04 July, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળ ખરવાની અને તૂટવાની સમસ્યા અત્યારે બહુ કૉમન થઈ ગઈ છે અને હવે લોકો એના પર ધ્યાન આપતા નથી પણ કેટલાંક નૅચરલ વસ્તુઓના ઉપચારો તમારા વાળને ખરતા અટકાવવાની સાથે લાંબા અને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. હાલમાં વાઇરલ થઈ રહેલું બટાના ઑઇલ એમાંથી એક છે. આ તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. અમેરિકન પામ ટ્રીમાંથી કાઢવામાં આવતા આ તેલમાંથી અમિનો ઍસિડ, વિટામિન B કૉમ્પ્લેક્સ, આયર્ન અને ઝિન્ક જેવાં તત્ત્વો મળી રહી છે. એને વાળના વિકાસ માટે બહુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યારે માર્કેટમાં બટાના હેરઑઇલનું વેચાણ બહુ વધ્યું છે અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ પણ આ હેરઑઇલના ફાયદાઓ ગણાવી રહ્યા છે ત્યારે એના વિશે વિગતવાર જાણીએ.
વાળને મૂળ સુધી પોષણ આપે
એનું મુખ્ય કાર્ય વાળના મૂળ સુધી પોષણ પહોંચાડવાનું અને વાળને મજબૂત બનાવવાનું છે. આ ઉપરાંત એમાં રહેલું વિટામિન C ત્વચાના કૉલેજન સ્તરને વધારવામાં અને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ બને છે. કૉલેજન વાળના રૂટ્સની સાથે-સાથે સ્કૅલ્પને પણ હેલ્ધી બનાવવાનું કામ કરતું હોવાથી વાળ ખરવાનું પ્રમાણ ઓછું થાય છે. આ ઉપરાંત એમાં ત્વચાને નુકસાન પહોંચાડતા કોષો સામે રક્ષણ આપતા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ પણ વધુ હોવાથી વાળની વૃદ્ધિ માટે સારું માનવામાં આવે છે. બટાના ઑઇલનો નિયમિત ઉપયોગ જૂના કોષોને ફરીથી જીવિત કરવાનું અને નવા કોષોની વૃદ્ધિ કરવાનું કામ કરે છે. ખાસ કરીને વાળના મૂળમાં રહેલા ફૉલિકલ્સને ઍક્ટિવ કરીને નવા વાળના વધારામાં મદદ કરે છે. બટાના ઑઇલ ત્વચામાં રહેલા ઑઇલને પણ સંતુલિત રાખવાનું કામ કરે છે. તેથી ડ્રાય અને ઑઇલી સ્કિન ધરાવતા લોકો એને સહેલાઈથી યુઝ કરી શકે છે. એમાં રહેલાં નૅચરલ તત્ત્વો વાળને મૉઇશ્ચર પૂરું પાડે છે અને વાળને શાઇની બનાવે છે. આ તેલમાં ઍન્ટિફંગલ ગુણધર્મ હોવાથી એ ત્વચામાં હાજર ફંગસને દૂર કરે છે તેથી સ્કૅલ્પમાં ખંજવાળ, ઇરિટેશન કે બળતરા થતી નથી અને ડૅન્ડ્રફથી પણ રાહત આપે છે.
ઉપયોગ કેવી રીતે કરવો?
બટાના ઑઇલને ડબલ બૉઇલર પદ્ધતિથી ગરમ કરવું અને નવશેકું થાય ત્યારે સ્કૅલ્પ પર હળવો મસાજ કરવો. તેલ લાગ્યા બાદ વાળને પોણા કલાક સુધી એક કપડાથી ઢાંકી રાખો અને પછી એને શૅમ્પૂથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વખત કરવાથી બે મહિનામાં ફરક દેખાશે. બટાના ઑઇલને બદામ, કોકોનટ કે આમળાના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથી ફાયદો બમણો થાય છે. તેલ લગાવ્યા બાદ હેડ-સ્ટીમ આપશો તો રિઝલ્ટ જલદી મળશે.