20 April, 2025 07:24 AM IST | Mumbai | Darshini Vashi
Tkafe, કૈલાશ પ્લાઝા, વલ્લભબાગ લેન, પંતનગર, ઘાટકોપર-ઈસ્ટ
કૅફે એટલે એક નાનીસરખી રેસ્ટોરાં જેમાં પીણાં ઉપરાંત કેટલાક નાસ્તા સર્વ કરવામાં આવતા હોય છે. જોકે હવે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે કૅફેમાં એ બધું જ મળે છે જે નૉર્મલ રેસ્ટોરાં કે પછી મોટી હોટેલમાં મળે છે. એટલું જ નહીં, પ્રચલિત વાનગીઓને ટ્વિસ્ટ કરીને અને નવા એક્સપરિમેન્ટ સાથે ડિશ પણ ઑફર કરવામાં આવે છે. આવી જ એક કૅફે ઘાટકોપરમાં શરૂ કરવામાં આવી છે.
ઘોટાલા સૅન્ડવિચ
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં બે વર્ષ પહેલાં ‘Tkafe’ નામની એક કૅફે શરૂ કરવામાં આવી હતી. જોકે આ કૅફે શરૂ કરવા પાછળનું કારણ લોકોને સરસ મજાની ચાની ચૂસકી માણવા મળે એ હતું. જોકે પછી ધીરે-ધીરે અહીં એક પછી એક નવી-નવી ડિશ અને અલગ-અલગ ફ્લેવરની ટી પણ ઑફર કરવામાં આવી. આજે અહીં અનેક જાતના બ્રેડ, ટ્રેન્ડિંગ ઇટાલિયન વાનગીઓ, વિવિધ સૅન્ડવિચ, હેલ્ધી ફૂડ વરાઇટી, અલગ-અલગ ડ્રિન્ક વગેરે મળે છે. હવે અહીંના ઇન્ટીરિયરની વાત કરીએ તો ઇન્ટીરિયર એકદમ સ્ટાઇલિશ છે. અંદર લગભગ ચાર જેટલાં ટેબલ ગોઠવેલાં છે. સાથે અંદર ધીમું પરંતુ સુમધુર સંગીત પણ વાગતું રહે છે.
મસાલા ચા
અહીંના ફૂડ અને ટીની ખાસિયત વિશે જણાવીએ તો અહીં મસાલા ચા સૌથી વધુ વેચાય છે. આ સિવાય અહીં મળતી પર્પલ ટી પણ ઘણી ફેમસ છે. ફૂડ-આઇટમમાં સૅન્ડવિચ મસ્ટ ટ્રાય કરવા જેવી છે. ખાસ કરીને ઘોટાલા સૅન્ડવિચ. એમાં ઢગલાબંધ વેજિટેબલ્સ, ચીઝ અને સૉસિસ નાખવામાં આવેલાં હોય છે. બીજી છે અમેરિકાનો સૅન્ડવિચ જેમાં એક્ઝૉટિક વેજિટેબલ્સ નાખવામાં આવે છે. બ્રુશેટો પણ અહીંનું ઘણું વખણાય છે. આ સિવાય અહીં બીજી પણ અનેક આઇટમ્સ મળે છે. અહીં જૈન ફૂડનો ઑપ્શન પણ છે.
ક્યાં મળશે? : Tkafe, કૈલાશ પ્લાઝા, વલ્લભબાગ લેન, પંતનગર, ઘાટકોપર-ઈસ્ટ