન ફૅક્ટર.

SPF સેટિંગ સ્પ્રે શું છે?

એ એક મિસ્ટ (સ્પ્રે) ફૉર્મમાં સનસ્ક્રીન હોય છે જેને તમે ચહેરા પર મેકઅપ લગાવ્યા પછી લગાવી શકો છો. આ એક એવી પ્રોડક્ટ છે જે તમારી ત્વચાને હાનિકારક કિરણોથી તો બચાવશે જ અને સાથે જ તમારા મેકઅપને પણ સેટ રાખશે. મેકઅપ લગાવ્યા પછી તમારે એને ચહેરા પર ૬-૮ ઇંચના અંતરથી સ્પ્રે કરવાનું હોય છે.

ક્યારે કામ આવે?

સામાન્ય રીતે મેકઅપ લગાવતાં પહેલાં સ્કિનને પ્રિપેર કરવામાં આવે છે. એ માટે ચહેરો પાણીથી ધોઈને સાફ અને સૂકો કરો. પછી ક્લેન્ઝર, મૉઇશ્ચરાઇઝર અને પછી સનસ્ક્રીન લગાવવામાં આવે છે. એ પછી એના પર મેકઅપ લગાવવાનું શરૂ કરવામાં આવે છે. હવે જે લોકોનું કામ એવું હોય કે તેમને બહાર તડકામાં લાંબા કલાકો સુધી રહેવું પડતું હોય તો તેમના માટે મેકઅપ પર સનસ્ક્રીન લગાવવાનું શક્ય નથી. એટલે એની જગ્યાએ SPF સેટિંગ સ્પ્રે લગાવી લો તો કામ થઈ જાય. એ માટે તમારે કમસે કમ SPF 30 અથવા 50વાળું સ્પ્રે લેવું જોઈએ.

ધ્યાન રાખો

તમે એમ વિચારતા હો કે SPF સેટિંગ સ્પ્રે વાપરું છું તો મારે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની શું જરૂર છે? તો એવું નથી. મેકઅપ અપ્લાય કરતાં પહેલાં તમારે સનસ્ક્રીન લોશન વાપરવું જ જોઈએ. સનસ્ક્રીનની જેમ SPF સેટિંગ સ્પ્રે સરખી રીતે ત્વચા પર અપ્લાય થઈ શકતું નથી અને એનું લેયર પર પાતળું હોય છે એટલે સનસ્ક્રીનની સરખામણીમાં એ ફુલ પ્રોટેક્શન ન આપી શકે.

skin care beauty tips fashion fashion news life and style columnists gujarati mid day mumbai