12 July, 2025 12:04 PM IST | Mumbai | Darshini Vashi
ભોલા ચાટ ભંડાર
ઑલટાઇમ ફેવરિટ એવી પાણીપૂરીને ચોમાસા દરમિયાન સ્ટૉલ પર ખાતાં ડર લાગે છે કે ક્યાંક પાણીપૂરીનું પાણી ભેળસેળવાળું કે પછી ખરાબ ન હોય. એટલે આપણે સામાન્ય રીતે આ મોસમમાં સ્ટૉલ પરની પાણીપૂરી ખાવાનું ટાળતા હોઈએ છીએ. પણ આપણને ખબર પડે કે આ પાણીપૂરીનું પાણી બિસલેરી વૉટરમાંથી બનાવવામાં આવેલું છે તો પછી પાણીપૂરી ખાવાની મજા જ પડી જાય, બરાબરને?
અંધેરી ઈસ્ટમાં રીજન્સી હોટેલ નજીક ભોલા ચાટ ભંડાર નામનો એક ચાટ-સ્ટૉલ આવેલો છે જેને બિસલેરી પાણીપૂરી સ્ટૉલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પરથી તમને અંદાજ આવી ગયો હશે કે અહીં બિસલેરી વૉટરનો ઉપયોગ કરવામાં આવતો હશે. હા, અહીં પાણીપૂરીના પાણીથી લઈને રગડામાં વપરાતા પાણીમાં બિસલેરી વૉટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટૉલ પર કામ કરતા લોકોનું કહેવું છે કે ૨૦૧૩ની આસપાસથી અહીં બિસલેરી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી લોકો પાણીનું બહાનું કાઢીને સ્ટ્રીટફૂડ ખાવાનું ટાળે નહીં. સૌથી પહેલાં પાણીપૂરીની વાત કરીએ તો અહીં બે પ્રકારની પાણીપૂરી મળે છે, એક તો રગડા પાણીપૂરી અને બીજી મગ-બુંદી પાણીપૂરી. તમે ચાહો તો હાફ-હાફ બન્ને ટ્રાય કરી શકો છો. હવે અહીંની સૌથી હૉટ ફેવરિટ ડિશની વાત કરીએ તો એ છે દહીં પાપડી ચાટ. એક પ્લેટમાં પૂરીના ટુકડા કરીને નાખવામાં આવે છે. ઉપર બટાટા અને કાંદા ભભરાવવામાં આવે છે. એની ઉપર ચાટ મસાલો, તીખી-મીઠી ચટણી નાખી મિક્સ કરવામાં આવે છે. ત્યાર બાદ ઉપર એકદમ લીસું બનાવેલું દહીં નાખવામાં આવે છે. ઉપર ફરી મસાલો અને સેવ પાથરીને સર્વ કરવામાં આવે છે. મોટા ભાગે જ્યાં પાણીપૂરી મળતી હોય ત્યાં પાણીપૂરી જ વધારે ખવાતી હોય છે, પરંતુ અહીં ઊલટું છે. અહીં દહીં પાપડી ચાટ ઘણી ફેમસ છે.
ક્યાં છે? : ભોલા ચાટ ભંડાર, રીજન્સી હોટેલની બાજુમાં, સાંઈવાડી, અંધેરી (ઈસ્ટ) સમય : બપોરે ૧થી રાત્રે ૧૦ વાગ્યા સુધી