મુંબઈનો રાજા સુરતમાં અને પાછો એ જ સ્વાદ, એ જ મજા

20 April, 2025 07:25 AM IST  |  Surat | Sanjay Goradia

વડાપાંઉને હું મુંબઈના સ્ટ્રીટ-ફૂડનો રાજા કહું છું. ગુજરાતમાં કોઈ કાળે હું વડાપાંઉ ખાઉં નહીં; પણ સાહેબ, સુરતમાં મેં એ ટ્રાય કરી અને મને એ વડાપાંઉ મુંબઈથી આયાત થયાં હોય એવું જ લાગ્યું

સંજય ગરોડિયા

મારો એક નિયમ છે કે મુંબઈ આવીને હું ગુજરાતનું સ્ટ્રીટ-ફૂડ ટ્રાય કરું નહીં અને પૅરિસ જઈને હું રસપાતરાંનો આગ્રહ રાખું નહીં. જ્યાંનું જે ફૂડ વખણાતું હોય ત્યાં જ એ ખાવું જોઈએ એવો મારો આજ સુધીનો અનુભવ કહે છે. આ જ કારણ છે કે હું મુંબઈના સ્ટ્રીટ-ફૂડના રાજા એવા વડાપાંઉ મુંબઈ સિવાય બીજે ક્યાંય ખાતો નથી. ટેસ્ટ પણ કરું નહીં. જોકે હમણાં અનાયાસ જ મેં સુરતમાં વડાપાંઉ ખાધાં અને સાહેબ, મને થયું કે હવે બધું પડતું મૂકીને સૌથી પહેલાં તમને એનો આસ્વાદ આપવો જોઈએ.

બન્યું એવું કે મારા નાટકના શો માટે મારે સુરત જવાનું થયું. ત્યાં અમારો શો સંજીવકુમાર ઑડિટોરિયમમાં હતો. આ જે સંજીવકુમાર ઑડિટોરિયમ છે એ સુરતમાં પાલ નામનો નવો ડેવલપ થયેલો એરિયા છે ત્યાં છે. અહીં રાજહંસ મલ્ટિપ્લેક્સ છે જેની પાછળ જ સંજયકુમાર ઑડિટોરિયમ છે. રાજહંસ મલ્ટિપ્લેક્સવાળા રોડ પર તમે ટર્ન લો એટલે ડાબી બાજુએ રાજહંસ આવે અને જરાક આગળ જાઓ એટલે જમણી બાજુએ વડાપાંઉની આ લારી આવે જેની હું તમને વાત કરું છું.

બન્યું એવું કે હું ઑડિટોરિયમ પહોંચ્યો, પણ રસ્તામાં સતત ફોન ચાલુ એટલે હું કંઈ ખાવા ઊભો રહી શક્યો નહીં અને ભૂખ કહે મારું કામ. રાજહંસ સુધી તો માંડ પહોંચાયું અને પછી હું જે પહેલી લારી દેખાઈ ત્યાં ઊભો રહી ગયો. ખબર પડી કે અહીં તો વડાપાંઉ જ મળે છે અને મને થયું કે મરી ગ્યા, પણ ભૂખને જોતાં મેં હા પાડી દીધી. મુંબઈ સિવાય મેં જ્યાં પણ વડાપાંઉ કે સેવપૂરી, ભેળપૂરી ટ્રાય કરી છે ત્યાં મોટા ભાગે હું છેતરાયો જ છું એટલે આ વખતે પણ ભૂતકાળનું પુનરાવર્તન થશે એવું ધારીને મેં જાતને આશ્વાસન આપ્યું અને ધીમે-ધીમે એ પ્રોસેસ જોવા લાગ્યો. એ ભાઈની દુકાનનું નામ શું હતું એ તેની લારી પરથી ખબર નહોતી પડતી. યંગ છોકરો હતો. તેણે મેં આપેલા વડાપાંઉનો ઑર્ડર લીધો અને પછી એક વડું તળવા માટે મૂક્યું. મને એ ગમ્યું. વડું બરાબર તૈયાર થઈ ગયું એટલે તે છોકરાએ આપણા મુંબઈની જે લસણની સૂકી ચટણી આવે છે એ નાખી અને પછી ત્રણ જાતની ચટણી નાખી એમાં વડું મૂક્યું અને બાજુ પર મૂકી દીધું. મેં તેને તરત જ ટોક્યો કે ભાઈ, મારે હવે એ ગરમ નથી કરવું તો મને કહે કે ગરમ નથી કરતો, તમને મરચાં તળી આપું. હું તો ફરી જોવા લાગ્યો.

દક્ષિણ ગુજરાતમાં લાંબાં મરચાં થાય છે. એ મરચાં લઈને તેણે એનાં બે ફાડિયાં કર્યાં અને પછી એ મરચાં ચણાના લોટમાં પલાળીને એ તળવા મૂક્યાં. હવે મારી આંખમાં ચમક આવી. થોડી વાર પછી એ મરચાં કરકરાં થઈ ગયાં એટલે તેણે એ મરચાં સાથે મને વડાપાંઉ આપ્યું. મેં ખાવાનું શરૂ કર્યું અને સાહેબ, શું જલસો પડ્યો છે. જે પેલું તળેલું મરચું હતું એને લીધે તો સ્વાદમાં ઉમેરો થતો હતો. મજા આવી ગઈ. એમ છતાં મારા મનમાં પેલો શંકાનો કીડો તો હજી ખદબદતો જ હતો કે આ સુરતી આટલાં સરસ વડાપાંઉ બનાવે છે કઈ રીતે?

મેં તરત માત્ર વડાનો ઓર્ડર દીધો. ઘણી વાર શું બને કે ચટણી જો સારી હોય તો એ બીજા બધાના ટેસ્ટને ઓવર-પાવર કરી જાય. મારે ચેક કરવું હતું કે એવું છે કે નહીં?

મારું વડું આવ્યું એટલે મેં એક પણ જાતની ચટણી વિના માત્ર એ વડું ટ્રાય કર્યું અને સાહેબ, હું આફરીન થઈ ગયો. ડિટ્ટો આપણા મુંબઈ જેવું જ વડું. એમ જ લાગે કે આપણે મુંબઈમાં જ ખાઈએ છીએ. હું ત્યાં હતો ત્યાં જ એક મરાઠી કપલ ત્યાં આવ્યું. એ હસબન્ડ-વાઇફ બન્ને મરાઠીમાં વાતો કરતાં હતાં એટલે હું સમજી ગયો અને નસીબજોગે તેઓ પણ મને ઓળખી ગયાં. તેમની સાથે વાત થઈ તો તેમણે પણ એ જ કહ્યું કે મુંબઈ જેવાં જ વડાપાંઉ અહીં મળતાં હોવાથી તે લોકો ખાસ વડાપાંઉ ખાવા એ જગ્યાએ આવે છે.

સુરત જવાનું બને કે પછી સુરતમાં તમારાં કોઈ સગાંવહાલાં રહેતાં હોય અને તમારે તેમને આપણા મુંબઈ જેવાં વડાપાંઉનો આસ્વાદ કરાવવો હોય તો આ જગ્યા કહી દેજો. તમે ખોટા નહીં પડો એની ગૅરન્ટી મારી.

indian food mumbai food street food Gujarati food food news life and style gujarat surat mumbai Sanjay Goradia columnists gujarati mid-day