26 October, 2024 09:46 AM IST | Mumbai | Darshini Vashi
ઑર્ગેનિક ઍન્ડ ઝીરો વેસ્ટ ન્યુડ ફૂડ કૅફે
કેટલાક લોકો માત્ર ‘ઇકો-ફ્રેન્ડ્લી ઇકો-ફ્રેન્ડ્લી’ એવી બૂમો પાડવાથી આગળ વધ્યા નથી ત્યાં અહીં ઇકો-ફ્રેન્ડ્લી થીમ પર એક આખેઆખી કૅફે ખોલી દેવામાં આવી છે, જ્યાં દરેકેદરેક વસ્તુ ઇકો-ફ્રેન્ડ્લી જ નહીં પણ ઝીરો વેસ્ટેજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. એટલું જ નહીં, ફૂડ અને પાણીમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવેલું છે. તો ચાલો, આ ઇન્ટરેસ્ટિંગ રેસ્ટોરાં વિશે થોડી વધુ માહિતી મેળવીએ.
ચોકોચિપ મફિન્સ
પ્રભાદેવી જેવા ક્રાઉડેડ વિસ્તારમાં લગભગ બે વર્ષ પહેલાં ન્યુડ ફૂડ કૅફે શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં મહત્તમ લોકો આ જગ્યાથી વાકેફ નથી. કદાચ એનું એક કારણ લોકોમાં હજી ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુને લઈને જાગૃતતાનો અભાવ હોઈ શકે છે. ખેર, આ કૅફેની વાત કરીએ તો એના પાયા શેફ સિદ્ધાર્થ અને શેફ અજિંક્યએ નાખેલા છે જેઓ છેલ્લાં દસ વર્ષથી ફૂડ ક્ષેત્રે સંકળાયેલા છે. આ વર્ષોમાં તેમણે જોયું કે દરેક ફૂડ-આઉટલેટમાં ખૂબ જ મોટી માત્રામાં રોજ ફૂડ વેસ્ટ થાય છે તો એનો કોઈ ઉપાય કરવો જોઈએ, એક એવું આઉટલેટ શરૂ કરવું જોઈએ જ્યાં ઝીરો વેસ્ટ થાય અને ઇકો-ફ્રેન્ડ્લી હોય. બસ, આ વિચાર સાથે તેમણે આ કૅફે શરૂ કરી હતી.
પાસ્તા
કૅફેની વાત કરીએ તો અહીં એક પિન પણ પ્લાસ્ટિકની વાપરવામાં આવી નથી. કપથી લઈને ડિશ, સ્ટ્રૉ બધું કાં તો કાગળનું હોય છે અથવા સ્ટીલનું હોય છે. કૅફેમાં વેસ્ટના બે ડબ્બા રાખવામાં આવેલા છે. એકમાં ડ્રાય વેસ્ટ અને બીજામાં વેટ વેસ્ટ. જે વસ્તુ રીસાઇકલ થઈ શકતી હોય એને રીસાઇક્લિંગ માટે આપી દેવામાં આવે છે અને જે વસ્તુ રીસાઇકલ નથી થઈ શકતી એને ખાતરમાં રૂપાંતર કરીને છોડવામાં નાખવામાં આવે છે. જે રેસ્ટોરાંમાં આવે છે તેમને પણ જેટલું જોઈતું હોય એટલો જ ઑર્ડર કરવા માટે વિનંતી કરવામાં આવે છે. પાણીનો ગ્લાસ પણ અહીં અડધો જ ભરીને આપવામાં આવે છે અને જો પાણી વધે તો એને પ્લાન્ટમાં નાખી દેવામાં આવે છે. વાત અહીંથી અટકતી નથી. કૅફેમાં જે પણ ફર્નિચર વાપરવામાં આવ્યું છે એ રીયુઝ કરવામાં આવ્યું છે. જેમ કે જૂના શોકેસ, દરવાજા વગેરે એકઠા કરીને એને નવા ફર્નિચરમાં ફેરવવામાં આવ્યું છે. બીજું, અહીં ફૂડ-ડિલિવરી પણ પ્લાસ્ટિક કે ઍલ્યુમિનિયમ ફૉઇલમાં નહીં પણ સ્ટીલના ડબ્બામાં કરવામાં આવે છે. જેઓ ફૂડનો ઑર્ડર કરે છે તેમણે આ સ્ટીલનો ડબ્બો ઘરના વાસણમાં ખાલીને કરીને તરત પાછો ફૂડ-ડિલિવરી બૉયને આપી દેવાનો હોય છે અને જ્યાં થર્ડ પાર્ટી થકી ફૂડ-ડિલિવરી થવાની હોય ત્યાં પેપર બૉક્સમાં ફૂડ આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે આજ સુધીમાં તેમણે ૧૨,૦૦૦ કિલો વેસ્ટ ફૂડને ખાતરમાં કન્વર્ટ કર્યું છે અને ૩૭૦૦ લિટર જેટલું પાણી બચાવ્યું છે.
પીત્ઝા
હવે અહીંના ફૂડની વાત કરીએ તો અહીંના પીત્ઝા ખૂબ જ સરસ આવે છે. ઘણી ડિશમાં સ્મૉલ પ્લેટ અને લાર્જ પ્લેટ એમ બે ઑપ્શન અહીં મળે છે. જેને જેટલી ભૂખ હોય એ પ્રમાણે ઑર્ડર કરી શકે છે. પીત્ઝા ઉપરાંત ફ્રાઇસ, અવાકાડો ટોસ્ટ, પાસ્તા, કેક, કૉફી વગેરે અનેક આઇટમો અહીં મળે છે.
ક્યાં મળશે? : ઑર્ગેનિક ઍન્ડ ઝીરો વેસ્ટ ન્યુડ ફૂડ કૅફે, એસ. વી. એસ. રોડ, દાદર (વેસ્ટ), પ્રભાદેવી
સમય? : સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૧ સુધી