19 June, 2025 06:54 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં મુંબઈની એક મહિલાને હાર્ટ-અટૅક આવ્યો હતો અને તપાસ કરતાં ખબર પડી કે તેને PCOS છે અને એની સારવારના ભાગરૂપે તે છેલ્લાં ૭ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લેતી હતી. એવામાં આપણા માટે એ જાણી લેવું જરૂરી છે કે PCOSના પેશન્ટ્સને કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ શા માટે આપવામાં આવે છે? કયા કેસમાં એ લેવાથી એની સાઇડ-ઇફેક્ટનું જોખમ વધી જાય છે?
હાલમાં મુંબઈમાં ૨૭ વર્ષની એક યુવતીને હાર્ટ-અટૅક આવ્યો હતો. તે છેલ્લાં ૧૦ વર્ષથી પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ (PCOS)થી પીડાતી હતી એટલે ૭ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહી હતી. વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર એવી આ યુવતીને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડતાં તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. હૉસ્પિટલમાં તેનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) રિપોર્ટ કાઢવામાં આવ્યો એમાં ખબર પડી કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. ગર્ભનિરોધક ગોળીઓને કારણે તેનું લોહી ગંઠાઈ ગયું હતું અને એને કારણે હાર્ટ-અટૅક આવ્યો હતો. ભૂતકાળમાં પણ એવી સ્ટડીઝ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે એસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનનું કૉમ્બિનેશન હોય છે એ સ્ટ્રોક અને હાર્ટ-અટૅકનું જોખમ બમણું કરી દે છે. એવામાં PCOS શું છે, શા માટે એની સારવારમાં કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ થાય છે એ વિશે ૩૦ વર્ષનો અનુભવ ધરાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ધૃપ્તિ દેઢિયા પાસેથી જાણી લઈએ.
કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બ્લડ-ક્લૉટ કરે?
કૉન્ટ્રાસેપ્ટિવ પિલ, સ્મોકિંગ, હાઈ કૉલેસ્ટરોલવાળી ડાયટ એ બધી વસ્તુઓ થ્રોમ્બસ બનાવવામાં મદદ કરે છે. થ્રોમ્બસ એટલે બ્લડ-ક્લૉટ. આ બ્લડ-ક્લૉટ ગમે ત્યાં બની શકે. મગજમાં લોહી ગંઠાવાનું શરૂ થાય તો પૅરૅલિસિસ આવી શકે, હૃદયમાં બ્લડ-ક્લૉટ થઈ જાય તો હાર્ટ-અટૅક આવી શકે, કિડનીમાં લોહી જમા થઈ જાય તો કિડની ફેલ થઈ શકે. સામાન્ય રીતે સ્મોકિંગ કરવાથી બ્લડ-ક્લૉટિંગનું જોખમ વધી જાય છે એટલે અમે જ્યારે પણ મહિલાઓને કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપીએ ત્યારે તેને પૂછીએ કે તમે સ્મોકર છો? એક જમાનો હતો જ્યારે અમારે આ પૂછવું નહોતું પડતું, કારણ કે સ્ત્રીઓ સ્મોકિંગ કરતી જ નહોતી. ઘણી મહિલાઓની ડાયટ ખૂબ ખરાબ હોય છે. તળેલી વસ્તુ, ચીઝ, બટર, જન્ક ફૂડ વગેરેના વધુ પડતા સેવનથી શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ વધી જાય છે, જે શરીરમાં બલ્ડ-ક્લૉટિંગ કરી શકે છે. આપણા બ્લડમાં જે પ્રોટીન C અને પ્રોટીન S હોય છે એ એક લાખમાંથી અમુક યુવતીઓમાં ઓછું હોય છે અને એને લીધે લોહી ગંઠાવાનું શરૂ થઈ જાય છે એટલે આવી સ્ત્રીઓ જેમને ઑલરેડી બ્લડ-ક્લૉટિંગનું જોખમ રહેલું છે અને તેઓ લાંબા સમય સુધી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય તો એ બ્લડ-ક્લૉટિંગના ચાન્સિસ વધારી દે છે. એટલે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી મહિલાઓએ બ્લડ-ક્લૉટનું રિસ્ક ઓછું કરવા માટે પોતાની લાઇફસ્ટાઇલ અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પૉલિસિસ્ટિક ઓવરી, નૉર્મલ ઓવરી
PCOS અને એવી રીતે એક બીજો પ્રૉબ્લેમ છે જેને એન્ડોમેટ્રિયોસિસ કહેવાય છે એ બન્નેમાં સેમ ટાઇપની દવા અપાય છે, જેમાં અમે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોનનું કૉમ્બિનેશન આપીએ છીએ. હવે એ યુવતી જેને પ્રોટીન C અને પ્રોટીન Sની બીમારી હોય તેને આ દવા આપીએ તો તેને પહેલા-બીજા મહિને જ પ્રૉબ્લેમ થવા માંડે. ખાસ કરીને તેમને માથું દુખવાની સમસ્યા થાય એટલે અમે તરત એ દવા બંધ કરી દઈએ. તેમની બ્લડ-ટેસ્ટ કરીએ અને એ પૉઝિટિવ આવે એટલે કે તેમનામાં પ્રોટીન C અને પ્રોટીન S ઓછું હોવાની ખબર પડે એટલે અમે તેમને કહી દઈએ કે તેઓ હંમેશાં એ દવા લઈ શકશે નહીં. સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં પણ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવાં નૅચરલ હૉર્મોનનું સ્તર શરીરમાં વધી જાય ત્યારે પણ જેમનું પ્રોટીન C અને પ્રોટીન S ઓછું હોય તેમને બ્લડ-ક્લૉટ થવાની શક્યતા હોય. પ્રોટીન C અને પ્રોટીન Sની ટેસ્ટ કરીને એ પછી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપવાનું શરૂ કરીએ તો એમાં તેમનો ખર્ચો બહુ વધી જાય. આ કન્ડિશન પણ બહુ રૅર છે એટલે બધા પેશન્ટને આ ટેસ્ટ કરાવવાનું ન કહી શકાય. ઘણીબધી યુવતીઓ જેમનામાં પ્રોટીન C અને પ્રોટીન Sની કમી હોય તેમને ગર્ભપાત થઈ જાય, કારણ કે પ્લેસેન્ટાની અંદર બ્લડ-ક્લૉટ થવા માંડે એટલે બાળકને ઑક્સિજન મળે જ નહીં. આવી મહિલાઓની પ્રેગ્નન્સી કન્ટિન્યુ થાય એ માટે અમે તેમને બ્લડ-થિનર આપીએ છીએ.
કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો યુઝ ક્યારે થાય?
PCOS અને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (PCOD) આમ જોવા જઈએ તો સેમ જ છે. એ થવાનાં મુખ્ય કારણોની વાત કરીએ તો એ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ, જેનેટિક્સ અને લાઇફસ્ટાઇલ ફૅક્ટર્સને કારણે થાય છે. PCOD એવી કન્ડિશન છે જેની અંદર સ્ત્રીઓને જે એગ બનવાની ક્રિયા છે એ શરૂ થઈ જાય. બધી સ્ત્રીઓ એક એગ બનાવે. એટલે કાં તો રાઇટ ઓવરી એગ બનાવશે અને એક મહિના પછી બીજા મહિને લેફ્ટ ઓવરી એગ બનાવશે. હૉર્મોન આપણા બ્રેઇનમાંથી એ રીતે ઓવરીને સ્ટિમ્યુલેટ કરે કે તું એક એગ બનાવ. ઘણી વખત બે એગ બની જાય એ લોકોને ટ્વિન્સ બાળકો થાય. નૉર્મલી એક જ એગ બને. ધારો કે જો હૉર્મોનમાં થોડી ગરબડ હોય તો એના હિસાબે ઓવરી એગ બનાવવાનું શરૂ કરે પણ એકને બદલે પાંચ કે છ બની જાય. એટલે ઓવરી આખી ભરાય અને એક પણ એગ બહાર ન આવી શકે એટલે એ સ્ત્રીને એક જ હૉર્મોન વધારે બનતું હોવાથી એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થઈ જાય. એનાથી સ્ત્રીનું વજન વધી શકે, તેની સ્કિન ખરાબ થઈ શકે એટલે કે પિંપલ્સ આવી શકે, ફેસ પર વાળ ઊગવાનું શરૂ થઈ જાય, માથાના વાળ ખરવાનું શરૂ થઈ જાય. ઘણી વખત એક સ્પેસિફિક કારણ હોય એના હિસાબે આમ થતું હોય. એટલે કોઈનું પ્રોલેક્ટિન નામનું હૉર્મોન વધારે હોય કે કોઈને થાઇરૉઇડનો પ્રૉબ્લેમ હોય કે કોઈને મેલ હૉર્મોન વધારે બનતું હોય તો એવા કેસમાં અમે થાઇરૉઇડ કરેક્ટ કરી લઈએ એટલે અમારે એને ગર્ભનિરોધક ગોળીઓ ન આપવી પડે. ઘણી સ્ત્રીઓની લાઇફસ્ટાઇલ ખરાબ હોય તો એ બધાં કારણના હિસાબે વજન વધી જાય અને બૉડીમાં ફૅટનું પ્રમાણ વધે ત્યારે અમુક સ્ત્રીઓમાં ફૅટમાં એસ્ટ્રોજન સ્ટોર થવા માંડે. એટલે એસ્ટ્રોજનનું એટલું બધું પ્રમાણ વધી જાય કે ઈંડું બને જ નહીં. એટલે પિરિયડ્સ અનિયમિત થઈ જાય. પિરિયડ્સ અનિયમિત થઈ જાય એટલે વજન વધવા માંડે. એટલે તેમને અમે લાઇફસ્ટાઇલ સુધારવાની સલાહ આપીએ. અમુક સ્ત્રીનાં મમ્મી-પપ્પાને ડાયાબિટીઝ હોય તો તેમના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધુ હોય એના હિસાબે ઈંડું બનવાની પ્રક્રિયા ન થાય અને PCOS થઈ જાય. તો એવા પેશન્ટને અમે ઇનસ્યુલિનનું પ્રમાણ ઓછું કરી દઈએ તો તેમના પિરિયડ્સ રેગ્યુલર થઈ જાય.
PCOSનાં ઘણાં બધાં કારણો હોય છે. જ્યારે અમે ટ્રીટમેન્ટ શરૂ કરીએ ત્યારે કારણ શોધીએ અને એ ન મળે ત્યારે અમારે ગર્ભનિરોધક ગોળીઓ આપવી પડે જેથી તેનાં હૉર્મોન્સ બૅલૅન્સ રહે, તેમને સમયસર પિરિયડ્સ આવે. તેમની ઓવરી સરખી રીતે કામ નથી કરતી એટલે અમે બન્ને હૉર્મોન્સ આપીએ જેથી તેને અનિયમિત પિરિયડ્સની જે સાઇડ-ઇફેક્ટ હોય એ ન થાય. PCOS અને PCODની ગંભીરતા દરેક પેશન્ટમાં અલગ-અલગ હોય છે. બૉર્ડરલાઇન હોય તેમને લાઇફસ્ટાઇલ ચેન્જિસથી ફાયદો થઈ જાય. જે સ્ત્રીને ગંભીર સમસ્યા હોય તેમને લાંબા સમય સુધી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપવી પડે, જેથી બીમારી આગળ ન વધે. અમે પેશન્ટને બે-ત્રણ મહિના કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપીએ અને કહીએ કે હેલ્ધી લાઇફસ્ટાઇલ ફૉલો કરો. એનાથી તેમને જો ફાયદો થતો હોય તો પછી અમે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બંધ કરાવી દઈએ. PCOS અને PCOD એવી કન્ડિશન છે જે ક્યૉરેબલ નથી, પણ એને મેડિકેશન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અસરકારક રીતે મૅનેજ કરી શકીએ. એટલે ઘણી સ્ત્રીઓને ફેર ન પડતો હોય તો વર્ષોનાં વર્ષ સુધી તેમને કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવી પડે. ૬ મહિનાનો કોર્સ કરે તો પણ ઘણી સ્ત્રીનું વજન ઊતરી જાય, ઇન્સ્યુલિન નૉર્મલ થઈ જાય, પિરિયડ્સ નિયમિત આવવા મંડે. અમુક સ્ત્રીઓની ઓવરી જ વીક હોય. તેમને કયા કારણે PCOS થયું છે એની જ ખબર ન પડે. એવા લોકોએ બહુ લાંબા સમય સુધી દવા લેવી પડે. તેમને બાળક જોઈતું હોય ત્યારે પણ અમારે દવા આપવી પડે જેથી ઈંડું બને, ઈંડું બહાર આવે જેથી તેને પ્રેગ્નન્સી રહે. પ્રેગ્નન્સીમાં ૯ મહિના સુધી ઓવરીને આરામ મળે. એટલે તેણે ઈંડું બનાવવું ન પડે. એ પછી જ્યારે તે મા બને અને બાળકને દૂધ પીવડાવે ત્યારે પાછું છ-આઠ મહિના ઓવરીએ ઈંડું બનાવવું ન પડે. મા દૂધ પીવડાવતી હોય ત્યારે ઈંડું બનવાની પ્રક્રિયા આરામ લે છે એટલે સામાન્ય રીતે એક પ્રેગ્નન્સી પછી ઘણી સ્ત્રીઓની ઓવરી સુધરી જાય. કોઈ સ્ત્રી એવી હોય તે એમ વિચારે કે ભલે મને વર્ષમાં ફક્ત ચાર વાર જ પિરિયડ્સ આવે, મારે દવા નથી લેવી. હવે આવી સ્ત્રીઓના શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ લાંબા સમય સુધી રહે તો આવી સ્ત્રીઓને એન્ડોમેટ્રિયલ કૅન્સર, બ્લડપ્રેશર, ડાયાબિટીઝ થવાની શક્યતા રહે છે.
PCOS અને PCODની ગંભીરતા દરેક પેશન્ટમાં અલગ-અલગ હોય છે. બૉર્ડરલાઇન હોય તેમને લાઇફસ્ટાઇલ ચેન્જિસથી ફાયદો થઈ જાય. જે સ્ત્રીને ગંભીર સમસ્યા હોય તેમને લાંબા સમય સુધી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપવી પડે, જેથી બીમારી આગળ ન વધે.