12 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજગરાનાં ફરાળી પરાઠાં
રાજગરાની ખાખરી પૂરી બધાએ ખાધી જ હશે, પણ આજે આપણે શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખાઈ શકાય તથા હેલ્ધી અને આખો દિવસ કામ કરવાની એનર્જી આપે એવાં રાજગરાનાં ફરાળી પરાઠાં બનાવીશું. તો ચાલો જોઈએ સામગ્રી અને રીત.
સામગ્રી : એક બાઉલ રાજગરાનો લોટ, શેકેલી સિંગનો ભૂકો, ત્રણ મિડિયમ બટાટા (બાફેલા), જો બટાટા ન ખાવા હોય તો પાકાં કેળાં પણ લઈ શકાય. હજી વધારે હેલ્ધી બનશે. બારીક કાપેલાં કોથમીર, ફુદીનો અને ગ્રીન મરચાં. મીઠું, મરી પાઉડર, એક ટેબલ સ્પૂન ઘી, શેકેલા સિંગનો ભૂકો.
રીત : સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં રાજગરાનો લોટ તથા ઘી, મીઠું, મરી, મરચાં, કોથમીર, ફુદીનો બધું નાખીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ બટાટાને ખમણીને નાખો અથવા પાકાં કેળાં સ્ક્રશ કરીને નાખો. પાણી નથી નાખવાનું. બટાટાથી જ પ્રૉપર લોટ બંધાઈ જશે. રેસ્ટ આપવાની જરૂર નથી (નહીં તો લોટ નરમ થઈ જશે). તરત જ રાજગરાના લોટનું અટામણ લઈ મોટું પરાઠું વણી તેલ કે ઘીમાં શેકો. એને વચ્ચેથી કટ કરી (અર્ધચંદ્રાકાર) ઘી લગાવીને ગરમાગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
તૈયાર છે કૅપ્સિપમ અને પ્રોટીન-વિટામિનથી ભરેલાં રાજગરાનાં ફરાળી પરાઠાં.
-રેખા સીતાપરા