તમને ખબર છે પરિગ્રહ આપણા ચિત્તને બીમાર કરવાનું કામ કરે છે?

24 August, 2025 03:47 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

ચૈતન્યની જગ્યા કરવા માટે જીવતરમાંથી પદાર્થો ઓછા કરવા જરૂરી હોય છે. ‘ક્યારેક કામમાં આવશે’, ‘ક્યારેક પહેરીશું’, ‘કોઈ ખાસ પ્રસંગ માટે’ આવું બધું વિચારીને આપણે કેટલુંબધું બિનજરૂરી એકઠું કરતા જઈએ છીએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

મેં તો ખાલી એક પુસ્તકમાં એના ફાયદા વાંચ્યા’તા પણ એ કર્યા પછી જે રાહત અને મોકળાશ અનુભવાય છે એની વાત કરવી છે. મારા વૉર્ડરોબમાં વર્ષોથી જગ્યા રોકીને બેઠેલાં બિનજરૂરી, મિસફિટ કે અણગમતાં કપડાંનો નિકાલ. મારો ક્રાઇટેરિયા બહુ સિમ્પલ હતો, છેલ્લા ત્રણ મહિનામાં જે કપડાં મેં ન પહેર્યાં હોય એ બધાં જ કોઈને આપી દેવાં. And I was surprised કે મારો ૭૦ ટકા વૉર્ડરોબ ખાલી થઈ ગયો. એનો અર્થ એમ કે એવાં ૭૦ ટકા કપડાં હતાં જે હું પહેરતો જ નહીં અને એમ છતાં જેનો મેં સંગ્રહ કરીને રાખેલો. એ કપડાં કોઈ જરૂરિયાતમંદને મળશે એનો આનંદ તો બહુ પછી, સૌથી મોટો સંતોષ આપણી પાસે રહેલા પદાર્થોની બાદબાકી કરવામાં રહેલો છે.

દર દિવાળીએ નવાં કપડાંની ખરીદી કરવામાં જે આનંદ આવતો એનાથી અનેકગણી વધારે મોજ મને મારા Excess અને બિનજરૂરી (કેટલાંક તો સાવ નવાં) કપડાંના નિકાલમાં આવ્યો. ચૈતન્યની જગ્યા કરવા માટે જીવતરમાંથી પદાર્થો ઓછા કરવા જરૂરી હોય છે. ‘ક્યારેક કામમાં આવશે’, ‘ક્યારેક પહેરીશું’, ‘કોઈ ખાસ પ્રસંગ માટે’ આવું બધું વિચારીને આપણે કેટલુંબધું બિનજરૂરી એકઠું કરતા જઈએ છીએ! અને પછી આ પરિગ્રહ આપણા ચિત્તને બીમાર કરી નાખે છે.

‘Joy of Giving’ તો બહુ પછી આવે ,એ પહેલાં જે પ્રક્રિયાનો સૌથી વધારે આનંદ આવે એ છે Decluttering. એટલે કે વૉર્ડરોબ, ઑફિસ ડેસ્ક, ઘર કે જીવતરમાંથી બિનજરૂરી પદાર્થોનો નિકાલ. એવું બધું જ કાઢી નાખવું જે ‘ક્યારેક ઉપયોગમાં આવશે’ની આશા રાખીને આપણે સંઘરેલું હોય પણ હકીકતમાં ક્યારેય ઉપયોગમાં ન આવતું હોય. ઍન્ડ બિલીવ મી, Declutteringની આપણા મન અને મૂડ પર ચમત્કારિક અસર થાય છે. એવું કહેવાય છે કે Ddeclutter your space to declutter your mind. દેખીતી રીતે, એ બન્ને વચ્ચે કોઈ જ કનેક્શન ન હોવા છતાં આપણા વાતાવરણ કે આસપાસની જગ્યામાંથી જેમ-જેમ પદાર્થો ઓછા થતા જાય છે તેમ-તેમ આપણી મેન્ટલ ક્લૅરિટી વધતી જાય છે.

બિનજરૂરી વસ્તુઓની સાફસફાઈ જેવા ક્ષુલ્લક અને બોરિંગ લાગતા વિષય પર કોઈ પુસ્તક લખે એટલું જ નહીં, એ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવે એ વાત કોઈ દિવસ ગળે ઊતરે? નહીંને? તો સાંભળો.

માત્ર વીસ વર્ષની વયે એક જૅપનીઝ લેખિકા મૅરી કોન્ડોએ એક અદ્ભુત પુસ્તક લખ્યું, ‘The Life-Changing Magic of Tidying Up : The Japanese Art of Decluttering’. ટૂંકમાં ઘર અને જીવનમાંથી બિનજરૂરી પદાર્થો દૂર કરવાની કળા અને એ પુસ્તકે મૅરી કોન્ડોને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી. આ જ વિષય સમજાવતી તેમની એક વેબ-સિરીઝ Netflix પર છે ‘Tidying up with Marie Condo’. અત્યારે તેઓ ‘Tidying up Consultant’ છે અને બિનજરૂરી પદાર્થો ઘટાડવાથી માનસિક સ્વાસ્થ્ય પર થતી લાભદાયક અસરો સમજાવે છે. પદાર્થો ઓછા કરતા જવાની એ પદ્ધતિ આજે ‘Konmari Method’ તરીકે ઓળખાય છે.

પહેલો વિચાર એ આવે કે એમાં મૅરી કોન્ડોએ નવું શું કર્યું? આવું તો આપણે દર દિવાળીએ કરીએ છીએ. પણ સમસ્યા એ છે કે દર દિવાળીએ કામ મળી રહે એ માટે આખું વર્ષ આપણે કેટલુંબધું બિનજરૂરી એકઠું કરતા જઈએ છીએ! દિવાળીએ ઘરમાંથી કાઢવી પડતી બિનજરૂરી વસ્તુઓ કે કપડાંની માત્રા જો દર વર્ષે સરખી જ રહેતી હોય તો એનો અર્થ એટલો જ થયો કે આપણી એકઠું કરવાની માનસિકતા પણ દર વર્ષે એની એ જ રહે છે.

મૅરી કોન્ડોએ તો છેક હવે લખ્યું. અપરિગ્રહ સમજાવતી આ જ વાત ગાંધીજીએ તો વર્ષો પહેલાં કહેલી. આપણું શરીર કષાયના સંગ્રહ માટે બનેલું જ નથી. જો ઉત્સર્જનમાં ખામી સર્જાય તો આપણે બીમાર પડી જઈએ છીએ. એ જ રીતે જો અપરિગ્રહની પ્રૅક્ટિસમાં ખામી સર્જાય તો આપણું ચિત્ત બીમાર પડી જાય છે કારણકે મનુષ્યની પ્રકૃતિ જ અપરિગ્રહની છે. આપણી આસપાસ જેમ-જેમ પદાર્થોના ઢગલા વધતા જાય છે તેમ-તેમ ચૈતન્યના વિકાસ માટેની જગ્યા અને શક્યતા ઘટતી જાય છે.

આપણા દરેક પાસે એવું ઘણુંબધું હોય છે જેની આપણને જરૂર નથી હોતી, પણ ‘ક્યારેક જરૂર પડશે તો?’ જેવી માનસિક દરિદ્રતાને કારણે આપણે એ વસ્તુ કે પદાર્થ છોડી નથી શકતા. અન્ય કોઈને આપી નથી શકતા. એ કાલ્પનિક ભયની ઉપરવટ જઈને બધું ખાલી કર્યા પછી જ આપણને સમજાય છે કે આપણો મૂળ સ્વભાવ તો અપરિગ્રહ જ છે. અમુક સેકન્ડ્સથી વધારે તો આપણે શ્વાસ પણ સંગ્રહી શકતા નથી. શ્વાસ જેવી મૂળભૂત બાબત પણ જો આપણે સમયસર છોડી દેવી પડતી હોય તો ‘ન છોડેલું’ કેટલુંય આપણો શ્વાસ રુંધતું હશે! એ તો છોડ્યા પછી જ ખબર પડે કે કેવી હળવાશ અનુભવાય છે.

Try it yourself. કશાકની બાદબાકી કર્યા પછી જે હળવાશ અને નિરાંત અનુભવાય છે એવી મોજ કશાકના ઉમેરણ પછી નથી આવતી. કદાચ એક જ મુસાફરી એવી હશે જે શરૂ કરતાં પહેલાં આપણને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવે છે કે Unpack your bags. જેમ-જેમ ઉપર જતા જઈએ તેમ-તેમ સામાન ઓછો કરતા જવો. અનુભવી પ્રવાસી તેને જ કહેવાય જેની પાસે લઘુતમ સામાન હોય.

columnists gujarati mid day mumbai health tips mental health japan life and style