પૂરી-શાક તો સાંભળ્યું છે, પણ આ દાળ-પૂરી વળી શું?

27 July, 2024 08:17 AM IST  |  Surat | Sanjay Goradia

આવા જ વિચાર સાથે હું તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જય ખોડિયાર નાસ્તાગૃહ પર ઊભો રહ્યો અને પછી તો જાણે દોથો ભરીને ટેસડો પડી ગયો

સંજય ગોરડીયા

હમણાં અમારા નાટકનો શો સુરતમાં હતો. અમદાવાદમાં તો શો ચાલુ જ હતા એટલે અમે અમદાવાદથી સવારે સુરત જવા રવાના થયા અને બપોરે દોઢ વાગ્યે સુરત પહોંચ્યા. આ સમય તો જમવાનો; પણ મેં નક્કી કરી લીધું હતું કે હું હોટેલ પર નહીં જમું, હું તમારી માટે સરસ આઇટમ શોધવા જઈશ. બન્યું એમાં એવું હતું કે અમદાવાદમાં મારી એ શોધ અધૂરી રહી ગઈ હતી. સારી આઇટમ શોધવા હું ગયો ચાર-પાંચ જગ્યાએ પણ સાલ્લું ક્યાંય મજા આવે નહીં અને કૉલમનો દિવસ એટલે કે શનિવાર નજીક આવતો હતો.

સુરતમાં અમારી હોટેલ વરાછા વિસ્તારમાં છે. આ જે વરાછા વિસ્તાર છે ત્યાં કાઠિયાવાડીઓની વસ્તી મોટા પ્રમાણમાં અને આ જ વિસ્તારમાં ડાયમન્ડ માર્કેટ છે. મારો અત્યાર સુધીનો અનુભવ છે કે જ્યાં બજાર હોય ત્યાં ખાવાની આઇટમ સારી મળે. તમે જુઓ, આપણા મુંબઈમાં પણ એવું જ છે. મૂળજી જેઠા માર્કેટ, તાંબાકાટા, કાલબાદેવી, ભાતબજાર, લોખંડબજાર અને આવી જે કોઈ બજારો છે એ બધી જગ્યાએ નાસ્તાઓ બહુ સરસ મળે અને એ પણ એક-એકથી ચડિયાતી આઇટમ. હું અને મારો સાથી કલાકાર વિનાયક કેતકર તો નીકળ્યા હોટેલથી. પૂછપરછ કરતાં ખબર પડી કે જો તમારે કંઈ નવું ખાવું હોય તો ડાયમન્ડ માર્કેટની બાજુમાં ઊભા રહેતા જય ખોડિયારમાં પહોંચી જાઓ, ત્યાં દાળ-પૂરી સરસ મળશે.

દાળ-પૂરી!
મારી આંખો મોટી થઈ. પૂરી-શાક હોય, પણ આ તો દાળ-પૂરીની વાત હતી. માંહ્યલા બકાસુરની હાકલ આવી કે આપણે આ દાળ-પૂરી ટેસ્ટ કરવાનાં થાય છે અને ટપલી મારી મેં એને શાંત કર્યો અને અમે પહોંચી ગયા જય ખોડિયાર નાસ્તાગૃહમાં. દુકાન અંદર હતી પણ બહાર કાઉન્ટર કાઢ્યું હતું, જેના પર લખ્યું હતું પવનભાઈ દાળ-પૂરીવાળા. મેં તો જઈને આપી દીધો સીધો ઑર્ડર અને આવ્યાં અમારાં દાળ-પૂરી.

આ જે દાળ-પૂરી છે એ ભાવનગરની વરાઇટી છે. જે દાળ આપે એ ચણાની દાળ હોય અને એમાં ચણાની દાળ તમને રીતસર દેખાતી હોય એટલે કે બાફીને સાવ ગાળી ન નાખી હોય. તમે એવું કહી શકો કે દાળ-પકવાનમાં જે દાળ મળે અમુક અંશે એ દાળ જેવી. આ જે દાળ હોય એમાં થોડુંક બટેટાનું રસાવાળું શાક નાખે અને પછી દાળ પર તીખી-ખાટી ચટણી નાખી તમને આપે. તમારે એ મિક્સ કરતાં જવાનું ને પૂરી સાથે કોળિયો લેતા જવાનો. એક પ્લેટમાં પાંચ પૂરી હોય. પૂરી એટલે સાહેબ, તમારી આખી હથેળી ઢંકાઈ જાય એટલી મોટી અને પૂરી આપવાની રીત પણ બહુ સરસ હતી.

તમે ઑર્ડર આપો એટલે એક ભાઈ દાળ તૈયાર કરીને આપે અને બીજા ભાઈ પૂરી વણવાનું શરૂ કરે. બે પૂરી તળાઈ જાય એટલે તમને પ્લેટમાં બે પૂરી આપે. તમે એ ખાઈ લો એટલે બીજી ત્રણ પૂરી તાવડામાં નાખે અને ગરમાગરમ ઉતારીને તમને આપે. પચાસ રૂપિયા પ્લેટનો ભાવ, પણ હું ગૅરન્ટી સાથે કહી શકું કે તમારું બપોરનું ખાણું એ પચાસ રૂપિયામાં પૂરું થઈ જાય.
હવે આવીએ દાળની વાત પર. દાળ અદ્ભુત હતી. બટાટાના રસાવાળા શાક અને પેલી બન્ને ચટણીઓના કારણે એનો આખો ટેસ્ટ બદલાઈ ગયો હતો. ખાવામાં મજા આવે એવી ચટાકેદાર દાળ અને પૂરીનું કૉમ્બિનેશન પણ અદ્ભુત હતું. વાત કરતાં ખબર પડી કે ભાવનગરમાં તો દાળ-પૂરીની જેમ દાળ-કચોરી પણ મળે છે, જે તેમની પાસે નહોતી. દાળ-કચોરીમાં બેઠા ઘાટની કચોરી હોય, એના પર દાળ-શાક અને ચટણીઓ નાખીને તમને આપે.

દાળ-કચોરીના ટેસ્ટનું અનુમાન માંડતાં મેં ત્યાં મળતાં દાળ-પકવાનનો ઑર્ડર આપ્યો. હકીકતમાં તો હું એ જોવા માગતો હતો કે દાળ-પકવાનમાં તે એ જ બધી ચટણીઓ નાખે છે કે પછી એની માટે અલગ ચટણી છે, પણ સાવ એવું નહોતું. તીખી-ખાટી ચટણી ઉપરાંત પણ બીજી ચટણીઓ હતી અને દાળ-પકવાનની દાળ પણ જરાક જુદી હતી. બસ, પરીક્ષા પૂરી અને હવે આઇટમ તમારા દરબારમાં. સુરત જવાનું બને તો વરાછામાં જે કોહિનૂર સોસાયટી છે ત્યાં જ ડાયમન્ડ માર્કેટ છે, એની પાસે જય ખોડિયાર નાસ્તાગૃહ. પેટ અને પર્સ બન્ને ખુશ.  ગૅરન્ટી.

surat life and style street food Gujarati food indian food Sanjay Goradia