31 August, 2025 07:03 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગરોડિયા
ગુરુવારે મારે અંધેરી-ઈસ્ટમાં એક જગ્યાએ ગણપતિનાં દર્શન માટે જવાનું થયું. સાંજનો સમય હતો. દર્શન કરીને મારે જવાનું હતું અમારા નવા નાટક ‘ઘેલાભાઈ ઘૂઘરાવાળા’નાં રિહર્સલ્સમાં. તમને તો ખબર જ છે કે સાંજ પડે એટલે મારા પેટમાં બકાસુર જાગે અને દેકારો કરે. ગણપતિનાં દર્શન કર્યાં ત્યાં તો યજમાને મારી સામે નાસ્તાનો ઢગલો કરી દીધો. મારો તો એ નાસ્તાનો જ સમય, પણ માળો બેટો પેલો બકાસુર, હઠ પકડીને બેઠો કે મારે તો વડાપાંઉ જ ખાવું છે. બહુ સમજાવ્યો, કહ્યું કે આજે પરબારું થઈ જવાનું છે તો કરી નાખ. પણ ના, વડાપાંઉ એટલે વડાપાંઉ. અને તમને તો ખબર છે, આ બકાસુર જીદ પકડે એટલે કોઈના બાપનું માને નહીં.
હું તો રવાના થયો અમારાં રિહર્સલ્સ પર જવા. રિહર્સલ્સ માટે મારે ડી. એન. નગર મેટ્રો સ્ટેશનથી મેટ્રો પકડવાની હતી, પણ હજી તો થોડી ગાડી ચાલી અને કોલડોંગરી એરિયા આવ્યો ત્યાં મારી નજર પડી એક દુકાન પર. નામ હતું ઓમ સાંઈ સંગમ વડાપાંઉ. બકાસુરે પેટમાં ઠેકડા મારવાના શરૂ કર્યા ને મેં ગાડી ઊભી રખાવી. મને મનમાં બીક કે સાલ્લું અજાણી જગ્યા છે, સ્વાદમાં મજા આવશે કે કેમ?
મનની આ શંકા-કુશંકા દબાવતાં મેં તો મેનુ પર નજર કરી અને હું આભો રહી ગયો. વડાપાંઉ ઉપરાંત બટાટા ભજ્જી પાંઉ, સમોસા પાંઉ, બ્રેડ કટલેટ પાંઉ, મુંગ ભજ્જી પાંઉ, મેથી ભજ્જી પાંઉ અને સાથોસાથ ઉસળ-મિસળ અને એ બધું પણ ખરું.
તમને અગાઉ કહ્યું છે એમ કોઈ પણ નવી જગ્યાએ જ્યારે કંઈ ખાવા જાઓ ત્યારે હંમેશાં નૉર્મલ આઇટમ પહેલાં ટ્રાય કરવાની. મેં તો ઑર્ડર આપ્યો વડાપાંઉનો. વડાના ઘાણ ઉપર ઘાણ ઊતરતા જાય અને એકધારાં વડાપાંઉ અપાતાં જાય તો સાથોસાથ પૅકિંગ પણ ધડાધડ ચાલુ જ હતું. મને થયું કે સાવ નાખી દેવા જેવી જગ્યા તો નહીં જ હોય ને સાહેબ, હું ફાયદામાં રહ્યો.
વડાપાંઉ આવ્યું. ટિપિકલ આપણા મુંબઈ જેવું જ વડાપાંઉ, પણ વડાની જે ક્રન્ચીનેસ હતી એ અદ્ભુત હતી. રીતસર તમારા દાંતે વડાનું ઉપરનું પડ તોડવા માટે મહેનત કરવી પડે. પાંઉની સૉફ્ટનેસને વડાની ક્રન્ચીનેસ કૉમ્પ્લીમેન્ટ કરતી હતી. વડાપાંઉ ખાઈ લીધા પછી મારી હિંમત ખૂલી ને પેલો પેટમાં રહેલો બકાસુર પણ કન્ટ્રોલમાં આવ્યો અને મેં ઑર્ડર કર્યો વડા ઉસળનો. આ જે વડા ઉસળ છે એમાં ઉસળમાં તમને એક વડું નાખીને આપે, જેને તમારે પાંઉ સાથે ખાવાનું. બહુ મસ્ત વરાઇટી છે. જો ટ્રાય ન કરી હોય તો કરજો પણ આ વરાઇટી તમને ત્યાં જ મળશે જ્યાં વડાં પણ મળતાં હોય અને ખાવાની મજા તો જ આવશે જો વડું ગરમાગરમ હોય.
‘વડા-ઉસળ સાત સે ગ્યારહ હી મિલતા હૈ...’
મારું મોઢું તો પડી ગયું અને મારી સાથે ત્યાં ઊભેલા બીજા ત્રણ-ચારનાં મોઢાં પણ ઊતરી ગયાં. મને થયું કે સાલ્લું ગજબ કહેવાય, આવી ડિમાન્ડ છે અને તો પણ આ ભાઈ પોતાના ટાઇમને વળગી રહે છે.
મિત્રો, એક વાત યાદ રાખવાની. જે ક્વૉલિટીના ભોગે કંઈ નથી કરતો એ માણસની ફૂડ-વરાઇટી અવ્વલ દરજ્જાની જ હોય. મને ખબર પડી કે ઉસળ-મિસળ સવારે અગિયાર વાગ્યે ખાલી થઈ જાય પછી તે બીજું બનાવતો જ નથી અને એનું કારણ એ દુકાનવાળાએ જ મને સમજાવ્યું. મને કહે કે આ બધું હું જ બનાવું છું. હું તો બધું લઈને સવારે આવી ગયો હોઉં, અગિયાર વાગ્યે એ ખાલી થઈ જાય એટલે કાં મારે બીજા કોઈની પાસે બનાવડાવવાનું અને કાં મારે પોતે બનાવવા જવાનું. જો હું બનાવવા જાઉં તો અહીં ધંધો ખોટી થાય અને બીજાને બનાવવા દઉં તો મારા ઉસળ-મિસળ જેવો સ્વાદ ન આવે.
બીજું તો કંઈ મારે ખાવું નહોતું એટલે મેં ફરી એક વડાપાંઉ મગાવ્યું ને એને ન્યાય આપ્યો. ઍડ્રેસ નોંધી લેજો, ઓમ સાંઈ સંગમ વડાપાંઉ. કોલડોંગરી, અંધેરી ઈસ્ટ.
ટેસડો પડશે. જઈને ખાતરી કરી લો.