12 July, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રિરંગા પનીર રાઇસ (જૈન)
સામગ્રી : રાઇસ માટે : ૧ બાઉલ મીઠું નાખી રાંધેલા રાઇસ, ૧ ઝૂડી પાલક બ્લાન્ચ કરીને પ્યુરી, ૧ ચમચી નૂડલ્સ મસાલો, ૧ ચમચી બટર
ગ્રેવી માટે : ૨ ચમચી બટર, ૨ એલચી, ૪ લવિંગ, ૪ મરી, તજ ટુકડો, કટ કૅપ્સિકમ ૧, બાફેલા વટાણા અને મકાઈ નાની વાટકી, ૨૦૦ ગ્રામ પનીર, કાશ્મીરી ૪ મરચાં નવશેકા પાણીમાં પલાળીને પેસ્ટ, ૧ કપ દૂધ, ૧ સ્લાઇસ ચીઝ, જરૂર પ્રમાણે મીઠું, કટ કોથમીર
સજાવટ માટે: છીણેલું પનીર, ચિલી ફ્લેક્સ, ઑરગૅનો, કાજુ
રીત : સૌપ્રથમ ૧ ચમચી બટર ગરમ થાય એટલે બ્લાન્ચ પાલકની પ્યુરી નાખી થોડું સાંતળો. નૂડલ્સ મસાલો નાખો. રાઇસ મિક્સ કરી સાઇડમાં રાખી દો. હવે ફરીથી બે ચમચી બટર લો. ગરમ થાય એટલે ખડા મસાલા નાખી કૅપ્સિકમ, મકાઈ અને વટાણા નાખી થોડું સાંતળો. જરૂર મુજબ મીઠું મિક્સ કરો. પછી પનીર-મરચાંની પેસ્ટ મિક્સ કરો. દૂધ નાખો અને ૧ કયુબ ચીઝ મિક્સ કરી હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરી કોથમીર મિક્સ કરો. હવે સર્વિંગ બાઉલમાં એક બાજુ પાલક રાઇસ અને બીજી બાજુ પનીર ગ્રેવી મૂકો. વચ્ચે પનીર ખમણીને સજાવો. ગ્રેવી પર ચિલી ફ્લેક્સ અને ઑરગૅનો ભભરાવો. રાઇસ પર કાજુથી સજાવો.
આપણા જૈન ત્રિરંગા રાઇસ રેડી છે.
કિચન ટિપ્સ
હિંગની શુદ્ધતા કઈ રીતે ચકાસશો?
રસોઈમાં સ્વાદને વધારતી અને પાચનતંત્રને સુધારતી હિંગ ઘણી વાર ભેળસેળવાળી હોય છે. એની શુદ્ધતાને તપાસવા એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડી હિંગ નાખીને મિક્સ કરો. જો હિંગ શુદ્ધ હશે તો સહેલાઈથી મિક્સ થઈ જશે અને સુગંધ આવશે અને ભેળસેળવાળી હશે તો એ પાણીથી છૂટી જ રહેશે.
હિંગની શુદ્ધતાની ચકાસણી બીજી પદ્ધતિથી પણ કરી શકાય. એક ચપટી હિંગને ડિશમાં રાખીને માચીસથી એને બાળો. જો શુદ્ધ હિંગ હશે તો એ બળી જશે અને તીવ્ર સુગંધ આવશે અને જો ભેળસેળવાળી હશે તો એ જલદીથી બળશે નહીં.
ભેળસેળથી બચવા માટે હિંગ પાઉડર કરતાં એના કાચા ગોળા લેવા સારો વિકલ્પ છે. એમાં ભેળસેળની શક્યતા નહીંવત્ હોય છે.