26 February, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આયર્નના વાસણમાં રાંધવાથી ખોરાકમાં પણ લોહતત્ત્વ ઉમેરાય છે અને એનાથી લોહીમાં હીમોગ્લોબિનની કમી હોય તો એ પુરાય છે. ભારતમાં મહિલાઓ અને બાળકોમાં હીમોગ્લોબિનની કમી ખૂબ વધુ છે ત્યારે આ ઉપાય ઘણો સારો છે, પરંતુ લોઢાના વાસણમાં શું રાંધવું અને શું નહીં એ સમજી લેવું બહુ જરૂરી છે
લોખંડની કડાઈમાં રાંધેલા ખોરાકમાં એક ટિપિકલ ફ્લેવર ઉમેરાય છે જે ફૂડને ટેસ્ટી તો બનાવે જ છે, પણ સાથે એ સ્વાસ્થ્યપ્રદ પણ બને છે. પહેલાંના સમયમાં પૂરી તળવા માટે કે રોટલી બનાવવા માટે લોખંડની જ કડાઈ કે તવીનો ઉપયોગ થતો આવ્યો હતો. હવે નૉન-સ્ટિક વાસણોના જમાનામાં ફૂડ દેખાવમાં સારું બને છે, પણ એનાં ગુણતત્ત્વો ઘટી જાય છે.
લોઢામાં ખોરાક રાંધવાનો હોય તો એમાં તમે શું બનાવી રહ્યા છો અને વાનગીમાં શું વપરાઈ રહ્યું છે એ સમજવું મહત્ત્વનું છે. નહીંતર એનાથી ખોરાકનો સ્વાદ અને રંગ બન્ને બગડી જઈ શકે છે એટલું જ નહીં, લોખંડના વાસણમાંથી વધુ માત્રામાં આયર્ન ફૂડમાં જતાં ખોરાક અનહેલ્ધી બની જાય છે.
ટમેટાં, લીંબુ કે આમલીવાળી ચીજો ન પકાવવી
જે શાકની ગ્રેવીમાં ટમેટાં વપરાવાનાં હોય એ માટે લોઢાની કડાઈ ન વપરાય. ટમેટાંનો નેચર ઍસિડિક હોય છે એટલે એ લોખંડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ખોરાકમાં મૅટલિક ગંધ આવી જાય છે. આ સ્વાદ અને સેહત બન્ને માટે ખરાબ છે. લોખંડના વાસણમાં લીંબુ નાખવાથી ફૂડમાં કડવાશ આવી જઈ શકે છે.
પાલક, તાંદળજો, કેલ જેવી લીલી ભાજી
લોઢાના પૅનમાં એવી લીલોતરી ન પકાવવી જોઈએ જેમાં ઑક્ઝેલિક ઍસિડ હાજર હોય. પાલકમાં એ વિપુલ માત્રામાં હોય છે. પાલકને લોઢાની કડાઈમાં રાંધવાથી એમાંથી ઑક્ઝલેટ છૂટું પડે છે અને આયર્ન સાથે કેમિકલ પ્રક્રિયા કરે છે. લોઢામાં પાલક તરત જ કાળી પડી જશે અને એવી પાલક વારંવાર ખાવાથી કિડનીમાં ચોક્કસ પ્રકારની પથરી થવાનું જોખમ પણ વધી જાય છે.
લોખંડમાં બીટ ન રાંધવું
લોઢાની કડાઈમાં મિક્સ વેજિટેબલ બનાવતા હો તો એમાં ક્યારેય બીટ ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીટમાં પણ જે આયર્ન છે એ ગરમ લોઢાની કડાઈ સાથે પ્રક્રિયા કરે છે એને કારણે ફ્લેવર અને રંગ બન્ને બદલાઈ જાય છે.
આટલું જરૂર ધ્યાન રાખજો
કોઈ પણ ફૂડ લોખંડના પૅનમાં બનાવ્યા પછી એને એમાં રાખી ન મૂકો. જેવું ફૂડ રંધાઈ જાય એટલે એને તરત બીજા વાસણમાં કાઢી લો. એનાથી ખોરાકનો રંગ બગડશે નહીં.
આયર્નની કમીને કારણે હીમોગ્લોબિન ઓછું રહેતું હોય તો લોખંડના પૅનમાં શાક બનાવવાનો પ્રયોગ લગભગ ૧૦ વીક માટે કરી જોવો.
લોખંડનાં વાસણ પર બહુ જલદી કાટ લાગી જાય છે અને કાટ લાગેલું વાસણ રાંધવાના ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે લોઢાનાં વાસણોને પાણીથી ધોઈને બરાબર કોરાં કરી લેવાં. હવા કે મૉઇશ્ચરના સંપર્કમાં ન આવે એ માટે વાસણને કાગળ અથવા તો મલમલના કપડામાં વીંટીને રાખવાં.