03 August, 2024 08:05 AM IST | Mumbai | Darshini Vashi
ચીઝ વેજિટેબલ પાસ્તા અને પિન્કી સિંહ શેરાવત
મુંબઈ શહેરમાં જ્યારે શહેર બંધ થવાની દિશામાં આગળ વધતું હોય ત્યારે પિન્કી પાસ્તાવાલી સાંજ પછી લોખંડવાલાના બૅક રોડ પર પોતાનો ફૂડ-સ્ટૉલ શરૂ કરે છે અને રાત્રે એક-બે વાગ્યા સુધી અહીં કોઈ પણ પ્રકારના ભય વગર ઊભી રહીને લોકોને પાસ્તા, મૅગી અને સૅન્ડવિચ બનાવીને આપે છે.
છેલ્લા થોડા સમયથી પિન્કી પાસ્તાવાલીની રીલ સોશ્યલ મીડિયા પર ખૂબ ફરી રહી છે. એટલે વિચાર્યું કે અહીંના પાસ્તાને એક વખત ટેસ્ટ કરી જોઈએ. અહીં આવીને જોયું તો પિન્કી પાસ્તાવાલીના પાસ્તા જ નહીં, તેની મૅગી અને સૅન્ડવિચ પણ ખૂબ વખણાય છે. પાસ્તા તે ઘરેથી પકવીને લઈ આવે છે અને અહીં જેમ ઑર્ડર આવે એ રીતે ગ્રેવી તૈયાર કરીને ગરમાગરમ સર્વ કરે છે. રેડ અને વાઇટ એમ બન્ને પાસ્તા તેની પાસે મળી રહે છે. નૉર્મલ, ચીઝ તેમ જ વેજિટેબલ્સ સાથેના પાસ્તા અહીં મળે છે જેની કિંમત પણ અલગ-અલગ છે. ઍલ્યુમિનિયમ ફૉઇલ અથવા બ્લૅક પ્લાસ્ટિકની પ્લેટની અંદર પાસ્તા સર્વ કરીને આપવામાં આવે છે. તેની મૅગી પણ સુપર ટેસ્ટી છે. ત્રણ પ્રકારની મૅગી તેની પાસે મળે છે : સાદી, વેજિટેબલ અને ચીઝ સ્પેશ્યલ. બેસ્ટ તો વેજિટેબલ મૅગી છે જેમાં તે કૉર્ન, કૅપ્સિકમ, કાંદા, ટમેટાં વગેરે નાખે છે. થોડા સમય અગાઉ તેણે અહીં બ્રાઉન બ્રેડ તવા સૅન્ડવિચ પણ વેચવાનું શરૂ કર્યું છે.
જેટલી સ્વાદિષ્ટ પિન્કી દ્વારા બનતી વાનગીઓ છે એટલી જ મજેદાર તેની લાઇફ-સ્ટોરી પણ છે. મૂળ હરિયાણાની પિન્કી સિરિયલમાં નાનામોટા રોલ કરે છે પણ તેનું પૅશન ફૂડ છે એટલે તે સાંજ પછી અહીં આવે છે. માત્ર બે નાનકડાં ટેબલ નાખેલાં હોય છે અને તેની ઉપર બધી સામગ્રી. ઉપર કોઈ છત નહીં અને બેસવા માટે કોઈ સીટ નહીં એવી જગ્યાએ આજથી ત્રણ મહિના પહેલાં જ આ સ્ટૉલ તેણે શરૂ કર્યો હતો. હમણાં ચોમાસાને હિસાબે ઉપર છત્રી રાખી છે. એક સ્ત્રી તરીકે મોડી રાત સુધી રસ્તા પર કામ કરવું કંઈ સરળ હોય છે? એના જવાબમાં પિન્કી કહે છે, ‘રસ્તા પર દરેક જાતની વસ્તી હોય અને દેખીતી રીતે જ હંમેશાં સારા લોકોની સાથે પનારો પડતો નથી. તેમ છતાં સેલ્ફ-કૉન્ફિડન્સ અને થોડાક સ્ટ્રિક્ટ વલણને લીધે કોઈ ખોટી રીતે મસ્તી કરવા આવતું નથી. સ્ટૉલ પર એક હેલ્પર પણ છે. ઘણી વખત લોકો બે વાગ્યા સુધી પણ અહીં ખાવા આવતા હોય છે.’
ક્યાં મળશે? : પિન્કી પાસ્તાવાલી, લોખંડવાલા બૅક રોડ, મ્હાડા નજીક, અંધેરી (વેસ્ટ)
સમય: સાંજે ૬ થી રાત્રે ૧ વાગ્યા સુધી