09 August, 2025 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોટલીના ચીઝી સમોસા
સામગ્રી : રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ એક બાઉલ, પનીર ૧૦૦ ગ્રામ, કૅપ્સિકમ એક નંગ, કાંદો એક નંગ, ગાજર એક નંગ, ચીઝ પ્રોસેસ્ડ તેમ જ સ્લાઇસ, મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ઑરેગાનો, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર, તેલ કે બટર સમોસા શેકવા માટે.
રીત : સૌથી પહેલાં લોટમાં મીઠું-મરી નાખીને લોટ બાંધી લેવાનો. દસ મિનિટ રહેવા દઈને પછી રોટલી વણીને રાખી દો જેથી બનાવવામાં ટાઇમ ઓછો જાય.
સ્ટફિંગ : પનીરને એક મિક્સિંગ બાઉલમાં ખમણી લો. એમાં ચીઝ પણ ખમણી લો. બારીક કાપેલા કાંદા, કૅપ્સિકમ, કોથમીર નાખી દો. ત્યાર બાદ મીઠું, મરી, ચિલી ફ્લેક્સ, ઑરેગાનો નાખીને મિશ્રણ બરાબર મિક્સ કરી લો. હવે એક રોટલી લઈ વચ્ચેથી એક કટ આપી ટ્રાયેન્ગલ સમોસા-પરાઠાની જેમ કટની સામેની સાઇડમાં પૂરણ ભરીને રોટલીનો એક છેડો લઈ સામેની સાઇડ પર કવર કરો. પૂરણની ઉપર એક ચીઝ સ્લાઇસનો ટુકડો મૂકો. એક સ્લાઇસના છ ટુકડા કરવાના. પછી સામેની સાઇડ પર પૂરણની ઉપર સ્લાઇસ મૂકી રોટલીના ચોથા છેડાથી કવર કરી સમોસા જેવો શેપ આપી ઘી કે તેલમાં ક્રિસ્પી શેકીને ચીઝથી ગાર્નિશ કરો અને સર્વ કરો.