ફ્રેન્ચ સ્ટાઇલ બ્રેડનો પિટારો

05 August, 2021 12:55 PM IST  |  Mumbai | Sejal Patel

બ્રેડરસિકો માટે સ્વર્ગ ગણાતા ફ્રાન્સની જાતજાતની આર્ટિસનલ બ્રેડની આઇટમો સર્વ કરતી કૅફે ‘ધ બ્રેડ બાર’ ચેમ્બુરમાં ખૂલી છે. તમને બ્રેડ નહીં ભાવતી હોય તો પણ આ કૅફેની બાબકા બ્રેડ, ક્વાસૉં અને રૅટેટુઈ સૅન્ડવિચના તમે દીવાના બની જશો એ નક્કી

ફ્રેન્ચ સ્ટાઇલ બ્રેડનો પિટારો

યુરોપના પુરાતત્ત્વવિદોને લગભગ ૩૦,૦૦૦ વર્ષ પહેલાંના સ્ટોન્સ પર સ્ટાર્ચના અવશેષો મળી આવેલા અને એ પરથી બ્રેડ વિશ્વની સૌથી જૂની વાનગીઓમાંની એક ગણાય છે અને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ વિવિધ સ્વરૂપે તમને બ્રેડ મળી જ આવશે. જોકે ફ્રાન્સની વાત જુદી છે. તેમનો બ્રેડપ્રેમ પણ સદીઓ જૂનો છે. ફૂડ-હિસ્ટોરિયનોની વાત માનીએ તો ૧૭૦૦ની સદીમાં ફ્રેન્ચ રેવલ્યુશન દરમ્યાન ઍવરેજ ફ્રેન્ચ પર્સન રોજની ત્રણ પાઉન્ડ બ્રેડ ખાતો હતો. એ વખતે જો બ્રેડની શૉર્ટેજ થતી કે એની ક્વૉલિટી સારી ન મળતી તો હુલ્લડ ફાટી નીકળતું. ફ્રાન્સના લોકોને તમે જો લોટ, પાણી, યીસ્ટ અને નમક/શુગર આટલી ચીજો આપી દો તો એમાંથી તમે કલ્પી પણ ન હોય એવી-એવી ટાઇપની બ્રેડ આઇટમ્સ બનાવી આપશે અને એટલે જ આજે ફ્રાન્સની બ્રેડ અને પૅટિસરી યુનિવર્સિટી વિશ્વની બેસ્ટ ગણાય છે.
તમને થશે કે ફૂડની વાતમાં ક્યાં આજે ઇતિહાસ ઘૂસી ગયો? પણ વાત છે જ એવી. આજે આપણે બ્રેડની અને ખાસ કરીને ફ્રેન્ચ બ્રેડ્સની વાત કરવાના છીએ. મોટા ભાગે સાઉથ મુંબઈ અને બાંદરામાં તમને આવા આર્ટિસન બ્રેડ અને ફ્રેન્ચ પૅટિસરીના ઑપ્શન્સ મળી રહેશે, પણ હવે ચેમ્બુરમાં એક આવું જ ડેસ્ટિનેશન ખૂલ્યું છે જે બ્રેડપ્રેમીઓ માટેનું ધામ બની શકે છે. નામ છે ‘ધ બ્રેડ બાર’. શાહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી આ નવી નક્કોર કૅફે બાવીસ વર્ષનાં યંગ શેફ રિચા ગુપ્તાનું પહેલું અને નવું વેન્ચર છે. ફ્રાન્સની નૅશનલ સુપિરિયર સ્કૂલ ઑફ પૅટિસરીમાંથી ફ્રેન્ચ બ્રેડ્સની કળાને આત્મસાત કરનારી રિચા વિશ્વની ૫૦ બેસ્ટ રેસ્ટોરાંમાં સ્થાન પામનારી સ્પેનની અસરમેન્દી રેસ્ટોરાંમાં કામ કરી ચૂકી છે. રિચ અનુભવ લીધા પછી રિચાએ આ બ્રેડ બાર કૅફેમાં નાનકડી પણ ટેસ્ટબડ્સને જલસો કરાવી દે એવી બ્રેડ, સૅન્ડવિચની રેન્જ તૈયાર કરી છે. અહીં તમને ન્યુ યૉર્ક સ્ટાઇલ બેગલ્સ પણ મળશે અને સ્વીટ-સાવરી બાબકા બન્સ પણ. ચોખા, સોય અને જુવારના લોટમાંથી બનતી ગ્લુટન-ફ્રી બ્રેડ પણ અહીં મળશે અને યીસ્ટનો ઉપયોગ કર્યા વિના નૅચરલ બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને બનતી સારડો બ્રેડ પણ. 
ફ્રેન્ચ બેકરી ચેમ્બુરમાં
ચેમ્બુરની શાહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી આ કૅફેમાં અમે રવિવારની સવારે મુલાકાત લીધી ત્યારે પહેલાં તો વિચાર આવેલો કે આ વિસ્તારમાં આર્ટિસન બ્રેડની કદર કરનારા કેટલા હશે? ક્વાસૉં, બગેટ્સ, બેગલ, કીશ, બ્રિઓેશ, શૂ જેવી આર્ટિસન બ્રેડ, સૅન્ડવિચ અને પેસ્ટ્રી વાનગીઓ ખાનારા લોકો અહીં કેટલા હશે? ખેર, બહારના વિસ્તારને નજરઅંદાજ કરીએ તો કૅફેમાં એન્ટર થતાંની સાથે જ આખો માહોલ બદલાયેલો લાગશે. એકદમ સાદું, પણ આકર્ષે એવું ઇન્ટીરિયર અને બેસવા માટેનાં સ્મૉલ ચારથી પાંચ કૅફે સ્ટાઇલ ટેબલ્સ છે. જોકે હજી બને ત્યાં સુધી ડિલિવરી અને ટેકઅવે જ વધુ પ્રમોટ કરવામાં આવે છે. ક્લીન ઍન્ડ નીટ ઓપન કિચનમાં બનતી વાનગીઓ તમને નજરોનજર જોઈ શકો એમ છો. બહારના કાઉન્ટર પર ફ્રેશ બેક કરેલી બ્રેડ્સ અને પ્રોડક્ટ્સ પડી છે, જેની મીઠી સુગંધ ભૂખ જગાડે એવી છે. જો તમને જાતજાતની ફ્રેન્ચ બ્રેડ, સૅન્ડવિચ, પેસ્ટ્રી વિશે બહુ ઝાઝું સમજાતું ન હોય તો પણ ફિકર નૉટ. યંગ અને સ્વીટ શેફ રિચા ગુપ્તા સ્માઇલિંગ ફેસ સાથે સમજાવવા તૈયાર જ હશે. રિચાનું કહે છે કે ‘હું સમજું છું કે અહીં આવનારા દરેક કસ્ટમરને આર્ટિસન બ્રેડની ખાસિયત શું છે, એ કેવી હોય, કયા કૉમ્બિનેશન સાથે એ સારી લાગશે એનું નૉલેજ હોય એ જરૂરી નથી એટલે મારું કામ તેમને આ નવી પ્રોડક્ટ્સ કઈ રીતે વપરાય એની સમજણ આપવાનું પણ છે.’
સૅન્ડવિચ અને બેગલ્સ
હવે વાત કરીએ અમે શું ટ્રાય કર્યું એની. સવારનો સમય હતો અને કૅફેમાં જઈએ તો એક કૉફી તો બનતી હૈ. ચેન્નઈના કાપી કોટ્ટાઈ કૉફી બીન્સમાંથી બનેલી કૅફે લાતેની ચુસકીઓ લેતાં-લેતાં મેનુ સામે નજર ફેરવી અને અમારો ઑર્ડર તૈયાર કર્યો. સૅન્ડવિચમાં અમે હમસ શ્રુમ ટાર્ટાઇન ટ્રાય કરી. આ ઓપન સૅન્ડવિચ છે જેમાં મલ્ટિગ્રેન બ્રેડ પર હમસનું લેયર અને એના પર ચાર્ડ મશરૂમ સજાવેલાં હતાં. એ મશરૂમની ઉપર છાંટેલો ઝા’તર પાઉડર આખીયે સૅન્ડવિચનું હીરો ઇન્ગ્રીડિયન્ટ હતું. ઝા’તર શું છે એની પણ વાત કરી લઈએ. સુમેક, સૉલ્ટ, થાઇમ, તલના કૉમ્બિનેશનથી બનતો આ પાઉડર મૂળ ઇજિપ્તનો છે, પણ હાલમાં અરેબિયન ફૂડમાં પીતા બ્રેડની સાથે ખૂબ વપરાય છે. એ પછી અમે ટ્રાય કરી રૅટેટુઈ ઓપન સૅન્ડવિચ. ગ્લુટન-ફ્રી બ્રેડની સાથે પેસ્તો સૉસ અને ઉપર ઝૂકિની તેમ જ માઇક્રોગ્રીન્સ હર્બનું મિશ્રણ આ સૅન્ડવિચમાં છે. ચોખા અને જુવારના લોટમાંથી બનેલી આ સૅન્ડવિચની બ્રેડ ખાવામાં તમને થોડીક હેવી લાગશે, પણ પચવામાં ખૂબ જ હલકી છે. એની પરના પેસ્તો સૉસથી ટેક્સ્ચર બહુ સરસ લાગે છે અને હર્બ્સની ઍડેડ માઇલ્ડ ફ્લેવર્સ ડિશને દિલખુશ બનાવે છે. એ પછી અમે ન્યુ યૉર્ક સ્ટાઇલ બેગલ વિથ ક્રીમ ચીઝ ટ્રાય કર્યાં. આપણે ત્યાં બેગલ્સને પણ સૉફ્ટ બનાવવામાં આવે છે જ્યારે ફ્રેન્ચ બેગલ્સ થોડાંક હાર્ડ અને ચાવવા પડે એવાં હોય છે અને આ બેગલ્સ એ ફ્રેન્ચ સ્ટાઇલને મળતાં આવે છે. સારડો બ્રેડ કેવી લાગે છે એ ટ્રાય કરવા માટે અમે ધ બ્રેડ બાર સ્પેશ્યલ મેલ્ટ સૅન્ડવિચ ટ્રાય કરી. બ્રેડ જેટલી સૉફ્ટ છે એટલું જ એની અંદરનું પેપર જૅમ અને ચીઝનું કૉમ્બિનેશન ચટપટું છે. જેમને બ્રેડ અને સૅન્ડવિચની બાબતમાં પણ ઇન્ડિયન ફ્લેવર સાથે બાંધછોડ ન કરવી હોય તેમના માટે આ બેસ્ટ સૅન્ડવિચ છે એવું લાગે છે. 
એગલેસ ઑપ્શન્સ અઢળક
ચેમ્બુર ભલે ઇન્ડસ્ટ્રિયલ એરિયા છે, પરંતુ અહીં જૈનોની પણ સારીએવી વસ્તી હોવાથી અમે જે એક કલાક અહીં ગાળ્યો એમાં પણ ઘણા ગુજરાતી કસ્ટમરો અહીં જોવા મળ્યા. શેફ રિચાનું કહેવું છે કે સરપ્રાઇઝિંગલી અહીં એગલેસ વાનગીઓની ખૂબ મોટી ડિમાન્ડ છે. સ્વીટ ડિશમાં અમે બટર ક્વાસૉં અને ચૉકલેટ આમન્ડ ક્વાસૉં ટ્રાય કરી. અલગ પડતા દરેકેદરેક ક્રિસ્પી પડ અને બટરના સ્વાદનું શું કહેવું! ઑપ્શન્સ ખૂબ હતા, પણ એક જ સમયે આટલુંબધું ટેસ્ટ કરવાનું પણ ભારે પડે એમ હતું. જોકે મન ભરાયું ન હોવાથી પેસ્તો બાબકા બ્રેડ, ઍપલ પાઇ, કીશ, કુકીઝ વગેરે પાર્સલ કરાવીને લઈ લીધાં. લોટનો ચોટલો વાળેલો હોય એવી રીતે વળેલી બાબકા બ્રેડમાં પેસ્તો ફ્લેવર અદ્ભુત છે. બટર સાથે તવા પર સહેજ શેકીને ગરમાગરમ ચાની ચુસકી સાથે ટ્રાય કરી હોય તો સાંજ બની જાય. ઍપલ પાઇ પણ એ ગ્રેડ હતી. 

જ્યારે તમે પાર્સલ લઈ જાઓ ત્યારે એ ચીજને કઈ રીતે સ્ટોર કરવાની, કઈ રીતે રીહીટ કરવાની અેની પણ ગાઇડલાઇન્સ શેફ આપે છે. પાર્સલની સાથે એક બારકોડ છે જેને સ્કૅન કરવાથી આ માર્ગદર્શન ઘેરબેઠાં મળી રહેશે.

Gujarati food mumbai food indian food sejal patel columnists