‍શુક્ર, શનિ અને રવિવારે શું ખાવાનું ચૂકવું નહીં

30 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમથી ગુરુવારના દિવસોમાં શું ખાવું એ વિશે આપણે ગયા રવિવારે વાત કરી, હવે વાત કરવાની છે બાકીના ત્રણ દિવસોની

પ્રતીકાત્મક તસવીર

‍વાર મુજબ અમુક ખોરાક ખાવાથી ગ્રહોને લાભ થતો હોય છે એ વિશે ચર્ચા ચાલતી હતી. એમાં આપણે સોમથી ગુરુવારના દિવસોમાં વારદીઠ શું ખાવાનું ચૂકવું નહીં એ વિશે વાત કરી. હવે વાત કરવાની છે બાકી રહેલા ત્રણ દિવસની. એમાં સૌથી પહેલાં આવે છે શુક્રવાર. શુક્ર ગ્રહ લક્ઝરી, ઐશ્વર્ય અને પ્રસિદ્ધિનો ગ્રહ છે અને શુક્રવાર આ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

શુક્રવારે શું ખાશો?

શુક્રવારના દિવસે દૂધ લેવાનું અચૂક રાખો, પણ જો નિય​મિત દર શુક્રવારે ખીર ખાવામાં આવે તો એનું પરિણામ ઉમદા મળે. દૂધ શુક્ર ગ્રહનો આરાધ્ય-ખોરાક છે, જ્યારે ચોખા શુક્ર અને લક્ષ્મીજી બન્ને માટે અત્યંત મહત્ત્વના છે. આ જ કારણે શુક્રને ખુશ કરવા માટેના શ્રેષ્ઠ ખોરાક તરીકે ખીરને સ્થાન મળ્યું છે. શુક્રવારના દિવસે ખાવામાં આવતી અન્ય સફેદ કલરની વરાઇટી પણ ફળ આપનારી છે, પણ એક વાત યાદ રાખવી કે વાઇટ ફૂડને એ જ કલરના ફૉર્મમાં જ લેવું જોઈએ. દૂધમાં કેસર નાખીને કે પછી ફ્રૂટ-શેક બનાવીને પીવાથી એ જ કલર ઊભો થાય છે. એ જે ગ્રહનું પ્રતિનિધિત્વ કરતો હોય એ ગ્રહનું પરિણામ મળવાની સંભાવના રહે છે.

શુક્રવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી ખાટી આઇટમ કે આથાવાળી ચીજ ન ખાવી જોઈએ. ખાવાની જ વાતને આગળ વધારીએ તો ખાંડ, પનીર અને ઘી પણ શુક્ર ગ્રહને બળવાન બનાવવાનું કામ કરે છે.

શુક્રવારે સ્ટ્રૉબેરી ખાવી જોઈએ. સ્ટ્રૉબેરી લાલ કલરની છે, પણ આ એકમાત્ર ફ્રૂટ એવું છે જે લાલ હોવા છતાં સૂર્યને નહીં, શુક્રને બળવાન કરવાનું કામ કરે છે. આ ઉપરાંત આદુંનું સેવન કરવું એ શુક્રના લાભમાં છે.

શનિવારે શું ખાવું જોઈએ?

આજે પણ જો તમે નાના શહેર કે ગામડામાં જશો તો તમને શનિવારની રાતે બાજરાના રોટલા અને અડદની દાળનું ભોજન જોવા મળશે. શનિ ગ્રહને અડદ અત્યંત પ્રિય છે તો બાજરો પણ તેમને ખૂબ વહાલો છે. આ ઉપરાંત શનિવારના દિવસે કાળા તલનું પણ સેવન કરવું જોઈએ. જો આ દિવસનું ભોજન કાળા તલના તેલમાંથી બનાવવામાં આવે તો અતિ ઉત્તમ. આ ઉપરાંત ગોળનું સેવન પણ શનિ ગ્રહને મજબૂત બનાવવાનું કામ કરે છે, પણ યાદ રહે કે શક્ય હોય તો દેશી ગોળ જ ખાવો. સ્વાસ્થ્ય માટે પણ એ લાભદાયી છે અને શનિ ગ્રહને પણ એ જ ગોળ પસંદ છે.

કાળા તલનું તેલ ન વાપરી શકાય તો રસોઈમાં સરસવનું તેલ પણ ઉત્તમ છે. પંજાબમાં સરસવનું વાવેતર થયું હોય એવા મોટા ભાગનાં ખેતરોમાં શનિદેવનું સ્થાપન કરવામાં આવે છે. ત્યાં લોકવાયકા છે કે સરસવનું ધ્યાન રાખવાનું કામ શનિદેવ કરશે.

મીઠાઈના શોખીનો આજના દિવસે કાલા જામુન ખાઈને શનિ ગ્રહને બળવાન કરી શકે છે તો સાથોસાથ ફ્રૂટ્સમાં કાળા જાંબુ કે કાળી દ્રાક્ષ પણ ખાવામાં આવે તો એનું પરિણામ પણ ખૂબ સારું મળે છે.

રવિવારે શું ખાવું જોઈએ?

રવિ એટલે સૂર્ય અને રવિવાર એટલે સૂર્યનો દિવસ. રવિવારના દિવસે સવારમાં ગુજરાતીઓ ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરે છે, પણ એને બદલે જો સવારમાં ઘઉંનું ચૂરમું અને એ પણ ગોળ નાખીને ખાવામાં આવે તો સૂર્ય જબરદસ્ત પ્રબળ બને. હા, સૂર્ય ગ્રહને ઘઉં અને ગોળ અત્યંત પ્રિય છે. જે લીડ કરવા માગતા હોય તેમણે રવિવારના દિવસે અચૂક ગોળપાપડી ખાવાનો નિયમ રાખવો જોઈએ. ઘઉં અને ગોળ ઉપરાંત સૂર્ય ગ્રહને કેસર પણ પસંદ છે એટલે રવિવારે કેસરવાળી ચા પીવાનો નિયમ રાખવો જોઈએ.

અત્યારે તો કેરીની સીઝન છે એટલે કેરી સરળતાથી મળી રહે, પણ જો સૂર્યને ખુશ કરવો હોય તો બારેમાસ રવિવારના દિવસે કેરી ખાવી જોઈએ. સીઝનમાં પાકી કેરી ખાવાનું રાખો અને ઑફ-સીઝનના રવિવારના દિવસે કેરીનું અથાણું ખાઈને સૂર્ય ગ્રહને કેરીનો આસ્વાદ પહોંચાડવો જોઈએ. રવિવારે દિવસ દરમ્યાન જો આખો દિવસ એલચી મોઢામાં રાખવામાં આવે તો એનું પરિણામ પણ અદ્ભુત મળી શકે છે. એલચી અને સૂર્ય ગ્રહને સીધો સંબંધ છે અને આ જ કારણે શાસ્ત્રોમાં કહ્યું છે કે અગત્યની મીટિંગ પહેલાં એલચી અચૂક ખાવી, જેથી એ મીટિંગમાં તમારો હાથ અને સૂર ઉપર રહે.

જો તમે ફ્રૂટ્સ ખાવાના શોખીન હો તો તમારે રવિવારના દિવસે અચૂક નારિયેળ પીવું જોઈએ, કારણ કે નારિયેળ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે યાદ રહે કે નારિયેળમાંથી જે મલાઈ નીકળે છે એ મલાઈ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે એટલે રવિવારે મલાઈ ખાવાનું ટાળવું અને માત્ર પાણીવાળું નારિયેળ જ પીવું.

food news indian food mumbai food life and style columnists gujarati mid day mumbai horoscope astrology diet ayurveda