આ ‘ચટકારો’નો ચટાકો માણવા જેવો છે

22 February, 2025 03:42 PM IST  |  Mumbai | Darshini Vashi

મહાવીરનગરની આ કૅફેમાં ગુજરાતી વાનગીની સાથે વિદેશી ડિશનું ટેસ્ટફુલ કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે

ચટકારો, JS ટાવર, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)

મુંબઈનાં પરાંઓની ફેવરિટ ખાઉગલી એટલે મહાવીરનગર જ્યાં દરેક પ્રાંતની જ નહીં પણ દરેક દેશની ફૂડ-ડિશ મળે છે. તેમ છતાં અહીં ગુજરાતી ફૂડ પ્રત્યેનું આકર્ષણ હજી પણ અકબંધ છે. ભલે મનમાં પાસ્તા અને પીત્ઝા ખાવાની ઇચ્છા હોય, પણ પેટને સંતોષ તો આપણી દેશી ખીચડીમાં જ મળે છે. આ જ વાતને જાણે મગજમાં ઠસાવી દીધી હોય એમ બે ગુજરાતી ભાઈબંધે સાથે મળીને એક એવી ફૂડ-પ્લેસ ખોલી નાખી જેમાં ડિશ તો વિદેશી હોય, પણ સ્વાદ ગુજરાતી હોય.

દાલ-પકવાન

મહાવીરનગરમાં થોડા મહિના અગાઉ ‘ચટકારો’ નામની એક કૅફે-કમ-રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે જેના ફૂડ-મેનુને હાથમાં લેશો એટલે તમને એમાં લખેલા ફૂડનાં નામ બે વાર વાંચવાની ફરજ પડશે એ પાક્કું. એમાં લખેલી વિદેશી ફૂડ-ડિશનું નામ ગુજરાતી વાનગીઓ સાથે કમ્બાઇન કરવામાં આવેલું છે. અચરજનો અંત અહીં નથી આવતો, પણ ત્યારે આવશે જ્યારે એ મગાવીને જોશો અને ખાશો. જેમ કે એમાં છે મેક્સિકન ચીઝ ઢોકળાં. એમાં ઢોકળાંનો મેક્સિકન ડિશ સાથે સમન્વય કરવામાં આવ્યો છે. આવું જ કંઈક દાબેલી ચીઝ ઢોકળાંનું પણ છે એટલું જ નહીં, આપણા દેશના અલગ-અલગ પ્રાંતની ડિશને પણ ગુજરાતી ટચ આપવામાં આવ્યો છે, જેમ કે દાલ-પકવાન.

પાંઉભાજી બ્લૂમિંગ બ્રેડ

એમાં પકવાનને ગુજરાતી પૂરીનો ટચ આપવામાં આવ્યો છે. આ સિવાય અહીં લસણિયા ખીચું અને પાપડ અને પાંઉભાજી બ્લૂમિંગ બ્રેડ પણ ટ્રાય કરવા જેવાં છે જે એકદમ યુનિક રીતે તૈયાર કરવામાં આવે છે. અલગ-અલગ વરાઇટીનો ચટાકો લેવાની સાથે તમે અહીં કેટલીક બોર્ડ ગેમ્સ પણ રમી શકો છો. તમારો ઑર્ડર ન આવે ત્યાં સુધી ઉનો, ચેઝ, મોનોપોલી, બિઝનેસ, લુડો, સાપસીડી વગેરે ગેમ રમીને ટાઇમપાસ પણ કરી શકો છો.

પાપડ ખીચું

 આવી યુનિક ડિશ લાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ બાબતે આ કૅફેના કો-ઓનર રાજદીપ ટાંક કહે છે, ‘હું લૉસ ઍન્જલસમાં શેફ તરીકે કામ કરી ચૂક્યો છું જ્યાં હું ઇટાલિયન ફૂડનો સ્પેશ્યલિસ્ટ હતો. પણ મને વિચાર આવ્યો કે કેમ ન હું મારું પોતાનું કંઈ શરૂ કરું એટલે હું જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે મારા મિત્ર અમન દોશીને મળ્યો. તે ગુજરાતી ફૂડ બનાવવામાં એક્સપર્ટ છે. થોડા મહિના અમે આવી કૉમ્બિનેશન સાથેની ડિશ બનાવીને ટ્રાયલ અને ટેસ્ટિંગ કર્યું અને પછી રેસ્ટોરાંમાં એનો સમાવેશ કર્યો.’

ક્યાં છે? : ચટકારો, JS ટાવર, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)

street food Gujarati food mumbai food indian food kandivli mumbai life and style gujarati mid-day columnists darshini vashi