અસ્સલ પહાડી ફ‍ૂડ લઈને આવ્યા છે આ યુવાનો

06 April, 2025 07:05 AM IST  |  Mumbai | Darshini Vashi

મુંબઈમાં ફિલ્મમાં કામ કરવા આવેલા બે યંગસ્ટરે વર્સોવા ખાતે હિમાલય ફૂડ પીરસતો રૉન્ગમિટ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે

રૉન્ગમિટ, સાત બંગલા, વર્સોવા, અંધેરી (વેસ્ટ)

વડાપાંઉના સ્ટૉલની જેમ હવે પહાડી ફૂડના પણ ઠેર-ઠેર સ્ટૉલ ખૂલી ગયા છે, જેમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે. વર્સોવા ખાતે થોડા વખત પહેલાં જ એ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં માત્ર ને માત્ર હિમાલયન ફૂડ એટલે કે પહાડી ફૂડની વરાઇટી મળે છે. મોમોઝ અને સિડ્ડુ તો ખરા જ, સાથે એવી પણ અમુક વરાઇટી મળે છે જે મુંબઈમાં જવલ્લે જ સાંભળવા મળે છે તો અમુક એવી પણ છે જે મુંબઈમાં કશે પણ નથી. પણ આ સ્ટૉલ પર મળતા ફૂડની વાત કરીએ એ પહેલાં આ સ્ટૉલ શરૂ કરનાર બે જુવાનિયા વિશે જાણીએ જેમની સ્ટોરી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે.

લગભગ સાત મહિના પૂર્વે બે મિત્રોએ મળીને વર્સોવા ખાતે પહાડી વાનગીઓનો એક સ્ટૉલ રૉન્ગમિટ શરૂ કર્યો હતો. આ વિશે જાણકારી આપતાં રૉન્ગમિટ સ્ટૉલના કો-ફાઉન્ડર રોહિત કંડાલ કહે છે, ‘હું પંજાબનો છું અને મારી સાથે જે સ્ટૉલ સંભાળે છે તે દાર્જીલિંગની છે. અમે બન્ને ઍક્ટર્સ છીએ પણ ગયા વર્ષથી અમારું કામકાજ કેટલાંક કારણસર ઘટી ગયું હતું. મુંબઈમાં રહેવું હોય તો કામ તો સરખું કરવું જ પડે છે નહીંતર અહીં રહેવું સહેલું નથી.

વેજ લાપિંગ

એટલે મારી ફ્રેન્ડ પ્રિયા અને મેં મળીને એક પહાડી ફૂડ-સ્ટૉલ શરૂ કરવાનો વિચાર કર્યો કેમ કે એમાં તે માસ્ટરી ધરાવતી હતી. શરૂઆતમાં અમે ફેમસ પહાડી વાનગી બનાવતાં હતાં જે બધાને ભાવવા લાગી હતી એટલે અમને પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. પછી અમે નવી-નવી પહાડી વાનગી બનાવી જે માત્ર પહાડી વિસ્તારમાં જ મળે છે.’

સિડ્ડુ

અહીં વેજ અને નૉન-વેજ એમ બન્ને વસ્તુ મળે છે પણ બન્નેનાં કાઉન્ટર અલગ છે. માત્ર મોમોઝ જ એક વાસણમાં બને છે. અહીં સિડ્ડુ ઘણું જ સરસ મળે છે જે મનાલીની સૌથી ફેવરિટ આઇટમ છે. આ સિવાય અહીં મળતી સમથિંગ ન્યુ આઇટમમાં લાપિંગનું નામ આવે છે જે મુંબઈમાં માત્ર બે જગ્યાએ જ મળે છે. આ એક તિબેટન ડિશ છે જે સ્પ્રિંગ રોલ જેવી જ આવે છે. આવી જ બીજી એક યુનિક ડિશ છે આલૂ મિમી પૅકેટ, જે બીજે કશે મળતી નથી.

ક્યાં છે? : રૉન્ગમિટ, સાત બંગલા, વર્સોવા, અંધેરી (વેસ્ટ)

સમય : સાંજે ૬ વાગ્યા પછી

indian food mumbai food street food life and style gujarati mid-day mumbai andheri versova darshini vashi columnists