03 September, 2025 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર હોમ રેમેડીઝના નામે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર અગણિત સલાહોનો વરસાદ વરસે છે ત્યારે સ્કિનકૅરમાં સુપરહીરો ગણાતું સનસ્ક્રીન લોશન ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવાની સાથે ઍક્ને દૂર કરવામાં પણ મદદ કરે છે એવી ચર્ચા થઈ રહી છે. આ મામલે કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ્સનો મત એવો છે કે સૂર્યપ્રકાશ પિમ્પલ થવાનું સીધું કારણ નથી. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી અલ્ટ્રાવાયલેટ (UV) રેઝ ત્વચાનું નૅચરલ મૉઇશ્ચર ખેંચી લે છે, એને કારણે ઑઇલ પ્રોડ્યુસ થાય છે જે પોર્સને બ્લૉક કરીને બ્લૅક હેડ્સ અને પિમ્પલ સર્જે છે. ઑઇલી અને સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને ભેજવાળા હવામાનમાં ચહેરા પર ટી-ઝોનમાં ઍકને વધી શકે છે. સેન્સિટિવ સ્કિન પર રૅશિસ પણ થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો સૂર્યપ્રકાશને કારણે પિમ્પલ્સ નથી થતાં પણ ઑઇલીનેસ અને ઇન્ફ્લમેશન થઈ શકે છે જે પિમ્પલ્સ થવાનું કારણ બને છે.
શું સનસ્ક્રીન ઍક્ને ક્યૉર કરે?
ઘણા લોકોને એવું લાગે છે કે સનસ્ક્રીન લગાવ્યું એટલે સ્કિનકૅર થઈ ગયું, એનાથી સૂર્યનાં હાનિકારક કિરણોની સાથે ધૂળ અને પ્રદૂષણથી પણ પ્રોટેક્શન મળશે, સ્કિન સેફ રહેશે અને પિમ્પલ નહીં થાય. નિષ્ણાતોનું માનવું છે કે સનસ્ક્રીન ઍક્નેને ઠીક કરી શકે છે પણ સંપૂર્ણપણે એના પર નિર્ભર રહી શકાય નહીં. સનસ્ક્રીન લોશન ઍક્ને ક્યૉર નથી કરતું પણ એ ત્વચાને વધુ નુકસાનથી બચાવે છે, પિમ્પલ્સના ડાઘને કાબૂમાં રાખે છે, સ્કિન ડૅમેજ થતાં બચાવે છે. ૩૦થી વધુ સન પ્રોટેક્શન ફૅક્ટર (CPF) ધરાવતા સનસ્ક્રીનનો ઉપયોગ સ્કિનને સ્ટેબલ રાખે છે અને હીલિંગ પ્રોસેસમાં મદદ કરે છે. સનસ્ક્રીન સ્ટાર નથી પણ સપોર્ટિવ રોલ પ્લે કરે છે. ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ત્વચા ઑઇલી રહેતી હોવાથી બૅક્ટેરિયલ ગ્રોથ અને પોર્સ બ્લૉકિંગ વધી જાય છે તેથી લાઇટ વેઇટ મૉઇશ્ચરાઇઝરની સાથે જેલ બેઝ્ડ અથવા મૅટ ફિનિશવાળા સનસ્ક્રીનનો યુઝ કરવો. ત્યારે શિયાળામાં સ્કિન ડ્રાય થવાની સમસ્યા રહેતી હોવાથી ક્રીમી અને મૉઇશ્ચરાઇઝિંગ ટેક્સ્ચરવાળું સનસ્ક્રીન લોશન વાપરો. જેમની સ્કિન ડ્રાય રહેતી હોય છે તેમણે મિનરલ બેઝ્ડ અથવા ક્રીમી ટેક્સ્ચરવાળું અને સેરામાઇડ્સ, હાયોલ્યુરૉનિક ઍસિડ હોય એવાં સનસ્ક્રીન લોશન વાપરવાં. ઍક્ને એક જ કારણથી થતા નથી; હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, વિટામિન ડેફિશિયન્સી કે PCOS જેવી પરિસ્થિતિઓ પણ જવાબદાર હોઈ શકે છે. તેથી જો સનસ્ક્રીન લગાવવાથી પણ પિમ્પલ્સની સમસ્યા ન જતી હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી, યોગ્ય સ્કિનકૅર રૂટીન ફૉલો કરવું અને બૅલૅન્સ્ડ લાઇફસ્ટાઇલ જીવવાના પ્રયાસ કરવા.