કાંદા-લસણ વગરના સાત્ત્વિક અને શુદ્ધ ભોજનનો નવો જ અવતાર માણવા મળશે અહીં

13 April, 2024 02:08 PM IST  |  Mumbai | Sejal Patel

દુબઈમાં આવેલી વિશ્વની સૌથી મિશલન મિશેલિન સ્ટાર ઇન્ડિયન વેજિટેરિયન રેસ્ટોરાં ‘અવતારા’ મુંબઈમાં પણ ખૂલી છે. અહીં કાંદા-લસણ વપરાતાં જ નથી. ઑન ડિમાન્ડ તમે જૈન, ગ્લુટન-ફ્રી કે વીગન ફૂડ પણ ઑર્ડર કરી શકો છો અને એનું મેનુ સંસ્કૃતમાં તૈયાર થયેલું છે

દરેક ડિશ અલગ અને યુનિક કટલરીમાં સર્વ થાય છે.

કેટલીક વાર તમે થાળી ભરીને ખાઓ પણ ભોજન એટલું સ્વાદિષ્ટ હોય કે જાણે જીવ ધરાય જ નહીં, પણ કેટલીક રેસ્ટોરાંમાં તમે એક-એક કોળિયો ખાઓ પણ એ દરેક કોળિયામાં જે વૈવિધ્યસભર ફ્લેવર્સના ફુવારા મોંમાં ઊડે એ પેટની સાથે જાણે મનને પણ સંતૃપ્ત કરી દે. ગયા અઠવાડિયે અમે એક એવી રેસ્ટોરાંની મુલાકાત લીધી જ્યાં શુદ્ધ અને સાત્ત્વિક વેજિટેરિયન ફૂડ મળે છે. મૂળે દુબઈમાં ખૂલેલી અને વિશ્વની સૌપ્રથમ મિશલન સ્ટાર ઇન્ડિયન વેજિટેરિયન રેસ્ટોરાંનું બિરુદ ધરાવતી ‘અવતારા’ નામની રેસ્ટોરાં મુંબઈમાં ખૂલી છે. આ મિશલન વળી કઈ બલા છે એવો સવાલ થવો સ્વાભાવિક છે. ટૉપ ઇન્ગ્રીડિયન્ટ્સ, ફ્લેવર અને સાતત્યપૂર્વક ચોક્કસ ક્વૉલિટી જાળવીને ફૂડ પ્રિપેર કરવામાં આવે ત્યારે કોઈ રેસ્ટોરાંને સર્વોચ્ચ બિરુદ મિશલન સ્ટાર મળે. ભારતમાં આવી આંગળીના વેઢે ગણી શકાય એટલી જ રેસ્ટોરાં હશે જે આવું બિરુદ પામી હોય. દુબઈમાં આ બિરુદ પામેલી ‘અવતારા’ મુંબઈમાં સાંતાક્રુઝમાં ખૂલી છે. વર્લ્ડ ક્લાસ વેજિટેરિયન અને પાછી કાંદા-લસણ વિનાનું સાત્ત્વિક ફૂડ પીરસતી રેસ્ટોરાં હોય તો એક ટ્રાયલ લેવી બને જ. એક બળબળતી બપોરે અમે પહોંચી ગયા જુહુ ગાર્ડનની સામે આવેલા બિલ્ડિંગના સાતમા માળે આવેલી અવતારામાં. 

વાઇટ અને લાઇટ ટર્કવૉઇઝ ઝાંય ધરાવતું સિમ્પલ ઍમ્બિયન્સ આંખોને ટાઢક આપે એવું છે. લાઇટ ડાયરેક્ટ ટેબલ પર પડે છે, તમે બેઠા હો ત્યાં નહીં. પહોંચતાં જ તમને ઠંડો ટૉવેલ હાથ સાફ કરવા અપાય છે. એની અંદર પણ જૅસ્મિનની મીઠી મહેક છે. ઠંડક માટે ગળું ભીનું કરવું જ પડે એમ હતું એટલે અમે બે ડ્રિન્ક મગાવ્યાં. એક હતું ઑરેન્જ-હનીનું નૉર્મલ ડ્રિન્ક પણ બીજું જે હિબિસ્કસવાળું લાલ રંગનું ડ્રિન્ક હતું એ લાજવાબ રિફ્રેશિંગ હતું. અમે અહીંનું ૧૪ કોર્સ ટેસ્ટિંગ મેનુ ટ્રાય કરવાના હતા એટલે મેનુમાં જોઈને કશું ઑર્ડર તો નહોતું કરવાનું છતાં પહેલી વાનગી કઈ આવવાની છે એ જાણવા મેનુ ખોલ્યું તો અહો આશ્ચર્યમ્! મેનુ સંસ્કૃતમાં હતું. સાત્ત્વિક ફૂડની શરૂઆત ભગવાનને નૈવેદ્ય ચડાવવાથી થાય એટલે એ પહેલી આઇટમ હતી. 

થયું યસ, આ ખરેખર જ કંઈક નવો અનુભવ આપશે. નૈવેદ્ય એક મોટા મોરપિંછની ડિઝાઇન ધરાવતા વાસણમાં પીરસાયું. કોકોનટ બટરની પૂરીની અંદર પંચામૃત, મિસરી અને મનમોહક લાલ રંગના એડિબલ ફ્લાવરની સજાવટ છે. એક જ કોળિયામાં એ ખાઈ લેવાની છે. સાચે જ આટલો સ્વાદિષ્ટ પ્રસાદ કદી નથી ખાધો. 

એ પછી વારો આવે અલ્પાહારનો. એમાં ત્રણ આઇટમો છે. ઓકરા ચિલી ઠેચા, અળુવડી અને સાથે સોલ કઢી. બહારથી એકદમ ક્રિસ્પી ભીંડીની અંદર ઠેચા અને ભીંડાના પલ્પનું સ્ટફિંગ છે. ક્રિસ્પી ભીંડાની અંદર સ્મૂધ અને સહેજ તીખો ઠેચાનો સ્વાદ મોંમાં જાણે મમળાવ્યા જ કરીએ એવો હતો. અળુવડી પણ ઍર ફ્રાઇડ જ હતી, પણ એમાં કંઈ ખાસ નહોતું. હા, એની સાથે જે સોલ કઢી હતી એનો સ્વાદ આહ‍્લાદક હતો. સોલ કઢીમાં ખૂબ બારીક સમારેલાં કોકમ ફ્લેવરમાં આથેલાં ગ્રીન ઍપલ્સના ટુકડા હતા, જેને કારણે કઢીનું ટેક્સ્ચર મોંમાં ફીલ થાય. મજા આવી. 
એ પછી છે જડ એટલે મૂળવાળી વાનગી. એમાં તમને બે પ્રકારના સૉસ અને પાંચ અલગ-અલગ કંદની ચિપ્સ આપે. પૂરીની સાઇઝની કમળકાકડીની ચિપ્સ, પર્પલ કંદ, ઑરેન્જ કંદ, કસાવા અને બીટરૂટની એક-એક જ ચિપ્સ સર્વ થાય છે પણ દરેકનું કરારાપણું મજાનું. એની સાથે સર્વ થયેલા સૉસમાં એક છે હમસ જેવું, જેમાં કાબુલી ચણાની પેસ્ટ પર પેસ્તો સૉસ જેવું હતું અને બીજો સૉસ હતો લાલચટક દાડમ અને આમલીની ચટણી. આ ચટણી એટલી ખટમીઠી અને જીભે ચોંટી જાય એવી હતી કે બસ, ચાટ્યા જ કરીએ ચાટ્યા જ કરીએ. 

એ પછી વારો આવ્યો શિખાલુ એટલે કે કૉર્નનો. આ વાનગી ગરમાગરમ છે. બેબી કૉર્નના નાના ટુકડાને મકાઈના જ પલ્પમાંથી બનાવેલી ઘેવરની ઉપર સજાવી છે. એની સાથે મકાઈ અને ટમેટાનો શોરબા પીરસાય છે. ક્રિમી કૉર્નની સાથે ખાટા શોરબાનું કૉમ્બિનેશન મસ્ત છે. 

ભોજનમાં કડવો રસ પણ હોવો જોઈએ એટલે હવે પછીની વાનગીનું નામ હતું કરુવેલવિલાસ. એ છે કારેલાનું સંસ્કૃત નામ. ઘીની અંદર સાંતળેલી કારેલાની પેસ્ટની પર મૅન્ગો અને સાંભારમાંથી બનાવેલો આઇસક્રીમ સ્કૂપ છે. એની વચ્ચે કઢીપત્તાંનું ઑઇલ ભરવામાં આવ્યું છે. ડિશને નયનરમ્ય બનાવવા માટે રેડ અને વાઇટ રંગની ઢોસાના બૅટરમાંથી બનાવેલી ડિઝાઇન છે. એને તેમણે ટુઈ નામ આપ્યું છે. આ ડિશ ખાધા પછી ખબર જ ન પડી આમાં કડવું કારેલું હતું.

હવે પછીની આઇટમનું નામ છે સંધિતા. મતલબ કે સ્ટાર્ટર અને મેઇન કોર્સ વચ્ચેનું અનુસંધાન કરતી ડિશ. ફાઇન ડાઇન રેસ્ટોરાંની ભાષામાં કહીએ તો એને કહેવાય પૅલેટ ક્લેન્ઝિંગ ડિશ. આ ડિશ તમારા મોંને ચોખ્ખું કરી દે અને પહેલાં ખાધેલી ફ્લેવર્સ સાફ કરીને તમે કંઈક નવું ટ્રાય કરી શકો એ માટે તૈયાર કરી દે. આથેલી બ્રૉકલી અને ગાજર તો સ્વાદમાં ઓકે-ઓકે છે, પણ એની સાથે આપવામાં આવેલા કૅરૅમલાઇઝ્ડ અખરોટના ટુકડા મોં ચોખ્ખું કરે છે. આ અખરોટ પર સહેજ સોનાનો વરખ પણ છે. 

એ પછી મેઇન કોર્સ તરફ આગળ વધીએ એમાં શલગમવાળી એક આઇટમ આવે છે. એમાં ખાસ મજા નથી એટલે આગળ વધીએ પનાસા એટલે કે જૅક ફ્રૂટની આઇટમ તરફ. જૅક ફ્રૂટના મોમોની અંદર ઉત્તરાખંડથી લાવેલા સી બકથૉર્ન ફળનો પલ્પ. એની ઉપર થુપકા એટલે કે ભુતાનીઝ સૂપ રેડવામાં આવે. આ ડિશને કાળા ચોખાની શેકેલી પાપડી સાથે ખાવાની છે. 
હવે પછીની જે વાનગી છે એનું નામ છે કૃષ્ણફળ. પૅશન ફ્રૂટની આ ડિશ પાણીપૂરી જેવી છે. એનું પ્રેઝન્ટેશન રિયલ કમળના ફૂલની વચ્ચે મૂકીને કરાયું છે. સત્તુની પૂરીની અંદર ગ્વાવાનું ચટપટું પાણી અને સ્ટ્રૉબેરીનો પલ્પ છે. મોંમાં મૂકતાં જ અલગ-અલગ ફ્લેવરના ફુવારા મોંમાં ફૂટે. જલસો જ જલસો. 

મેઇન કોર્સની હવે પછીની ડિશમાં આવે છે બિહારી આઇટમનું વેરિએશન, જેનું નામ છે શુભાંજન. એટલે કે ડ્રમસ્ટિક્સ. સરગવાની શિંગના ચોખા છે અને સત્તુની કચોરી બનાવી છે એકદમ ખારી બિસ્કિટ જેવી છે. આ ડિશ ગરમાગરમ ખાવાની જ મજા છે. 

એ પછી આવે છે કોલ્હાપુરી સ્ટાઇલના તામડા ભાત અને ખાસ ગાજર જેવા પાર્સનિપ કંદનો રસમ; જેમાં મરી, લવિંગ અને તેજાનાનો ભરપૂર સ્વાદ મળશે. ચોખા પણ જાડા અને અનપ્રોસેસ્ડ છે જેની બે-ત્રણ ચમચી પણ પેટ ભરવા માટે પૂરતી છે. 

પેટ ભરાઈ ગયા પછી હવે વારો મધુર વ્યંજનોનો છે. એમાં સૌથી પહેલાં આવે છે ક્ષીર. કોકોનટ મિલ્કની રબડી મલાઈની સાથે આમરસનો ચટાકો છે. એક જ કોળિયામાં એ મોંમાં મૂકી દેવાનો છે અને બારે કોઠે દીવા થઈ જશે.

બીજી મીઠાઈનું નામ છે બાલમીઠાઈ. બહારથી કડક અને અંદરથી લિક્વિડ ચૉકલેટની જાળી જેવી કુકી એમાં છે. મીઠાશની સાથે એક ડ્રિન્ક સર્વ થાય છે જેને કહે છે બુરાંશ રસ. ઉત્તરાખંડના એક ખાસ જંગલી ફ્લાવરમાંથી બનતો ગુલાબી રસ છે જે ચૉકલેટની મીઠાશને કાપે છે. 

છેલ્લે, ૧૪ આઇટમોનો પેટમાં શંભુમેળો થયા પછી પણ જરાય અકરાંતિયાપણું ફીલ નથી થતું. દરેક આઇટમમાં શું છે એ શેફ અને વેઇટર્સ ખૂબ ઝીણવટપૂર્વક સમજાવે છે. આ મેનુ તૈયાર કર્યું છે શેફ રાહુલ રાણાએ. 

ક્યાં?: અવતારા, સાતમો માળ, ક્રિષ્ના કર્વે બિલ્ડિંગ, જુહુ ગાર્ડનની સામે, સાંતાક્રુઝ-વેસ્ટ કિંમતઃ ૪૫૦૦ રૂપિયા (વ્યક્તિદીઠ), રિઝર્વેશન જરૂરી છે.

sejal patel Gujarati food mumbai food indian food life and style columnists