22 February, 2025 03:37 PM IST | Mumbai | Darshini Vashi
કૅટ કૅફે સ્ટુડિયો
બિલાડીઓ માટે પણ કોઈ આટલું વિચારી શકે છે? એવો પ્રશ્ન તમને વર્સોવામાં આવેલા કૅટ કૅફે સ્ટુડિયોમાં આવીને ચોક્કસ થશે. રસ્તે રઝળતી, ત્યજી દીધેલી અને જખમી બિલાડીઓને માથે છત, રમવા માટે મોટી જગ્યા અને કૅર કરનારા લોકોની વચ્ચે લાવીને આ કૅફેએ મુંબઈમાં જ નહીં, દેશભરમાં પેટ કૅરની એક નવી પરિભાષા આપી છે એટલું જ નહીં, આ બિલાડીઓને દત્તક લેવા માટે યોગ્ય ઓનર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેઓ એને કેફૅમાં જ પ્રૉપર કૅર હેઠળ રાખે છે. હવે વિચાર આવે કે આ જગ્યાના નામમાં કૅફે કેમ આવે છે? તો એનો જવાબ એ છે કે અહીં કૅફે પણ છે જેમાં સ્નૅક્સ, કૉફી, કોલ્ડ ડ્રિન્ક્સ વગેરે મળે છે જેની મજા લેતાં-લેતાં પેટ-લવર્સ આ બિલાડીઓને પંપાળી અને રમાડી શકે છે.
હવે આ કૅફેની વાત કરીએ તો ૨૦૧૫ની સાલમાં કૅટ કૅફે સ્ટુડિયો ખોલવામાં આવ્યો હતો. આ કૅફે સારીએવી સ્પેશિયસ છે જેમાં સરેરાશ ૩૦ જેટલી રેસ્ક્યુ કરેલી બિલાડીઓ હોય છે. બિલાડીઓના આંકડા રોજ બદલાતા રહે છે. આ કૅફેમાં આવવા પહેલાં કેટલાક રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન્સ ફૉલો કરવાના હોય છે જેની માહિતી કૅફેના એન્ટ્રન્સ પર જ આપેલી છે. કૅફેમાં ઇન્ડોર અને આઉટડોર એમ બન્ને રીતે સિટિંગ છે. કૅફેના મેઇન ગેટમાં પ્રવેશતાંની સાથે તમને ટેબલથી લઈને જમીન પર સૂતેલી, એકબીજા સાથે મસ્તી કરતી, બૉલ સાથે રમતી જાતજાતની બિલાડીઓ જોવા મળશે. જો તમને માત્ર ને માત્ર બિલાડીઓની સાથે ટાઇમ સ્પેન્ડ કરવો હોય તો એ માટે અહીં એક એરિયા ફાળવવામાં આવેલો છે જેમાં કલાકના ૨૫૦ રૂપિયા આપીને મન ભરીને બિલાડીઓ સાથે રમી શકાય છે.
ચીઝ ચિલી ટોસ્ટ
ચીઝી ફ્રાઈસ
કોલ્ડ કૉફી
આમ જોવા જઈએ તો કૅફે એક પ્રકારની બિલાડીઓ માટેની બચાવ-કામગીરી ચલાવે છે. કૅફેમાંની તમામ બિલાડીઓને TFF નામક એક NGO દ્વારા બચાવવામાં આવી છે અને એનું અહીં પુનર્વસન કરવામાં આવ્યું છે. મેનુમાંથી ખરીદેલી કોઈ પણ આઇટમમાંથી થતી આવકનો અમુક હિસ્સો કૅફે બિલાડીઓની સંભાળ પાછળ ખર્ચે છે. અહીં મેનુમાં આમ તો ઘણી વસ્તુઓ છે પણ કોલ્ડ કૉફી સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે. આ ઉપરાંત પીત્ઝા, ફ્રેન્ચ ફ્રાઇસ, પાસ્તા, ગાર્લિક બ્રેડ ઘણાને પસંદ પડે છે.
ક્યાં છે? : કૅટ કૅફે સ્ટુડિયો, કમલા મહેતા કૉલેજની સામે, વર્સોવા, અંધેરી (વેસ્ટ)