29 January, 2025 07:24 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
લાંબી આવરદા માટે જાણીતા જૅપનીઝ લોકોમાં પેટની ચરબી ઘટાડવા માટે જિન્જેરોલ નામનું ડ્રિન્ક બહુ ફેમસ છે. સ્થાનિક લોકોમાં સીક્રેટ વૉટર તરીકે જાણીતું આ પીણું હવે વેઇટલૉસ માટે દુનિયાભરમાં ફેમસ થઈ રહ્યું છે. સરળતાથી ઉપલબ્ધ અને બે-ત્રણ ચીજોથી બની જતું આ પીણું પાચન સુધારવાની સાથે ચમકીલી ત્વચા આપે છે
સામાન્ય રીતે જપાનમાં લોકો સ્વસ્થ અને લાંબું જીવન જીવે છે. આ દેશમાં ઓબેસિટી રેટ પણ ઓછો છે. આનું કારણ તેમની ડાયટ, ફિઝિકલ ઍક્ટિવિટી અને વેલનેસ પ્રૅક્ટિસિસ છે. એવામાં ઇન્ટરનેટ પર જૅપનીઝ સીક્રેટ વૉટરની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાવવામાં એકદમ સરળ અને સરળતાથી ઉપલબ્ધ બે-ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતા આ ડ્રિન્કના અઢળક ફાયદાઓ છે. આ જૅપનીઝ ડ્રિન્ક પેટની ચરબી ઘટાડવાથી લઈને વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં તેમ જ સ્કિનને ગ્લોઇંગ બનાવવામાં મદદરૂપ બને છે. આ ડ્રિન્કના અનેક સ્વાસ્થ્ય લાભોને લઈને જપાનમાં લોકો એ પીવાનું પસંદ કરે છે, પણ હવે બીજા દેશોના લોકો પણ એનું અનુસરણ કરવા લાગ્યા છે. તો ચાલો આજે આપણે પણ ભાયખલામાં ઝીલ વેલનેસ નામથી પોતાનું ક્લિનિક ચલાવતાં ડાયટિશ્યન અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા પાસેથી જાણી લઈએ કે આ ડ્રિન્ક પીવાથી કયા હેલ્થ બેનિફિટ્સ થાય. આ ડ્રિન્કને ઘરે કઈ રીતે બનાવાય? દિવસમાં કયા સમયે એનું સેવન કરવું જોઈએ?
શું છે જૅપનીઝ સીક્રેટ વૉટર?
આ ડ્રિન્કનું નામ સાંભળવામાં જેટલું નવું લાગે છે એમાં ઉપયોગમાં લેવામાં આવતાં ઇન્ગ્રીડિયન્ટ્સ એટલાં જ જૂનાં છે. જૅપનીઝ ડ્રિન્કનાં બે મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ આદું અને લીંબુ છે. સોશ્યલ મીડિયા પર આ ડ્રિન્કની બોલબાલા ભલે અત્યારે વધી હોય, પણ આદું અને લીંબુનો ઉપયોગ ભારત સહિત અનેક દેશોમાં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં વર્ષોથી થતો આવ્યો છે. આદુંની વાત કરીએ તો સામાન્ય રીતે અપચો, ઊબકાની સમસ્યામાંથી રાહત મેળવવા તેમ જ શરદી અને ઉધરસ થયાં હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. આદુંમાં મેઇન કમ્પાઉન્ડ જિંજેરોલ છે. એવી જ રીતે લીંબુની વાત કરીએ તો એ વિટામિન Cનો શ્રેષ્ઠ સ્રોત છે. લીંબુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં, વજન ઘટાડવામાં, ત્વચા-વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જપાનના લોકો સારા સ્વાસ્થ્ય માટે વર્ષોથી આદું-લીંબુવાળું પાણી પીએ છે. અલબત્ત, ભારતમાં પણ ઘણા લોકો પેટ સાફ આવે એ માટે સવારે ઊઠીને ખાલી પેટે સૌથી પહેલાં ગરમ પાણી પીએ છે. એવી જ રીતે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય એ લોકો ગરમ હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને પીતા હોય છે.
આ છે ફાયદા જ ફાયદા
વજન ઘટાડે : આદું મેટાબોલિઝમ (ચયાપચય)ને વધારવાનું કામ કરે છે. મેટાબોલિઝ્મ ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આપણું શરીર જેટલી કૅલરી લીધી હોય એનાથી વધુ વાપરે ત્યારે વજન ઊતરે છે. એટલે જેમનું મેટાબોલિઝ્મ ધીમું હોય તેમને વજન ઉતારવામાં તકલીફ પડે છે. એ સિવાય આદું સટાઇટી લેવલ વધારે છે એટલે કે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, પરિણામે વારંવાર જે-તે ખાવાની ઇચ્છા થતી નથી અને કૅલરી ઇન્ટેક કન્ટ્રોલમાં રહે છે. એવી જ રીતે લીંબુમાં વિટામિન C ભરપૂર, કૅલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબરને કારણે પેટ ભરેલું રહે છે અને વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી. જૅપનીઝ ડ્રિન્કમાં વજન ઘટાડવામાં મદદરૂપ બને એવાં બન્ને ઇન્ગ્રીડિયન્ટ્સ છે. જોકે અહીં એ વસ્તુનું ધ્યાન રાખવું કે ફક્ત આ ડ્રિન્ક પીવાથી વજન નહીં ઘટે. આની સાથે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે.
પાચન સુધારે : આપણું પાચનતંત્ર વ્યવસ્થિત રીતે કામ કરતું હોય તો શરીર સ્વસ્થ રહે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ પાચનતંત્ર પચાવીને શરીરને એનર્જી પૂરી પાડે છે. એટલે જો પાચનતંત્ર ખરાબ થયું તો શરીરમાં અનેક બીમારી થાય છે. લીંબું અને આદું આ બે એવાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેને સવારે ખાલી પેટે પીવાથી પાચન સુધારવામાં મદદ કરે છે. એ સાથે ગૅસની સમસ્યા હોય, મળ પસાર કરવામાં સમસ્યા થતી હોય, ઊબકા આવતા હોય તો એ બધી સમસ્યામાંથી પણ રાહત આપે છે.
બ્લડ-સર્ક્યુલેશન સુધારે : આદુંમાં રહેલી ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટીઝ રક્તવાહિનીઓનું ઇન્ફ્લેમેશન ઘટાડીને લોહીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ બને છે. આદુંમાં લોહી પાતળું કરવાના ગુણો હોય છે. ઠંડીમાં આદુંનું સેવન કરવાથી લોહીના થક્કા જામતા નથી અને લોહી પાતળું થાય છે. એવી જ રીતે લીંબુમાં વિટામિન C અને ફ્લેવનૉઇડ્સ હાઈ હોય છે જે ધમનીઓમાં ઇન્ફ્લમેશન ઘટાડવામાં, બ્લડપ્રેશર ઘટાડવામાં, રકતનો પ્રવાહ સરળ બનાવવામાં મદદરૂપ બને છે.
ઇમ્યુનિટી વધારે : આદુંમાં રહેલાં આયર્ન, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, વિટામિન B6, વિટામિન C જેવાં વિટામિન્સ અને મિનરલ્સ તેમ જ એમાં રહેલાં સ્ટ્રૉન્ગ ઍન્ટિ-ઑક્સિડન્ટ ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. આદુંમાં ઍન્ટિવાઇરલ અને ઍન્ટિબૅક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરને બૅક્ટેરિયા અને વાઇરસથી બચાવે છે. આદુંનું સેવન શરદી અને ઉધરસથી રાહત મળે છે. ગળામાં બળતરા કે દુખાવો થતો હોય તો પણ આદું ખાવાથી મટી જાય છે.
બૉડી ડીટૉક્સિફિકેશન : દિવસની શરૂઆત આ સીક્રેટ વૉટર જેવા ડીટૉક્સ વૉટરથી કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર ડીટૉક્સ વૉટરના સેવનથી શરીરમાં એકઠાં થયેલાં ઝેરી અને હાનિકારક તત્ત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે પરિણામે કિડની, લિવર, આંતરડાં જેવાં શરીરનાં અંગોની કામગીરી ઝડપી બને છે.
સ્કિન ગ્લોઇંગ બને : આ ડ્રિન્ક નિયમિત પીવાથી લોહી શુદ્ધ થાય છે, પરિણામે ત્વચા ચમકદાર બને છે. આદુંની ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ સ્કિનને ડૅમેજ કરતાં ફ્રી રૅડિકલ્સ સામે તો લડે જ છે, પણ સાથે ડાઘ-ધબ્બા દૂર કરે છે. એવી જ રીતે લીંબુનો સૌથી વધુ ઉપયોગ ત્વચાને નિખારવા માટે થાય છે.
આ રીતે બનાવો ડ્રિન્ક
ઘરે જૅપનીઝ ડ્રિન્ક બનાવવાનું ખૂબ સરળ છે. એ માટે ફક્ત બે જ વસ્તુ જોઈએ, આદું અને લીંબુ. આ બન્ને વસ્તુ આપણા કિચનમાં પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે. એ બનાવવામાં પણ વધુ સમય વેડફાતો નથી. સૌથી પહેલાં દોઢ કપ જેટલું પાણી લઈને એને ઊકળવા મૂકો. આ પાણીમાં એક ઇંચ જેટલું આદું લો. એના ઝીણા-ઝીણા કટકા કરીને પાણીમાં નાખો. પાણીમાં આદું નાખ્યા બાદ એને ઓછામાં ઓછું પાંચથી છ મિનિટ સુધી ઊકળવા દો. પાણી ઊકળી જાય એટલે એને થોડું ઠંડું થવા દો. પાણી હૂંફાળું થઈ જાય એ પછી એમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તમારું જૅપનીઝ ડ્રિન્ક બનીને રેડી થઈ જશે.
ડ્રિન્ક પીવાનો બેસ્ટ ટાઇમ
આમ તો દિવસના કોઈ પણ સમયે આ ડ્રિન્કને પીઓ તો ચાલે, કોઈ વાંધો આવતો નથી. જોકે એને વહેલી સવારે ખાલી પેટે પીવામાં આવે તો શરીરને એનો મહત્તમ ફાયદો મળે છે. સવારમાં ખાલી પેટે આ ડ્રિન્ક પી લેવામાં આવે તો એ દિવસની શરૂઆતથી જ પાચનને અને મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવાનું કામ શરૂ કરી દે.