08 November, 2025 10:24 AM IST | Mumbai | Darshini Vashi
અહીં મળે છે ઓન્લી ઍન્ડ ઓન્લી જૈન ફૂડ
નૉર્મલ રેસ્ટોરાંમાં જઈએ ત્યાં ઘણી ફૂડ-આઇટમ્સ જૈન ઑપ્શન સાથે મળી રહે છે તો કેટલીક રેસ્ટોરાંમાં અલગ જૈન મેનુ હોય છે, પણ માત્ર ને માત્ર જૈન મેનુ સાથેની રેસ્ટોરાં કેટલી હશે? કદાચ બહુ જૂજ. મલાડ જેવા કૉસ્મો વિસ્તારમાં માત્ર જૈન ફૂડ પીરસતી રેસ્ટોરાં શરૂ કરવી એક ચૅલેન્જ સમાન છે. એમ છતાં એવી રેસ્ટોરાં શરૂ કરવાની ચૅલેન્જ સ્વીકારીને એમાં પાછા સફળ પણ થવું ખરેખર એક સકસેક્સફુલ સ્ટોરી જ કહી શકાય છે.
મલાડ-ઈસ્ટમાં આવેલી ખાઉગલીની અંદર વધુ એક ખાઉગલી આવેલી છે જે એક રેસ્ટોરાં છે. થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવેલી ખાઉગલી રેસ્ટોરાંમાં માત્ર ને માત્ર જૈન ફૂડ જ પીરસવામાં આવે છે. તેમની રેસ્ટોરાંથી લઈને મેનુ કાર્ડ સુધી દરેક પર લખવામાં આવેલું છે કે અહીં માત્ર સાત્ત્વિક ફૂડ મળશે જેમાં કાંદા અને લસણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આવો થોડો યુનિક કહી શકાય એવો આઇડિયા ક્યાંથી આવ્યો એ વિશે જણાવતાં ખાઉગલી રેસ્ટોરાંના ઓનર પાર્થ શાહ કહે છે, ‘મને ખબર છે કે પ્રૉપર અને પ્યૉર જૈન ફૂડ ખાવા માટે ઘણી વખત ઘણું ફરવું પડતું હોય છે. ઘણી વખત એક જ વાસણમાં જૈન અને નૉન-જૈન ફૂડ બનતું મેં અન્ય જગ્યાએ જોયું છે. હું ઑલરેડી રેસ્ટોરાંના બિઝનેસની સાથે સંકળાયેલો છું એટલે મને વિચાર આવ્યો કે કેમ નહીં હું જ એક સાહસ કરું જ્યાં માત્ર ને માત્ર જૈન વસ્તુઓ જ બને. થોડું રિસ્કી હતું, કેમ કે તમારા કસ્ટમર્સ લિમિટેડ થઈ જાય. છતાં મેં હિંમત કરી અને ટચ વુડ હું સફળ રહ્યો છું.’
હવે અહીંના મેનુની વાત કરીએ તો અહીં દરેક ડિશ મળે છે જે અન્ય રેસ્ટોરાંમાં છે, પણ ફરક એટલો છે કે અહીં કાંદા-લસણ વપરાતાં નથી. વિવિધ સૂપ, સ્ટાર્ટર, અનગાર્લિક બ્રેડ, બર્ગર, બ્રુશેટા, પીત્ઝા, નાચોસ, પાણીપૂરી, પાંઉભાજી, ચાઇનીઝ, અલગ-અલગ ડિઝર્ટ અને જૂસ અહીં મળે છે. આ રેસ્ટોરાં સવારે ૧૧ વાગ્યાથી લઈને રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
ક્યાં મળશે? : ખાઉગલી, રામલીલા મેદાનની બાજુમાં, ગૌશાળા લેન, ખાઉ ગલી, મલાડ-ઈસ્ટ