04 May, 2025 06:49 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગરોડિયા
આજે મારે તમારી સાથે જે આઇટમની વાત કરવાની છે એ આઇટમ આપણે ત્યાં મુંબઈમાં ઑથેન્ટિક બહુ ઓછી જગ્યાએ મળે છે. હવે આપણે ત્યાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન મળતું થઈ ગયું છે પણ ઑથેન્ટિક પંજાબી ફૂડના હજી પણ વાંધા છે. પંજાબી ફૂડ બહુ મળે છે પણ હું વાત કરું છું ઑથેન્ટિક પંજાબી ફૂડની, પણ મારા જેવા ફૂડીઓને મજા પડી જાય અને ઑથેન્ટિક ટેસ્ટ મળી રહે એવી એક જગ્યા મને અનાયાસ જ મળી ગઈ.
બન્યું એવું કે હમણાં મારે ગોરગામ-ઈસ્ટમાં હબ મૉલ છે ત્યાં એક મીટિંગ હતી. મીટિંગ પતાવીને હું નીકળ્યો અને હબ મૉલની પાછળના એરિયામાંથી પસાર થતો હતો ત્યાં મારી નજર પડી એક જગ્યા પર, જેનું નામ હતું ઓયે પાજી. ત્યાં સ્ટૅન્ડિંગ ટેબલ હતાં અને એના પર ઘણા લોકો ખાતા હતા. નામ મને ક્યુરિયોસિટી બહુ કરાવે. આ નામમાં પણ મને રસ પડ્યો એટલે મને થયું કે ચાલો, આંટો મારી આવું.
હું તો ગયો ઓયે પાજીમાં. જઈને જોયું તો પંજાબી નાસ્તાઓની જગ્યા હતી. મેં તો ઑર્ડર કર્યો છોલે-ભટૂરેનો અને સાથે મગાવી એક શિકંજી. પહેલાં વાત કરીએ છોલે-ભટૂરેની તો અમુક જગ્યાએ પેલી પીટા બ્રેડ જેવી મોટી બ્રેડને ભટૂરે કહે છે તો અમુક જગ્યાએ પૂરીને ભટૂરે કહેવામાં આવે છે. અહીં ભટૂરા તરીકે મોટી પૂરી હતી. હવે શિકંજીનું કહું. ઘણાને એવું લાગે છે કે આપણું લીંબુ શરબત અને શિકંજી બન્ને એક જ, પણ ના, એવું નથી. આ જે શિકંજી છે એમાં લીંબુનો રસ, ઠંડું પાણી, બહુ બધા બરફના ટુકડા અને સાથે સાકર, બ્લૅક સૉલ્ટ, શેકેલા જીરુંનો જરા અમસ્તો ભૂકો અને ફુદીનાનાં આખાં પાન નાખ્યાં હોય છે. થોડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં શિકંજીવાળાનો રીતસરનો રાફડો ફાટ્યો હતો. જ્યાં જુઓ ત્યાં શિકંજીવાળા ઊભા હોય પણ એ લોકો સૅકરીનનો ભરપૂર ઉપયોગ કરતા હોવાથી સૌથી પહેલાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને એના પર બૅન મૂકી દીધો, પણ જો આઇટમ શુદ્ધ વાપરવામાં આવતી હોય તો આ શિકંજી ઉનાળાની ગરમીનો રામબાણ ઇલાજ છે.
ઓયે પાજીમાં મેં જે શિકંજી પીધી એ અદ્ભુત હતી. સ્વાદમાં પણ અને ગુણવત્તામાં પણ. એવું જ છોલે-ભટૂરેનું હતું. સામાન્ય રીતે દરેક જગ્યાએ બે ભટૂરા આપવામાં આવે પણ અહીં સૌથી સારી વાત એ છે કે તમને છોલેની સાથે એક ભટૂરા જોઈતો હોય તો પણ મળે. મેં પણ એક જ ભટૂરા મગાવ્યો. આવું કરવાનાં બે કારણ. જો મજા આવે તો અહીં મળતી બીજી વરાઇટી ટ્રાય કરી શકું ને જો મજા ન આવે તો વાત ટૂંકમાં પતી જાય, પણ સાહેબ, છોલે-ભટૂરે એકદમ અદ્ભુત હતાં. ખાવાની મજા આવી ગઈ. એવો ટેસ્ટ જાણે કે દિલ્હીમાં જ તમે ખાઓ છો. છોલે કાળા કલરના હતા. આજકાલ ઘણા લોકો છોલેને કાળા કરવા માટે આખી રાત કૉફીના પાણીમાં પલાળી રાખે. તમને થાય કે કૉફીમાં પલાળેલા છોલેમાંથી કૉફીની વાસ ન આવે? ના, ન આવે, જો એને ત્યાર પછી બાફવામાં આવતા હોય તો અને છોલેને બાફવા જ પડે છે. આ કૉફીના પાણીમાં પલાળેલા છોલેના ટેસ્ટમાં ફરક હોય છે, જે નિયમિત ઑથેન્ટિક પંજાબી ફૂડ ખાય છે તેમને ખબર પણ પડી જાય કે આ છોલેને કઈ રીતે કાળા કરવામાં આવ્યા છે.
છોલે પછી મેં મગાવ્યા સમોસા. આ જે સમોસા હતા એનું નામ હતું ઓયે પાજી સમોસા. નામ પરથી મને અચરજ થયું એટલે મેં પછી મગાવ્યા એ સમોસા અને એ સમોસા ખરેખર નવાઈ લાગે એવા હતા. લંબચોરસ પફ જેવા આકારના એ સમોસામાં અંદર મસાલો સમોસાનો જ હતો, પણ એની ક્રન્ચીનેસ પફ જેવી જોરદાર હતી. બીજી વાત, એ પફ જેવા લંબચોરસ જ નહીં, એની આજુબાજુ બહુ બધી પાંખડીઓ હતી. ટેસ્ટમાં મજા આવી ગઈ એટલે મેં નજર કરી અન્ય આઇટમો પર. અહીં પાણીપૂરી નથી મળતી પણ ગોલગપ્પા મળે છે. અહીં દહીંવડાં નહીં પણ દહીભલ્લા મળે છે. જો નૉર્થની આઇટમ ટેસ્ટ કરવી હોય અને ઑથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય તો સાહેબ, ઓયે પાજીમાં અચૂક જવું જોઈએ. મજા આવશે.